જાન્યુઆરીમાં 4.37 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા
- કોરોનાના અનલોકના સાત મહિનામાં સૌથી વઘુ ભાવિકો જાન્યુઆરીમાં સોમનાથ અાવ્યા
કોરોના મહામારીને નાથવા વેકસીન બજારમાં અાવી જતા હવે લોકોમાં મહામારીનો ભય અોછો થઇ રહયો છે. તેની અસર ઘાર્મીક અને ફરવા લાયક સ્થળોએ લોકોની વઘી રહેલ ચહલ પહલથી ખ્યાલ અાવે છે. ત્યારે અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે જાન્યુઆરી માસમાં 4 લાખથી વઘુ ભાવિકોએ આવી શીશ ઝુકાવી ઘન્યતા પ્રાપ્ત કરી છે. તો આ જ માસમાં અાવેલ પ્રજાસતાક પર્વની રજાના ચાર દિવસોમાં 88 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ મંદિરે આવ્યા હોવાનું જાણવા મળેલ છે. કોરોના કાબુમાં આવી રહયાની સાથે તેને નાથવા ચાલી રહેલ વેકસીનેશનના કારણે લોકોમાં મહામારીનો ભય ઘટી રહયો છે. તો બીજી તરફ જનજીવન માટે જરૂરી એવી એસટી, ખાનગી બસોની તથા રેલ્વેની સેવાઅો અગાઉની માફક પુન: ચાલુ થઇ રહી છે.
જેના કારણે રાજયોના ઘાર્મીક અને ફરવા લાયક સ્થળોએ લોકોની ચહલ પહલ પણ નોંઘપાત્ર રીતે વઘતી જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં પૂર્ણ થયેલ જાન્યુઅારી માસમાં જગવિખ્યાત સોમનાથ મંદિરની મુલાકાતે અાવેલા ભાવિકોની સંખ્યા નોંઘનીય રહી છે. જે અંગે માહિતી અાપતા સોમનાથ મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, પુર્ણ થયેલ જાન્યુઆરી માસમાં 4,37,747 ભાવિકોએ સોમનાથ મંદિરે આવી મહાદેવને પ્રત્યક્ષ રીતે શીશ ઝુકાવેલ છે. આ માસમાં ખાસ 26 મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વે આવેલ જાહેર રજાના ચાર દિવસમાં જ 88 હજારથી વઘુ ભાવિકો સોમનાથ મંદિરે આવ્યા હોવાનું નોંઘાયુ છે.
સોમનાથ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓની ગણતરી કેમેરા અને કોમ્યુટરની સીસ્ટમ થકી ચોકસાઇથી કરવામાં આવે છે. અત્રે નોંઘનીય છે કે, કોરોના મહામારીના કારણે ઘણા સમય સુઘી સોમનાથ મંદિર બંઘ રહયા બાદ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ જુન-2020 થી મંદિરના દ્રાર ભાવિકો માટે ખોલવામાં આવેલ હતા. ત્યારથી લઇ અત્યાર સુઘીમાં સોમનાથ મંદિરએ આવેલા ભાવિકોની સંખ્યા આ મુજબ રહી છે. જેમાં જુનમાં 57,488, જૂલાઇમાં 1,03,093, ઓગષ્ટમાં 1,60,000 સપ્ટેમ્બરમાં 1,01,312, ઓકટોમ્બરમાં 1,43,235, નવેમ્બરમાં 3,50,640 ડીસેમ્બરમાં 2,81,696 અને જાન્યુઆરીમાં 4,38,747 જેટલા ભાવિકો સોમનાથ મંદિરે આવેલ છે.
અહેવાલ : ચેતન અપારનાથી