અંકલેશ્વરના ચકચારી વિવેક પાટીલ હત્યા કેસમાં આવ્યો નવો વળાંક

અંકલેશ્વરના ચકચારી વિવેક પાટીલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક વિવેકના પિતા અને શિવસેનાના ગુજરાતના પુર્વ અધ્યક્ષ રહી ચુકેલાં સતીષ પાટીલે દુકાનદાર પર શંકા રાખી તેની હત્યા માટે સોપારી આપી હતી પણ હત્યાને અંજામ આપવામાં આવે તે પહેલા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડયાં છે.
પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વરમાં વિવેક પાટીલ નામના યુવાનની ઝેર આપી હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસે તેની માતા સહિત અન્ય આરોપીની ધરપકડ કરી હતી. બનાવના થોડા દિવસોમાં માતાનું મોત થઇ ગયું હતું. પુત્રના વિરહમાં ઝુરતા પિતા સતીષ પાટીલને વિવેકની હત્યામાં ચર્તુવેદી નામના વ્યકતિ પર શંકા હતી. વિવેકની હત્યાનું કાવતરૂ ચર્તુવેદીની દુકાન પર ઘડાયું હોવાની વાત સતીષ પાટીલના મનમાં ઘર કરી ગઇ હતી.
પુત્રની હત્યાનો બદલો લેવા માટે તેમણે ઝઘડીયા તાલુકાના રતનપુરના મહંમદ ઝાકીરને સોપારી આપી હતી. હત્યાના પ્લાનમાં મહમંદ ઝાકીરે તેના જ ગામના મોહસીન સીદ્દીને સામેલ કર્યો હતો. સતીષ પાટીલ બીએસસી થયો હોવાથી તેણે ચર્તુવેદીને ઝેરનું ઇન્જેકશન આપી મારી નાખવાની યોજના તૈયાર કરાવી હતી. મહંમદ ઝાકીર અને મોહસીન બંને 20 દિવસ ઉપરાંતથી રતનપુરથી અંકલેશ્વર ખાતે આવી ચર્તુવેદીની દુકાનની આસપાસ રેકી કરતાં હતાં.
બાતમીદારો મારફતે લોકલ ક્રાઇમ બ્રાંચને કાવતરાની માહિતી મળી ગઇ હતી જેથી મહંમદ ઝાકીર અને મોહસીનની અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતાં તેમણે વટાણા વેરી દીધાં હતાં. પોલીસે મહંમદ ઝાકીર, મોહસીન અને સતીષ પાટીલની ધરપકડ કરી છે જયારે અફઝલ નામનો એક આરોપી હજી ફરાર છે. ત્રણેય આરોપીઓ પાસેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલું ઇન્જેકશન, એક રૂમાલ સહિતનો મુદામાલ કબજે લેવાયો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી સતીષ પાટીલ શિવસેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુકયાં છે.