હળવદ : વેપારીઓ ચેતી જજો !! જાહેરાતના બાને ઉઘરાણા કરતો પત્રકાર “ગોદડી” સક્રિય !

- અગાઉ પણ હળવદમાં બે-ત્રણ વખત વેપારીઓ પાસે ઉઘરાણા કરી ગામને ઉલ્લુ બનાવી શહેર છોડી જનાર “ગોદડી” વળી પાછો ઉઘરાણા કરવા હળવદમાં કર્યો પગ પેસારો ??
હળવદ: પાછલા થોડા દિવસોથી પત્રકારિત્વ ક્ષેત્રમાં સીન સપાટા અને પોતાના વાહનો પર પ્રેસ લખાવી જાહેરમાં મોભો પાડવા વાળા વધી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી હળવદમાં પણ પત્રકારિત્વના નામે લોકો પાસે જાહેરાતના બાને રીતસરના ઉઘરાણા કરતા અને “ગોદડી” ના નામે હળવદમાં જાણીતો એવો લુખ્ખો કહેવાતો પત્રકાર શહેરના વેપારીઓ પાસે મોટી મોટી ડંફાસો મારી જાહેરાતને બહાને ઉઘરાણા કરતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે જોકે આ કહેવાતા પત્રકારને હળવદ પત્રકાર સંઘ સાથે કોઈ નિસ્બત ન હોવાનું પત્રકાર સંઘ દ્વારા સ્પષ્ટતા કરાઇ છે.
હાલ પત્રકારીત્વને લોકસેવા નહીં પરંતુ ધંધો બનાવી દીધો હોય તેમ ઘણા પીળું પત્રકારિત્વ ધારણ કરી કહેવાતા પત્રકારો બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા છે ત્યારે આવો જ એક કહેવાતો પીળુ પત્રકારિત્વ ધારણ કરી ફરતો અને શહેરમાં “ગોદડી”તરીકે ઓળખાતો શખ્સ પાછલા થોડા દિવસોથી પત્રકારના નામે શહેરના વેપારીઓ અને રાજકીય અગ્રણીઓ પાસે ગલુડીયાની જેમ ગલોટીયા મારી જાહેરાતને બહાને ઉઘરાણા કરતો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જેથી તાત્કાલિક ધોરણે હળવદ પત્રકાર સંઘની બેઠક યોજી આ કહેવાતો ‘ગોદડી’ પત્રકાર સંઘ સાથે ન હોવાનું જાહેર કરાયું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પીળું પત્રકારિત્વ ધારણ કરી જાહેરાતના બાને લોકો પાસે ઉઘરાણી કરતા આ મહાશયને શહેરીજનો સારી રીતે ઓળખે છે અગાઉ પણ આ કહેવાતો પત્રકાર શહેરીજનોનો રોલ કરી ભાગી ગયો હતો.? અને હવે વળી પાછો પગ પેસારો કરી બજારમાં સક્રિય થયો છે શહેરમાં એવી પણ શેખી મારી રહ્યો છે કે હું તો પંદર-વીસ દૈનિક છાપામાં કામ કરું છું સૌથી જૂનામાં જૂનો પત્રકાર જ હું છું આવું કહી લોકો પાસે ઉઘરાણા કરી રહ્યો છે.!
ત્યારે હળવદ પત્રકાર સંઘએ પણ શહેરીજનોને અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરી છે કે પીળુ પત્રકારિત્વ ધારણ કરી ફરતો આ “ગોદળી” જાહેરાતને બાને અને લોકોને દબાવીને ઉઘરાણા કરે છે જેથી જો કોઈ લોકોને જાહેરાતને બાને કનડગત કરે તો હળવદ પત્રકાર સંઘનો સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત આ કહેવાતા બોગસ પત્રકાર ‘ગોદડી’ અન્ય પત્રકારોના અખબારોના કટીંગ પર પોતાનું નામ ચડાવી શેરી, ગલીએ મોટી મોટી ડંફાસો મારતો હોવાનું પણ સામે આવ્યું છે.
અહેવાલ : જગદીશ પરમાર