લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે જૂનાગઢ કૃષિ યુનિ.માં પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન

જૂનાગઢના કોઇપણ ખેડૂતો આત્મા પ્રોજેક્ટની મંજુરી લઇ વેચાણ કરી શકે છે
જૂનાગઢ : ગુજરાત રાજયના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલવી રહ્યા છે. જેમાં ખેડૂતો દ્વારા ગાય આધારિત રસાયણ મુક્ત ખેતી કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં પ્રાકુતિક કૃષિ કરનાર ખેડૂત વર્ગ બહોળા પ્રમાણમાં છે. આ ખેડૂતોને સારો ભાવ મળી રહે તેમજ શહેરની જનતાને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેવા ઉમદા હેતુથી જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ દ્વારા પ્રાકૃતિક કૃષિ હાટ ચાલુ કરવામાં આવેલ છે. જ્યારે સરકાર ૭૫માં આઝાદી વર્ષને અમૃત મહોત્સવ વર્ષ ઉજવી રહ્યા છે.
જૂનાગઢની જનતાને અમુત સમાન આહાર મળી રહે તેવો આ ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તા.૧૫ ઓગસ્ટના રોજ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. જેમાં રસાયણ મુકત ખેતી કરતા ૫૦ જેટલા ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને વેચાણ કરવામાં આવશે અને પ્રાકુતિક કૃષિ હાટ પ્લાસ્ટીક મુક્ત તેમજ કેશલેસ બજાર બને તેવો ખાસ આગ્રહ રાખવામાં આવનાર છે. આ બજારમાં પ્રાકૃતિક રીતે રસાયણ મુકત ખેતી કરતા કોઈપણ ખેડૂતો આત્મા પ્રોજેક્ટની મંજુરી લઇ વેચાણ કરવામાટે આવી શકે છે.