અમરેલીના સરકારી-ખાનગી તબીબો અને મેડિકલ સ્ટોર ધારકોએ રજીસ્ટર નિભાવવા તાકીદ
- અન્ય જિલ્લામાંથી અમરેલીમાં આવેલા વ્યક્તિઓ ૩ દિવસથી વધુ રોકવાના હોય તો સેલ્ફ રિપોર્ટિંગ કરાવવું જરૂરી
- તબીબો પેરાસીટામોલ કે એઝીથ્રોમાઇસિન જેવી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે તો નોંધણી ફરજીયાત
અમરેલી : જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા વિવિધ જાહેરનામા મુજબ ખાનગી તબીબ, સરકારી તબીબ અને મેડિકલ સ્ટોર ધારકો પાસેથી વિગતો મેળવ્યા બાદ પૃથક્કરણ કરી શંકાસ્પદ લાગતા વ્યક્તિઓને દાખલ કરવાની કે સેમ્પલ લેવાની કામગીરી તથા તેના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવાની થતી હોવાથી તમામ એલોપેથી આયુર્વેદિક અને હોમિયોપથી તબીબો અને તેમની હોસ્પિટલોમાં આવતા તમામ દર્દીઓની સંખ્યા તથા ફલૂ અને ફીવરના દર્દીઓની વિગતો જાહેરનામામાં દર્શાવેલ પત્રક મુજબ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ કચેરી અથવા જિલ્લા કક્ષાએ [email protected] પર મોકલી આપવાનું રહેશે.
આ ઉપરાંત મેડિકલ સ્ટોર કે હોસ્પિટલમાં જે તબીબ પેરાસીટામોલ કે તેના કોમ્બિનેશન તેમજ એઝીથ્રોમાઇસિનને લગતી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે કે ડિસ્પેન્સ કરે તો તેનું રજીસ્ટર (વ્યક્તિનું નામ સરનામું અને મોબાઈલ નંબર સહીત) નિભાવવાનું રહેશે અને તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંબંધિત અધિકારીઓને દૈનિક માહિતી મોકલી આપવાની રહેશે.
અન્ય જિલ્લા કે રાજ્યમાંથી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ અમરેલી જિલ્લામાં આવ્યા હોય તેને ૭૨ કલાક એટલે કે ૩ દિવસથી વધુ રોકાવાના હોય તો તેમને નજીકના સરકારી કે ખાનગી તબીબોને ત્યાં સેલ્ફ રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ તબીબોએ આવા વ્યક્તિઓનું પલ્સ, ટેમ્પરેચર અને SpO2 માપવાનું રહેશે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ કચેરી તથા જિલ્લા કક્ષાએ [email protected] પર ઈમેલ કરીને જાણ કરવાની રહેશે. આ બાબતે કોઈ દર્દી અથવા તેમના સગા કે જાહેર જનતાને કોઈ મુશ્કેલી જણાય તો આરોગ્ય ખાતાના કંટ્રોલ નંબર ૦૨૭૯૨ ૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦૦૨૨૪૦ ઉપર ફોન કરી માર્ગદર્શન મેળવવાનું રહેશે.
સુમિત ગોહિલ (જિલ્લા માહિતી કચેરી)
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)