સોરઠ : તકેદારીના ભાગરૂપે લોકોને સામૂહિક મેળાવડાઓમાં જવાથી દૂર રહેવા અનુરોધ
કોરોના વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.આ તકેદારીના ભાગરૂપે તા.૩૧માર્ચ સુધી જૂનાગઢ જિલ્લાના લોકોએ સામૂહિક-સામાજીક મેળાવડાઓ નાના-મોટા પ્રસંગોમાં જવાથી દૂર રહેવું હિતાવહ છે.લોકોને આ બાબતે સહયોગ આપવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વરા અનુરોધ કરાયો છે. તા. ૨૯ માર્ચ સુધી મ્યુઝીયમ, સકકરબાગ, ઉપરકોટ, સ્વીમીંગ પુલ, ટાઉનહોલ સીનેમાગૃહો સહિતના સ્થળો પણ તકેદારીના ભાગરૂપે જૂનાગઢ મ્યુ.. કમિશ્નર ધ્વારા બંધ રાખવા સુચના આપવામાં આવી છે.
ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા માસ્ક અને હેન્ડ સેનીટાઈજર ને એસેન્સીયલ કોમોડીટી એક્ટમાં સામેલ કરેલ હોય કોઈપણ મેડિકલ સ્ટોર કે વેંચાણકર્તાઓએ તેનો સંગ્રહ ન કરવો. છાપેલ કિંમત થી વધારે ભાવ ન લેવા તેમજ જે વ્યક્તિઓને રોગના લક્ષણ નથી તેમણે માસ્કનો ઉપયોગ ન કરવો.માસ્કનો ઉપયોગ કરનારે માસ્કનો ચેપ બીજા વ્યક્તિને ન લાગે તે માટે દર આઠ કલાકે માસ્કનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. જે વ્યક્તિ ઓને તાવ,શરદી,કે ઉધરસ જેવા લક્ષણો હોય તેવા કોવીડ-૧૯ દર્દીના સંસર્ગમાં હોય તેવા ફ્લૂના રોગના લક્ષણોવાળી વ્યક્તિએ મુસાફરી કરવાથી દૂર રહેવું. ઘરે રહેવાનો આગ્રહ રાખવો અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું તેમજ ડોકટરની સલાહ મુજબ આરોગ્ય વિષયક પગલાં લેવા જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ