ગુજરાતના બંદરોના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

ગુજરાતના બંદરોના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર : મંત્રી શ્રી રાઘવજી પટેલ
* ભાવનગરમાં બ્રાઉનફિલ્ડ બંદર વિકસાવવા રૂ.૪૦૨૪ કરોડનાં રોકાણ માટે કન્સેશન એગ્રીમેન્ટ કરાયા
* BGCTના કમ્બાઈન માસ્ટર પ્લાન અંતર્ગત આઉટર હાર્બર અને ઇનર હાર્બરના વિકાસ માટે રૂપિયા ૩૮૦૦૦ કરોડના ખર્ચે ૧૫૦ MMTPA ની ક્ષમતા ધરાવતી બંદરીય સુવિધાઓ વિકસાવવા માટે પરવાનગી આપવામાં આવી
* ગુજરાત મેરીટાઇમ બોર્ડે ૧૮ બંદરોને જોડતા રોડ પ્રોજેક્ટ તેમજ ૧૧ જેટલા રેલ્વે કનેક્ટીવીટીના પ્રોજેક્ટ આઈડેન્ટીફાઇ કરાયા
* રીસાયકલીંગ ઉદ્યોગમાં પ્રવર્તતી મંદીને ધ્યાને લઈને પ્લોટ ધારકોને છેલ્લા પાંચ વર્ષમાં લાગુ પડતા વાર્ષિક દરો પેટે રૂ. ૧૧૪ કરોડની નાણાંકીય રાહતો
બંદરો હેઠળના બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિશાળ દરિયાકાંઠાના પરિણામે રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવવા રાજ્યના બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. ત્યારે રાજ્યના બંદરોના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે.
બંદર વિભાગ હેઠળના બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, દેશના દરિયા કિનારાનો આશરે ૨૮ ટકા જેટલો દરિયાકાંઠો ગુજરાતને ઉપલબ્ધ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બંદરોના વિકાસને પ્રાધાન્ય આપીને અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે ગુજરાત દેશભરમાં નિકાસ ક્ષેત્રે અગ્રેસર છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના બંદરોના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના છારા ખાતે રૂ.૪૨૩૯ કરોડના ખાનગી મૂડી રોકાણથી નવનિમાર્ણ થયેલ એલ.એન.જી. ટર્મિનલ વર્ષ ૨૦૨૪માં કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર બંદરના ઉત્તર ભાગમાં બ્રાઉનફિલ્ડ બંદર વિકસાવવા માટે અંદાજીત રૂ.૪૦૨૪ કરોડનાં રોકાણના આયોજન માટે કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત દહેજ બંદરની સુવિધાઓનાં વિસ્તૃતિકરણનાં ભાગરૂપે મે. પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. ૧૬૫૬.૧૫ કરોડનાં ખાનગી મૂડીરોકાણથી ત્રીજી જેટીના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ દહેજ ખાતે આવેલ મે. ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ દ્વારા અંદાજીત રૂ. ૩૩૨૨ કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવા માટેનું બાંધકામ પ્રગતિ હેઠળ છે.
હજીરા ખાતે બલ્ક જનરલ કાર્ગો ટર્મિનલના વિકાસ માટે કુલ રૂપિયા ૩૫૫૯.૬ કરોડના ખર્ચે ફેઝ-૨ હેઠળ ૧૨ થી ૧૫ MMTની ક્ષમતાની બંદરીય સુવિધાઓ પૈકી ૧૮૨ મીટર લંબાઈના એક મલ્ટી પરપઝ બર્થનું બાંધકામ પૂર્ણ થયેલ છે.
કોસ્ટગાર્ડ જેટીઓ મારફતે રાષ્ટ્રીય સુરક્ષામાં ગુજરાતના યોગદાનની વિગતો આપતા મંત્રીશ્રી એ કહ્યું કે, પોરબંદર, ઓખા અને મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડ જેટીઓ બનાવવા માટે કુલ રૂ. ૪૩૦.૮ કરોડના ખર્ચનું આયોજન છે. જે પૈકી કોસ્ટગાર્ડ વતી ઓખા અને પોરબંદર ખાતે જેટીના કામ રૂ.૨૬૦ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. સીરામીક જેવા ઉદ્યોગને સપોર્ટ તેમજ કોસ્ટલ અર્થાત આંતર દેશીય કાર્ગો માટે નવલખી ખાતે કુલ રૂ. ૨૫૩.૭૮ કરોડના ખર્ચે વિવિધ કામો જેમ કે મોનિટરીંગ હેતુસર પાઈલોટ બોટનું બાંધકામ, પર્યાવરણીય જાળવણીના હેતુસર ડસ્ટ સપ્રેશન સિસ્ટમ અપગ્રેડેશન, મલ્ટી પપર્ઝ ફાયર ટેન્ડર તેમજ નવલખી બંદર ખાતે ૪૮૫ મી.જેટીનું કામ પૂર્ણ કરાયું છે.
તેમણે ઉમેર્યું કે, મોરબી સ્થિત સિરામિક ઉદ્યોગની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે નવલખી બંદર પર કન્ટેનર હેન્ડલિંગ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ નવલખી બંદર ને દેશના અન્ય બંદરો સાથે જોડી કોસ્ટલ શિપિંગ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
મંત્રીશ્રી એ કહ્યું કે, પોર્ટ સિટીની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ભાગ રૂપે, ગુજરાત મેરીટાઇમ બોર્ડે પોર્ટ સિટીની સ્થાપના દ્વારા એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટના નિર્માણની નેમ છે. આર્થિક વૃદ્ધિ,રહેણાંક, જીવન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને મનોરંજનની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે પોર્ટ સિટીની જાહેરાત કરવામાં આવી હતી. જે વાર્ષિક ૨૫૦ થી ૫૦૦ MMTPA (મિલિયન મેટ્રિક ટન પર એનમ)ની ક્ષમતા ધરાવતા મલ્ટિ-કાર્ગો હેન્ડલિંગ પોર્ટ સાથે અંદાજીત ૫૦૦ ચોરસ કિમીમાં ફેલાયેલો વિશાળ વિસ્તાર હશે.
મંત્રીશ્રી પટેલે કહ્યું કે,ગ્રીનફિલ્ડ બંદરોના વિકાસ માટે નવા સ્થળોની પસંદગી અને હયાત બંદરીય સુવિધાઓનું અપગ્રેડેશન કરવાનુ પણ અમારી સરકારે આયોજન કર્યુ છે. જેમાં દરિયાકાંઠા ઉપર ૧૦ ગ્રીનફિલ્ડ બંદરો વિકસવા માટે સ્થળની પસંદગી કરીને ખાનગી કંપનીઓને વિકાસ અને કામગીરી માટે ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરોના અપગ્રેડેશનની દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બંદરોને રોડ અને રેલ જોડાણો તેમજ આનુષંગિક આંતરમાળખાકીય સુવિધા ઓ અંગે વિગતો આપતા તેમણે કહ્યું કે, રાજય સરકાર દ્વારા મોટાભાગના બંદરોને સારા રોડથી જોડાણ તથા રેલથી સાંકળવા અનેકવિધ યોજનાઓ હાથ ધરી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ૧૮ પોર્ટને જોડતા રોડ પ્રોજેક્ટ તેમજ ૧૧ જેટલા રેલ્વે કનેક્ટીવીટીના પ્રોજેક્ટ આઈડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. આ બધા પ્રોજેક્ટના અમલીકરણ થી પોર્ટ પરથી થતા માલ પરિવહનમાં ખુબ જ સરળતા રહેશે તેમજ લોજિસ્ટીક કોસ્ટમાં પણ ઘટાડો થશે.
તેમણે ઉમેર્યું કે,શીપ રિસાયક્લિંગ ક્ષેત્રે અલગં ખાતે રીસાયક્લીંગ ક્ષમતાને હાલના ૪.૫ મિલીયન LDT (લાઇટ ડીસપ્લેસમેન્ટ ટનેજ) થી બમણી કરીને ૯ મિલીયન LDT થી વધુ કરવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા શીપ રીસાયકલીંગ ઉદ્યોગમાં પ્રવર્તતી મંદીને ધ્યાને લઈને પ્લોટ ધારકોને છેલ્લા પાંચ વર્ષમાં લાગુ પડતા વાર્ષિક દરો પેટે આશરે રૂ. ૧૧૪ કરોડની નાણાંકીય રાહતો આપવામાં આવેલ છે. તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ માટે પણ રૂ.૨૮ કરોડની નાણાંકીય રાહત આપવાની દરખાસ્ત છે.
પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ પર્યાવરણ સંરક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના મર્યાદામાં રહીને બંદરો અને તેને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ સમુદ્રકાંઠાના વિસ્તારનો વિકાસ પર્યાવરણીય રીતે ટકાઉ થાય તે રીતે કાર્ય કરે છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ હેઠળના બંદરોના પર્યાવરણ વ્યવસ્થા તંત્રને વધુ અસરકારક બનાવવામાં આવેલ છે તથા પર્યાવરણના નિયમોની પૂર્તતા સાથે બંદરોનું સંચાલન કરવામાં આવેલ છે.
ગુજરાત વિધાનસભા ખાતે બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300