ગીર-સોમનાથ જિલ્લાના ગોવિંદપરા ગામે રાત્રીસભાની સાથે વેક્સીનેશન કેમ્પ યોજાયો

ગીર-સોમનાથ જિલ્લાના ગોવિંદપરા ગામે રાત્રીસભાની સાથે વેક્સીનેશન કેમ્પ યોજાયો
Spread the love

ગીર-સોમનાથ જિલ્લાના ગોવિંદપરા ગામે રાત્રીસભાની સાથે વેક્સીનેશન કેમ્પ યોજાયો

કલેક્ટર શ્રી રાજદેવસિહં ગોહીલે ગેરમાન્યતાઓથી દૂર રહી વેક્સીન લેવા કર્યો અનુરોધ

ગીર-સોમનાથ : કોરોના વાયરસના સંક્રમણને ખાળવામાં વેક્સીન એક અમોઘ શસ્ત્ર સાબિત થઈ રહ્યું છે. ત્યારે કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આોરોગ્ય તંત્ર દ્વારા અવિરતપણે નાગરિકોનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં રસી લેવા માટે જાગૃતતાનુ પ્રમાણ વધે અને રસી અંગેની ગેરમાન્યતાઓથી દૂર રહી, લોકો રસી લેવા માટે આગળ આવે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષતામાં ગોવિંદપરા ગામે રાત્રીસભા યોજવામાં આવી હતી. સાથે જ લોકો ત્વરિત રસી મેળવી શકે તે માટે વેક્સીનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.
આ સભામાં કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા પૂરતી ચકાસણી કરાયા બાદ કાળજી સાથે લોકોને કોરોના સામે સુરક્ષા કવચ આપવા વેક્સીનેશન હાથ ધરાયુ છે. આ વેકસીનથી લોકોની કોરોના સામે રક્ષણ કરવાની રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. અત્યાર સુધી દેશમાં કરોડો લોકોએ અને જિલ્લામાં લાખો લોકોએ વેકસીન લીધી છે. જેથી પુરવાર થાય છે કે, વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે. ત્યારે પોતાની અને પોતાના પરિવારના સભ્યોની ચિંતા કરીને તમામ લોકોએ વેકસીન અવશ્ય લેવી જોઈએ. તેવો અનુરોધ જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, વેકસીન કોઈપણ ધર્મ, મઝહબ સમુદાય માટે નહીં પરંતુ, સમગ્ર માનવજાત માટે બનાવવામાં આવી છે. જો કોરોના મહામારીને હરાવવી હશે, તો વેક્સીન અંગેની કોઈપણ અફવાઓમાં દોરવાયા વગર તમામ ધર્મ, સમુદાય અને વિસ્તારના લોકોએ વેકસીન લેવી ખુબ જ અનિવાર્ય છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એચ. એચ. ભાયાએ જણાવ્યું હતું કે, વેક્સીનમાં કોઈપણ એવો પદાર્થ ઉપયોગમાં નથી લેવાયો જે કોઈપણ ધર્મ મઝહબ કે સંપ્રદાયની ધાર્મિક માન્યતાઓને હાનિ પહોંચાડે. આમ, તમામ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂઓએ આગળ આવી તમામ ધર્મ-સમુદાયને વેક્સીનેશનનું મહત્વ સમજાવી લોકોને સાચી દિશામાં દોરવા જોઈએ અને વેકસીન લેવા પ્રોત્સાહિત કરવા જોઇએ.
ઉપરાંત ગોવિંદપરા ગામના સરપંચ શ્રી હુસૈન ભાઈ સુમરાએ પોતે વેક્સીનેશન લીધા બાદ કોઈપણ આડઅસર ન થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. તેમજ ગામના અગ્રણી શ્રી બશિર સુમરાએ તેમજ મૌલાના જાવીદ પટેલે પણ પોતાના વેક્સીનેશનના સુ:ખદ અનુભવ જણાવીને વેક્સીનેશન લેવા અંગે લોકોને પ્રેરણા આપી હતી.
અત્રે નોંધનીય છે કે, ગોવિંદપરા ગામમાં ૫૧ ટકા જેટલી વસ્તીનું વેકસીનેશન પૂર્ણ થયું છે અને જે બાકી રહેલા અમુક નાગરિકોમાં સોશિયલ મીડિયામાં ખોટા પ્રચારને કારણે વેકસીન અંગે જે ગેરસમજ હોય તેને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વેકસીન અંગે જાગૃતિ માટે રાત્રીસભાઓ યોજવામાં આવી રહી છે.
આ રાત્રીસભામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા, અગ્રણી શ્રી બચુભાઈ વાજા આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી, 
ગીરસોમનાથ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!