અમરેલી પોલીસ પરેડ મેદાનમાં આતંરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી સંપન્ન
આંતર રાષ્ટ્રીય યોગ દિવસ
વસુધૈવ કુટુમ્બકમ, એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સંકલ્પ સાથે અમરેલી પોલીસ પરેડ મેદાનમાં આતંરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી સંપન્ન
ભારતના ઋષિ મુનિઓએ આપેલી યોગ વિરાસતને આંતરાષ્ટ્રીય ફલક પર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરી – નાયબ મુખ્યદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા
નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિ
સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રીએ યોગાભ્યાસ કર્યો
આઈકોનિક સ્થળ તરીકે અમરેલીમાં સ્વામિનારાયણ મંદિર ગાંધીબાગ પરિસર, ઠેબી ડેમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ
અમરેલી તા.૨૧ જુન,૨૦૨૩ (બધુવાર) ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, વસુધૈવ કુટુમ્બકમ’ના સંકલ્પ સાથે સમગ્ર વિશ્વમાં નવમા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ કડીના ભાગરુપે જિલ્લા કક્ષાના યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અમરેલી ખાતે સંપન્ન થયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે પુષ્પગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુરત સ્થિત કાર્યક્રમ અને ઉદ્બબોધનના ડિજિટલ માધ્યમથી સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નિરામય સ્વાસ્થ્ય માટે યોગની વિરાસતના મહત્ત્વને વર્ણવતા નિયમિત યોગ કરવાનું સૂચન કર્યુ હતુ. મહત્વનું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા મથક ખાતેથી આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે. આ પ્રસંગે તેમનો સંદેશવીડિયો માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના સંદેશમાં યોગના ફાયદા અને આંતરાષ્ટ્રીય સ્તરે ભારતના યોગ વારસાના મહત્વ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ફલક પર સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈ યોગ દિવસની ઉજવણી કરવાના છે. ઋષિ મુનિઓએ આપેલા યોગના ફાયદા અને વિરાસતને આંતરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે. યોગના ફાયદાને વૈશ્વિક ઓળખ આપવાનું કામ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત અને સાંસ્કૃતિ પ્રવૃત્તિ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન તળે સમગ્ર રાજ્યમાં યોગ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો આજે યોગાસન પ્રવુત્તિમાં જોડાયા છે. યોગ કરવાથી થતા ફાયદાનું પ્રેરક ઉદાહરણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છે.’ તેમણે અમરેલી જિલ્લા વહીવટી તંત્રને સમગ્ર જિલ્લામાં યોગદિવસના સુચારું આયોજન માટે અભિનંદન પણ આ પ્રસંગે પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલિયા, સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંઘ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અમરેલી નગરના ભાઈઓ, બહેનોએ યોગાભ્યાસ કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300