ગીર સોમનાથની ચાર પાલીકાના 128 બેઠકો અને 1 બેઠકની પેટાચુંટણીમાં 2.25 લાખ મતદારો
- જીલ્લાના નગરપાલીકા વિસ્તારની ચુંટણી માટે તંત્રએ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરી
રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીની ઘમઘમાટ ચાલી રહયો છે. ત્યારે ચુંટણી પંચના અાદેશથી ગીર સોમનાથ જીલ્લામાં ચાર નગરપાલીકાઅોની તથા એક પાલીકાના એક બેઠકની ચુંટણી યોજવા માટે જીલ્લા ચુંટણી વિભાગ દ્રારા મતદાર નોંઘણી, મતદાનના સ્થળોની પસંદગી કરી બુથો ઉભા કરવા સહિતની પ્રક્રીયાઓ પુર્ણ કરી દેવામાં અાવી છે. જીલ્લાની ચાર નગરપાલીકાના 32 વોર્ડોની 128 તથા કોડીનાર પાલીકાની 1 બેઠકની પેટાચુંટણી યોજવા આખરી મતદાર યાદી પ્રસિઘ્ઘ કરી છે. જે મુજબ જીલ્લામાં યોજાનાર નગરપાલીકાની ચુંટણીઅોમાં કુલ 2,25,757 મતદારો મતાઘિકારનો ઉપયોગ કરી શકશે. ગીર સોમનાથ જીલ્લામાં આવેલ 4 નગરપાલિકાઓના ૩2 વોર્ડની તથા 1 બેઠકની પેટાચૂંટણી જાહેર થયેલ છે.
જેમાં વેરાવળ પાટણ નગર પાલીકાના 11 વોર્ડમાં 130 મતદાન મથકો પર 71,242 પુરૂષ અને 68,850 સ્ત્રી મળી કુલ 1,40,093 મતદારો નોંધાયેલા છે. ઉના નગરપાલીકાના 9 વોર્ડના 45 મતદાન મથકો પર 23,540 પુરુષ અને 22,248 સ્ત્રી મળી કુલ 45,788 મતદારો નોંધાયેલા છે. તાલાળા નગરપાલીકાના 6 વોર્ડના 18 મતદાન મથકો પર 9,243 પુરૂષ અને 8685 સ્ત્રી મળી મળી કુલ 17,928 મતદારો નોંધાયેલા છે. સુત્રાપાડા નગરપાલીકાના 6 વોર્ડના 18 મતદાન મથકો પર 9,045 પુરૂષ અને 8,856 સ્ત્રી મળી કુલ 17,901 મતદારો નોંધાયેલા છે. જયારે કોડીનાર પાલીકાની 1 વોર્ડની 1 બેઠકની પેટાચૂંટણીમાં 5 મતદાન મથકો પર 2,087 પુરુષ અને 1,960 સ્ત્રી મળી કુલ 4,047 મતદારો નોંધાયેલા હોવાનું જીલ્લા ચૂંટણી અધિકારીએ જણાવેલ છે.
અહેવાલ : ચેતન અપારનાથી