હું ભાજપના નેતાનાં પ્રેશરથી આત્મહત્યા કરું છું : યુવતીએ વીડિયોમાં આક્ષેપ કર્યો

ભાજપના નેતાએ કહ્યું છે કે તેમનું નામ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર તરીકે ચાલતું હોવાથી તેમની સામે આક્ષેપ કરી એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમનું માનવું છે કે તેમની સામે કાવતરૂં કરીને યુવતી પાસે આવું નિવેદન અપાવડાવામાં આવ્યું છે. સુરતનાં વરાછા વિસ્તારમાં રહેતી એક યુવતીએ 28 ફેબ્રુઆરીના રોજ પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આપઘાત કરતા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેને ધારૂકાવાલા કોલેજના ટ્રસ્ટી અને ભાજપના નેતાને જવાબદાર ગણાવ્યા હતા. તેમના ત્રાસથી આપઘાત કરી રહી હોવાનું યુવતીએ જણાવ્યું હતું. યુવતીએ પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ તેના પરિવારજનોને થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
યુવતીએ વીડિયોમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હું ભાજપના નેતાનાં પ્રેશરથી આત્મહત્યા કરું છું. એ માણસ આટલી મોટી પોઝીશન પર બેઠેલા છે તેમને દીકરીઓની સાથે કેમ વાત કરવી તેનું ભાન નથી. મારી સાથે બનેલી ઘટનાના સાક્ષી ખુદ કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI છે. હું તો એક એડમિશનની રજૂઆત લઇને ગઈ હતી. મેં આ વાત ચારથી પાંચ જણાને કિધી હશે કે, મારી સાથે આવું વર્તન થયું જે તેમને ન કરવું જોઈએ. આવા લોકો દીકરીના સન્માનનું બિલકુલ નથી વિચારતા તેને કોઈ કહેવા જતું નથી બધા તેમનાથી ડરે છે.
મારા માતા-પિતાના સંસ્કાર એવા છે કે હું કોઈની સામું નથી બોલતી. ભાજપના નેતાએ એટલા શબ્દો કિધા હતા તો પણ મેં એક પણ વાર રીયેક્ટ નથી કર્યું અને તો પણ તેઓ મારા ઘરે ફોન કરીને કરીને એવું કહેડાવે છે કે, તમારી દીકરી આમ-તેમ મને નથી ખબર કે, કોને ફોન કર્યો, શું કામ કર્યો અને જે કર્યો હોય તેમ. આજે મારા માતા-પિતાને એમ થાય છે કે મે બે મોટા વ્યક્તિની સાથે પંગો લઇ લીધો છે અને તેઓ બધા ડરી રહ્ય છે. હું મારા સમાજનો અને મારી ફેમીલીનો ડર બનવા નથી માંગતી. હા કદાચ હું મરી જઈશ તો બધાનો ડર ખતમ થઇ જશે.
હું ખાસ કરીને મારી જાન એટલા માટે આપું છું કે, ભવિષ્યમાં કોઈ દીકરી આવા પ્રશ્નો લઇને જાય તો લોકોના ગમે તેવા અપશબ્દો નહીં સાંભળવા પડે. હા મારો એક વાંક છે કે, હું બધાનું સારું વિચારું છું અને હું બધાની મુસીબતને મારી મુસીબત બનાવું છું.યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે, આ સમાજ એક સ્ટેપ ઉઠાવે અને દીકરીને ગભરાઈ ગભરાઈને મરવા નહીં દે. ડરી ડરીને મરવું તેના કરવા બેટર છે કે, તે પહેલા મરી જવું. ડરી-ડરી જીવવું તે કોઈ જીવન નથી. હું ડરીને જીવવા માગતી નથી એટલા માટે હું આત્મસમર્પણ કરું છું મારી મોતનો જવાબદાર એક જ વ્યક્તિ રહેશે.
યુવતીએ અંતમાં જણાવ્યું હતું કે, મારા માતા-પિતાને એટલા બધા ડરાવવામાં આવ્યા કે, તેમને મને બાળકોને ભણવવાનું છોડી દેવાનું કહ્યું. બાળકોને ભણવવા કોઈ ગુનો નથી પણ તેમના માટે કોઈ ભલામણ લઇને જાવ એ મોટામાં મોટો ગુનો છે. સમાજના મોભેદાર વ્યક્તિ આવું વર્તન કરશે તો સમાજની દીકરીઓ કેવી રીતે ભણી શકશે. મેં આખી વસ્તુ મારી નોટ બૂકમાં લખેલી છે. મેં તારીખ સહિત તેમાં લખ્યું છે કે, મને ભાજપના નેતાએ કેવા કેવા શબ્દો કહ્યા છે. મોત કોઈને વ્હાલું નથી હોતું પણ મારું મોત ક્રાંતિ લાવે છે તો હું મરવા માટે તૈયાર છું.
આ ઘટના અંગે પ્રતિભાવ આપતા સુરતના માજી મેયરે કહ્યું હતું કે તેમનું નામ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ચાલતું હોવાથી તેમની સામે આવા આક્ષેપ કરાવવામાં આવ્યા છે. આ છોકરી બે મહિનાથી કોલેજમાં આવતી જ ન હતી. જ્યારે યુવતીના નજીકના લોકોનું કહેવું છે કે ફી નહીં ભરી શકવાના કારણે તે કોલેજ જતી ન હતી. આ ઉપરાંત વીડિયોમાં જે પોલીસ ઇન્સપેક્ટરની વાત છે તે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જરે પણ એવું નિવેદન આપ્યું છે કે તેમની સામે ભાજપના નેતાએ યુવતી સામે કોઇ અપશબ્દો બોલ્યા ન હતા.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)