બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ, મોરબીના ૪ યુવાનોની ધરપકડ

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા કરોડોના બોગસ બિલિંગ અને રૂ. ૨૨ કરોડથી વધુની કરચોરી કૌભાંડમાં પાંચ શખ્સની ધરપકડ કરી છે. મોરબી સિરામિક ટાઈલ્સના ૪ વેપારીઓ અને પાન- મસાલાના કેસમાં અમદાવાદના એક શખ્સની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયા છે.
સ્ટેટ જીએસટીની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા સામખીયાળી ખાતેથી મોરબીથી રવાના થયેલી ટ્રકને આંતરીને તપાસ કરાતાં પેઢીના નામ અને પુરાવા શંકાસ્પદ જોવા મળ્યા હતા અને તેની તપાસ કરાતાં જે પેઢીના નામે બિલ બનાવાયા હતા તે બોગસ હોવાનું તેમજ બિલોની તારીખ અને વિગતો ખોટી હોવાનું જોવા મળ્યું હતું. આ ટ્રક છોડાવવા આવેલ અવિનાશ લક્ષ્મણ માકાસણાની પૂછપરછમાં તેણે કિસન અધારા, ધવલ કુલતરીયા અને ધ્રુવ વારનેશિયાની બોગસ પેઢીના બિલ અને સરનામાં આપ્યા હતા.
જેથી આ ત્રણેય શખ્સની પ્રિમાઈસીસ પર સર્ચ હાથ ધરી મોબાઈલ સહિત ડિજીટલ ડેટાની ફોરેન્સિક તપાસ કરાઈ હતી. જેમાં બિલ વિના ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યોમાં માલ રવાના કરીને કૌભાંડ આચરવાની નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી હતી. આ પ્રકારે કુલ ૧૩૦૫ વાહનોમાં કુલ રૂ. ૩૯,૮૯ કરોડની સિરામિક ટાઈલ્સનો જથ્થો દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા અન્ય રાજ્યોમાં સપ્લાય કરીને રૂ.૭.૧૮ કરોડની કરચોરી કરી હતી. આ કૌભાંડમાં જવાબદાર ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે. સ્ટેટ GST ફ્લાઈંગ સ્કવોડે સુરતમાં તાનસેન પાન મસાલા અને તમાકુના જથ્થા સાથે ત્રણ વાહનો રોકીને તપાસ કરતાં તેમાં બિલ, ઈ- વે બિલ નિયમ મુજબના ન જણાતા મે. નવકાર એન્ટરપ્રાઝ અને મે. નાકોડા એન્ડ કંપનીના નામે પાન મસાલા, ચા, માચીસ, તમાકુની બનાવટો, સાબુના પુનઃ વેચાણનો ધંધો કરાતો હતો. આ સ્થળ પર તપાસમાં કાચી ચિઠ્ઠી, એસ્ટીમેટ મેમો, અને કોમ્પ્યુટરની ફોરેન્સિક તપાસમાં રૂ.૧૫.૩૧ કરોડની કરચોરી પકડાઈ હતી. જેથી જીએસટી વિભાગે મોરબીના ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી