હળવદના મંગળપુર ગામનો યુવાન હવે જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભા દેખાડશે
૨૦૦ મીટર દોડમાં તાલુકા પ્રથમ આવતા હવે જિલ્લામાં દેખાડશે જૌહર
હળવદ તાલુકાના મંગળપુર ગામનો યુવાને ઉમા સંકુલ છાત્રાલય ખાતે યોજાયેલી ૨૦૦મી દોડમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભા બતાવશે. આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક નવયુવાનોમા કોઈને કોઈ પ્રતિભા છુપાયેલી છે બસ તેને ખુલ્લા મેદાનમાં ઉતરવા દો પછી જુઓ આવી જ એક પ્રતિભા હળવદના મંગળપુર ખાતે છુપાયેલી છે જેને સરકાર પ્રોત્સાહિત કરે તો ભારતનુ નામ રોશન કરી શકે છે.
તાલુકાના મંગળપુર ગામે રહેતો ગોપાલ કેશાભાઈ ઠાકોર રમતગમતનો શોખ ધરાવે છે જેમાં હાલમાં જ ઉમા સંકુલ છાત્રાલય ખાતે યોજાયેલી ૨૦૦ મીટર દોડમાં તાલુકા મથકે પ્રથમ નંબર મેળવી નાના એવા ગામનુ નામ તાલુકા લેવલે ગજવાડ્યુ હતું અને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ દોડમાં ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે તરણેતર ખાતે યોજાયેલી કુસ્તીમાં ભાગ લઈ ઈનામ મેળવ્યું હતું તો સાથે ૪૦૦ મીટર દોડમાં જિલ્લા કક્ષાએ દોડ લગાવી ચુક્યો છે ત્યારે આવી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા નવયુવાન ને જો પ્રોત્સાહન મળે તો ચોક્કસ ભારતનું નામ ગુંજતું કરી શકે તેમ છે.હાલમાં ૨૦૦ મીટર દોડમાં તાલુકામાં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ પણ મંગળપુરનો ડંકો વગાડવા માટે આતુર છે.