: નિરાંત ::

રૂખીએ આવતાની સાથે ‘નિરાંત’ બંગલાની ચીવટપૂર્વક સફાઈ કરવાં માંડી. ડ્રેસીંગ ટેબલ પર ડસ્ટિંગ કરતાં કરતાં રૂખીએ બૂમ પાડી,”બેન, અહીં શૈલીબેનની એક જ બુટ્ટી પડી છે.”
સુધાબેને રસોડામાંથી જ કહ્યું, “હશે. રહેવા દે, શૈલી આવેને એટલે પૂછી લેશું.
લાડકી વહુ શૈલી નોકરી કરવા બેંકમાં ગઈ હતી. રૂખીએ ઘર ઝાપટીઝૂંપટી, કચરાપોતાં કરી ચકચકતું કરી દીધું. પછી વાસણ માંજવા બેઠી. સુધાબેનથી ના રહેવાયું, “રૂખી, તું બે દિવસ નહોતી તો જાણે નાહ્યાં વગરનું રિસાયેલું બાળક હોય તેવું ઘર થઈ ગયું હતું.”
“હા બેન, હમણાં તો ઠીક પણ મને તો લૉકડાઉન વખતે બહુ ફિકર રહેતી હતી. તમારે અને શૈલીબેને જાતે જ બધું કામ કરવું પડ્યું હશેને?”
“હા રૂખી, તારા વગર અમે બધાં જ કંટાળી ગયાં હતાં, થાકી ગયાં હતાં.”
“હા બેન, મને પણ થયું કે દોડી જાઉં પણ કોઈ નીકળવા દે તોને? આ મૂઓ કોરોના!
જેને રૂખી તરીકે સંબોધતા એ રુક્ષ્મણી સુધાબેનની વર્ષો જૂની કામવાળી. વીસબાવીસ વર્ષથી હતી. પેઢી બદલાઈ પણ એ બદલાઈ ન હતી. પહેલાં તો એ પાંચછ ઘરે કામ કરતી પણ હવે ફક્ત સુધાબેનના ઘરે જ કામ કરતી હતી. સવારથી બપોર સુધી ત્યાં જ હોય. નજીક રહેતી એટલે ક્યારેક જરૂર પડે તો સાંજે પણ કામે આવી જતી.
એનો વર છૂટક કામ કરતો ને વળી દારૂની લત હતી.રૂખીની એક છોકરી. એને બાજુના ગામમાં પરણાવી હતી. આ શનિરવિ એનો ખોળો ભરાવીને ડિલિવરી કરાવવા તેડવા ગઈ હતી એટલે બે દિવસ એણે રજા પાડી હતી. એને પોતાના ઘર કરતાં પણ સુધાબેનના ઘરની વધુ ફિકર રહેતી હતી. તે દિલ દઈને કામ કરતી એટલે સુધાબેનનો આખો પરિવાર ખુશ હતો. એમને નિરાંત હતી.
આવી કામવાળી બાઈ માટે પડોશણો પણ અદેખાઈ કરતી. પોતાના ઘરે પણ કામ કરવા રૂખીને સમજાવતી પણ રૂખી કહેતી, “ના, મને વધારે પગારની જરૂર નથી. મને સુધાબેન આપે એ પૂરતો છે.” જ્યારે જરૂર પડે ત્યારે સુધાબેન મદદ કરતાં અને રૂખી પગારમાંથી સ્વમાનપૂર્વક એ વાળી પણ દેતી.
બધા જ કામ ખંતપૂર્વક ચીવટથી કરતી! વોશિંગ મશીન લાવ્યા ત્યારે તો જાણે તેણે રીતસરનો કકળાટ જ કર્યો હતો. એનો ઉપયોગ એ ન કરવા દેતી ને કહેતી, “હું બગલાની પાંખ જેવા કપડાં ધોઉ છું.” ત્યારે શૈલી હળવાશથી કહેતી, “જોજો,રૂખીમાસી, મારો પિંક નાઈટડ્રેસ બગલાની પાંખ જેવો ધોળો ન કરી મૂકતાં.”
લૉકડાઉન વખતે કામે ન આવી શકી તેનું તેને બહુ દુઃખ રહેતું. જોકે, સુધાબેને તેને બે મહિનાનો પૂરો પગાર આપ્યો હતો. જાણે ઉપકાર માથે ચડ્યો હોય તેમ રૂખી વધુ કામ કરતી અને સાંજ સુધી પણ રોકાતી.
પરિવારના કોઈ સભ્યની બર્થડે પાર્ટી હોય તો એ ત્યાં હાજર હોય જ. છેલ્લે બધું જ સાફસૂફ કરીને જતી. એકવાર તો શૈલી અને સિદ્ધાર્થે રૂખીને તેની બર્થડે વિશે પૂછ્યું. એણે હસીને કહ્યું, “મને નથી ખબર, પણ મારી મા કહેતી હતી કે વરસાદ બહુ પડતો હતો અને અમાસ હતી.” તો બધાંએ મળી શ્રાવણી અમાસે રૂખીની બર્થડે ઊજવી. ખૂબ સંકોચ અને શરમ સાથે એણે કેક કાપી હતી અને તે દિવસે પણ, બહુ ના પાડવા છતાં પણ, જાતે બધાં વાસણ અને ઘરની સાફસફાઈ કરીને જ ઘરે ગઈ.
બેન્કમાંથી શૈલી ઘરે આવી. એક બુટ્ટીની વાત સાંભળતા જ શોધાશોધ કરવા માંડી.આખું ઘર માથે લીધું.એ બુટ્ટી તેને તેના મામાએ પોતાની હીરાની ફેક્ટરીમાંથી હીરા પસંદ કરીને બનાવડાવી લગ્ન વખતે આપી હતી. આ શનિવારે ફેઇસ પેક લગાવવા માટે એણે બુટ્ટીઓ કાઢીને ડ્રેસીંગ ટેબલ પર મૂકી હતી. પછી ત્યાંની ત્યાં જ હતી.
એણે કહ્યું કે ‘આજે બેંકમાં તો એ આર્ટિફિશિયલ મેચિંગ બુટ્ટી પહેરીને ગઈ હતી.’ પછી રૂખી,સુધાબેન,શૈલીએ આખા રૂમમાં ફરી ઝીણવટપૂર્વક સફાઈ કરી અને શોધવા લાગ્યાં. ડ્રેસિંગ ટેબલ, એના ખાનાઓ, બેડ કવર,પિલો કવર, નાનામાં નાની જગ્યાએ અરે કોઈ જગ્યા બાકી ન રાખી.
બુટ્ટી શોધવામાં સૌથી વધુ મહેનત રૂખીએ કરી હતી પણ બુટ્ટી ન મળી તે ન જ મળી. એને સટક સોપારીની માનતા રાખી, કે બુટ્ટી મળી જાય તો કાચી સોપારીના સાત ટુકડા કરી સાત સૌભાગ્યવતી સ્ત્રીઓને વહેંચી દેવા. આખરે તે ઘરે ગઈ.
આ બાજુ સિદ્ધાર્થ ઓફિસેથી આવ્યો ને ઘર વેરવિખેર જોઈ વાત જાણી ને એણે પણ શોધવામાં મદદ કરી.આખરે કંટાળી કહ્યું,’ શૈલી, આવી જ બુટ્ટી બીજી કરાવી આપીશ.’પણ શૈલીએ તો આજ બુટ્ટી માટે જીદ પકડી.’અરે પણ અહીંથી ક્યાં જાય? એને એમ પાંખ થોડી આવે?’ બધાં વિચારતાં હતાં કે બુટ્ટી ગઈ તો ગઈ ક્યાં? સુધાબેને સુરેશભાઈને વાત કરી એમણે કહ્યું,’હશે,મળી જશે.’ રૂખી તો આ નહીં જ લે તેની તો ખાતરી હતી.
શૈલીએ સુધાબેનને કહ્યું, ‘મમ્મી, કહેવું તો ન જોઈએ પણ રૂખીમાસીએ તો નહીં લીધી હોયને? સુધાબેન તેની તરફ જોઈ જ રહ્યાં પણ શૈલી બોલતી જ રહી, “ગરીબી શું ન કરાવે? એક તો એના વરની આ લૉકડાઉનમાં છૂટક નોકરી છૂટી ગઈ છે,વળી દારૂની લત ને ઉપરથી એની દીકરી પણ ડિલિવરી માટે આવી છે તો એને પૈસાની જરૂર પડી હોય.આ સમયમાં કંઈ કહેવાય નહીં.”
સુધાબેને મક્કમતાથી કહ્યું, ‘એને જરૂર હોય તો તે માંગી લે. એ આ રીતે ન લે.બેટા, આવી ઝીણી વસ્તુ બરાબર મૂકીએને!’ ‘અરે આ બુટ્ટી છે,નાકની ચૂની થોડી છે,આવડી ચીજ કોઈને પણ દેખાય, અહીં જ તો હતી.’શૈલી રૂમમાં બબડતી જતી રહી.
બીજા દિવસે રૂખી વહેલી આવી. હાથમાં કંઈક કવર હતું. એમાં એની દીકરીના રિપોર્ટસ હતાં. ટેસ્ટ કરાવ્યા હતા, એ તેને શૈલીને બતાવવા હતા. એ શૈલીના રૂમ તરફ જતી હતી અને શૈલી અને સિદ્ધાર્થની વાતો સાંભળી. તેમની વાત સાંભળીને એ પાછી ફરી ગઈ. એણે તરતજ સુધાબેનને કહ્યું કે આજે મારે વહેલાં જવું પડશે.
દીકરીને બતાવવા લઈ જવાની છે. જલદી જલદી કામ કરીને એ ભાગી. એણે બુટ્ટી વિશે સુધાબેનને પૂછવું હતું પણ પૂછી ન શકાયું.સુધાબેનને પણ નવાઈ લાગી પણ થયું,કદાચ દીકરીના ટેંશનમાં હશે એટલે…એ જતી રહી. થોડી વારમાં એ પાછી આવી. એ રિપોર્ટસનું કવર ભૂલી ગઈ હતી અને અંદર થતી ચર્ચાઓ સાંભળીને કવર લઈને સીધી જ નીકળી ગઈ.
બીજે દિવસે એણે કહેવડાવ્યું કે થોડાં દિવસ એ આવી શકે એમ નથી. સુધાબેને પૂછ્યું તો કહ્યું કે દીકરી સાથે રહેવું પડે તેમ છે.એને ઠીક નથી. સુધાબેનને થયું કે, ‘હવે શું કરવું? અરે,એનાથી અહીં આવ્યા વિના ના રહેવાય. બે ચાર દિવસમાં એ આવી તો જશે. પણ એણે તો બુટ્ટી…!
ના ના .. એ ના લે..નાજ લે.’ એમ વિચારી તેઓ ફરીથી ફરીથી ઘરમાં કામ કરવાં લાગ્યાં. પણ શૈલીનો શક મજબૂત થયો કે, ‘ બુટ્ટી ચોક્કસ રૂખીમાસીએ જ ચોરી છે.પણ કેવી રીતે સાબિત કરવું? ચોરને હું પકડીને જ રહીશ પછી જ મને નિરાંત થશે.સમજે છે શું?
કામ તો ફટાફટ હું ય કરી દઉં.’ બોલી વોશિંગ મશીનમાં કપડાં ધોયાં. સફાઈ માટે વેક્યૂમ ક્લિનરથી સફાઈ કરવા ગઈ પણ ભરાઈ ગયું હતું.સાફ કરવા ખોલ્યું, પણ આ શું? એણે જોયું તો તેમાંથી નીકળી બુટ્ટી. એને તરત યાદ આવ્યું કે, ‘શનિરવિ રૂખીમાસી નહોતા ત્યારે તેણે વેક્યૂમ ક્લિનરથી પોતાના રૂમની સફાઈ કરી હતી. ત્યારે જ….’એનાથી બૂમ પડાઈ ગઈ, “રૂખીમાસી….” ઘરનાં બધાં દોડી આવ્યાં, રૂખીમાસી સિવાય.
યામિની વ્યાસ