5 વર્ષ પછી વીડિયોમાં દેખાયો આતંકી અબુ બકર અલ-બગદાદી, ઓડિયોમાં કહ્યું- શ્રીલંકામાં અમે બદલો લીધો

આતંકી સંગઠન આઈએસના મુખિયા અબુ બકર અલ-બગદાદીનો પાંચ વર્ષ પછી પહેલીવાર એક વીડિયો સામે આવ્યો છે. તેથી તે જીવતો હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. સોમવારે ISISએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બગદાદીને દર્શાવવામાં આવ્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈએસ મુખિયાનો પણ એક ઓડિયો સામે આવ્યો છે. તેમાં તેણે 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને આઈએસના છેલ્લા ગઢ બગૌજમાં મારવામાં આવેલા આતંકીઓનો બદલો ગણાવવામાં આવ્યો છે. આ બ્લાસ્ટમાં 253 લોકોના મોત થયા હતા.
18 મિનિટનો આ વીડિયો આઈએસના અલ ફુકરાન મીડિયા નેટર્વક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેને સોમવારે અલજજીરા ચેનલે પ્રસારિત કર્યો છે. વીડિયોમાં બગદાદી દાઢીમાં દેખાઈ રહ્યો છે. તે એક ગાદી પર બેસીને અન્ય 3 લોકો સાથે વાત કરી રહ્યો છે. જોકે તેમના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. આ વીડિયોમાં બગદાદીએ સીરિયામાં આઈએસના છેલ્લા ગઢ બગૌજમાં થયેલી લડાઈનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોમાં બગદાદી કહી રહ્યો છે કે આ લડાઈ હવે ખતમ થઈ ચૂકી છે. આના પછી અન્ય લડાઈ થવાની છે, જે દુશ્મન વિરુદ્ધ છેલ્લી ઘડી સુધી ચાલુ રહેશે.
બગદાદીએ 2014માં પોતાની જાતને ખલીફા જાહેર કર્યો હતો
બગદાદી 2014માં છેલ્લે એક મસ્જિદમાં દેખાયો હતો. ત્યારે ભાષણ આપતી વખતે તેણે પોતાની જાતને ઈરાક અને સીરિયાનો ખલીફા જાહેર કર્યો હતો. ઈરાક-સીરિયામાં અમેરિકા અને તેના સહયોગી સેનાએ આઈએસના આતંકીઓ સાથે ખૂબ લાંબા સમય સુધી લડાઈ લડી છે. ગયા મહિને અમેરિકન સેનાએ આઈએસના છેલ્લા ગઢ બગૌજથી આતંકીઓનો ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો હતો. સંયુક્ત સેનાની કાર્યવાહીમાં ઘણી વાર બગદાદીને મારી દીધો હોવાની વાત જાણવા મળી હતી.