આજે વધુ બ્લાસ્ટની ચેતવણીના પગલે હાઇએલર્ટ, મિલિટરી યુનિફોર્મમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

શ્રીલંકામાં 21 એપ્રિલના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ ભય હજુ પણ યથાવત છે. આજે સોમવારે શ્રીલંકાની ઓથોરિટીએ ચેતવણી આપી છે કે, ઇસ્લામિક આતંકવાદીઓ હજુ પણ દેશમાં વધુ હુમલાઓનું પ્લાનિંગ કરી રહ્યા છે. બ્લાસ્ટ માટે તેઓ વાનનો ઉપયોગ કરી રહ્યા છે અને આતંકવાદીઓ મિલિટરી યુનિફોર્મમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મિનિસ્ટ્રી સિક્યોરિટી ડિવિઝનના હેડની ચેતવણી અનુસાર, હજુ પણ સંખ્યાબંધ બ્લાસ્ટ થઇ શકે તેવી શક્યતાઓ છે. આ જ માહિતીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મિલિટરી યુનિફોર્મમાં તેઓ વાનમાં ફરી રહ્યા છે અને ઠેરઠેર હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.
બે દિવસમાં 5 લોકેશન પર ટાર્ગેટ
સિક્યોરિટી એડવાઇઝરી અનુસાર, આતંકવાદીઓએ રવિવાર અને સોમવારે 5 લોકેશનને ટાર્ગેટ કર્યા હતા. જો કે, આગોતરી ચેતવણીના પગલે રવિવારે કોઇ બ્લાસ્ટ થયા નહતા. ઓથોરિટીને શંકા છે કે, નેશનલ તૌહિથ જમાત (NTJ) અને જમૈયાથુલ મિલાથુ ઇબ્રાહિમ નામના બે નાનકડાં આતંકી જૂથો આ બ્લાસ્ટ સાથે સંકળાયેલા છે અને તેઓને ISISની મદદ મળી રહી છે.
શ્રીલંકાની સરકારે રવિવારે મોડી રાત્રે કરફ્યૂ હટાવી દીધો હતો પરંતુ રાજધાની કોલંબોમાં પોલીસે સિક્યોરિટી ચેકિંગ કર્યુ હતું. સિક્યોરિટી ઓથોરિટી અનુસાર, આતંકીઓનો લેટેસ્ટ ટાર્ગેટ ઇસ્ટ કોસ્ટનું બિટીકલૉઆ સિટી છે જ્યાં ચર્ચ બ્લાસ્ટમાં 27 લોકોનાં મોત થયા હતા. અન્ય ટાર્ગેટના લોકેશનનો ઉલ્લેખ ચેતવણીમાં કરવામાં આવ્યો નથી.
ગેરકાયદે વિદેશી મૌલવીઓને દેશનિકાલ
ISIS દ્વારા કરેલા સીરિયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં રવિવારે 7 દિવસ બાદ કરફ્યૂ હટાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાની સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓને ખતમ કરવા કડક કાયદાઓ પણ લાગુ કરી રહી છે. શ્રીલંકાની સરકારે કહ્યું કે, દેશમાં ગેરકાયદે તાલિમ આપી રહેલા વિદેશી મૌલવીઓને દેશની બહાર કાઢવામાં આવે.