ચીનના સરકારી અખબારની ભવિષ્યવાણી – ફરી મોદી સરકાર

ચીનના કોમ્યુનિસ્ટ નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે અને તે આશા રાખે છે કે લોકસભા ચૂંટણી પછી નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે સત્તામાં વાપસી થાય. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમની સરકાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને મોદી વચ્ચે આગામી અનૌપચારિક મીટિંગની તૈયારી કરી રહી છે. જે ગત વર્ષે ચીનના વુહાન શહેરમાં યોજાયેલી બેઠકની તર્જ પર હશે. આ વખતે ભારતનાં કોઈ પણ શહેરમાં યોજાઈ શકે છે.વિદેશનીતિના સંદર્ભમાં ચૂંટણી સમયે એક વર્ષની તૈયારીનો સંકેત આપવું જોખમભર્યું મનાય છે કેમ કે ચૂંટણી પછી વિપક્ષી નેતાની સત્તામાં વાપસીની સંભાવના દરેક સમયે બની રહે છે પણ ચીન પ્રમાણસર જોખમ ખેડે છે કેમ કે મોદીની વાપસીની પૂર્ણ આશા છે. વાંગે ચૂંટણી દરમિયાન આ જાહેરાત કરીને સ્પષ્ટ કરી દીધું કે મોદીને ચૂંટણી પછી ફરી તક મળી રહી છે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચે વુહાનની બેઠક સફળ રહી હતી. ખાસ કરીને બંને નેતાઓએ પરસ્પર વિશ્વાસ કાયમ કરવાની સાથે ભારત-ચીન સંબંધોને મજબૂત બનાવવા અને તેમાં સુધારાની સંયુક્ત યોજના બનાવી હતી. વાંગ કહે છે કે વુહાન સમિટ પછી અમે સહયોગના તમામ ક્ષેત્રમાં સુધારો જોયો. ચીની ટેલિવિઝન, અખબાર અને ન્યૂઝ પોર્ટલ વડાપ્રધાન મોદીના ચૂંટણીપ્રચારના ફોટો અને વીડિયો બતાવી રહ્યાં છે. તેમાં 23 એપ્રિલે મોદીના અમદાવાદમાં મતદાન કર્યા પછી આંગળી બતાવતો ફોટો પણ સામેલ છે.
ચીની અધિકારી અને સરકારી થિન્ક ટેન્કો સંબંધિત નિષ્ણાતો પણ પોતાની પ્રાથમિકતા મોદીને ગણાવી રહ્યા છે. સરકાર સમર્થિત અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’એ શિન્હુઆ યુનિવર્સિટીના રિસર્ચ ફેલો લૂ યાંગનો એક લેખ છાપ્યો છે જેમાં મોદીની વાપસીની ભવિષ્યવાણી કરાઈ છે. લૂએ લખ્યું કે આ વાતમાં કોઇ શંકા નથી કે મોદીનો ભાજપ સંસદમાં સૌથી મોટો પક્ષ બનશે. મોદીનું રાજકીય કદ અન્ય ઉમેદવારોને પાછળ કરી રહ્યું છે અને ભાજપની નાણાકીય અને સંગઠનીય શક્તિ વિપક્ષથી ઘણી વધારે છે. તેનાથી સ્પષ્ટ છે કે મોદીને સંભવત: વધુ એક તક મળશે. કોમ્યુનિસ્ટ ચીન સામાન્ય રીતે એ મજબૂત નેતાઓને ટેકો આપે છે જે લાંબા સમય સુધી લટકાવવાને બદલે નિર્ણય કરી શકે છે કેમ કે લોકતાંત્રિક અને સ્વતંત્ર ન્યાયપાલિકવાળા દેશોમાં અનેકવાર એવું થાય છે.
ચીન ભારતમાં એક મજબૂત નેતા ઈચ્છે છે કેમ કે ચીની રોકાણકારો ભારતીય બજારને ગ્રોથના મુખ્ય ક્ષેત્ર તરીકે જુએ છે. એ વાતથી સ્પષ્ટ છે કે ભારતમાં મોબાઇલ ફોનના 60 ટકા બજાર પર ચીની બ્રાન્ડનો કબજો છે. ચીન નવી દિલ્હીમાં એક નબળા ગઠબંધનવાળી સરકાર નથી ઈચ્છતું જે વિદેશી રોકાણના પ્રસ્તાવો અંગે ઝડપી નિર્ણય કરી શકે. અમેરિકાની જેમ ચીનમાં રાજકીય પક્ષો માટે ફંડ એકત્રિત કરવા માટે ભારતીય સમુદાયની ડિનર મીટિંગ તો થતી નથી પણ અહીં રહેતા ભારતીય વોટ્સએપ અને વીચેટ જેવી ચીની એપની મદદથી ગંભીર ચર્ચા કરી રહ્યા છે. આ લોકોમાં કોઈ અન્ય નેતાની તુલનાએ મોદીના ફેન્સ મોટી સંખ્યામાં વધારે છે કેમ કે તેમાં મોટા ભાગે
વેપારી છે.
દક્ષિણ ચીનમાં ફેક્ટરીના માલિક રાજેશ પુરોહિત કહે છે કે મોદીના આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને તેમના પ્રભાવે ચીનના લોકોની નજરોમાં ભારતીયોનું સ્તર ઊંચુ કર્યુ છે અને સાથે જ ભારતીય પાસપોર્ટના સન્માનને વધાર્યું છે. પુરોહિત કહે છે કે 2014થી પહેલાં ચીનમાં ભારતીયોને એ સન્માનથી જોવાતા નહોતા જેમ હવે નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ જોવામાં આવે છે. આ સન્માન ભારતીયોના સામાજિક સ્તર અને વેપાર બંને માટે ખૂબ જ જરૂરી છે. જોકે મોદીના શાસનમાં ડોકલામ સહિત ભારત તથા ચીન વચ્ચે પહેલાની તુલનાએ વધારે વિવાદો દેખાયા. તે ઉપરાંત મોદી દ્વારા ચીનના બેલ્ટ રોડ કાર્યક્રમથી દૂર રહેવું અને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર ચીન તરફથી અવરોધ પેદા કરવો સામેલ છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ વિવાદો છતાં ચીનમાં ભારતનું સન્માન વધ્યું છે કેમ કે ચીન તાકાત અને તેની સામે ઊભા થવાની કોઈ પણ દેશની ક્ષમતાનું સન્માન કરે છે અને ભારત તેમાં અત્યાર સુધી ચીનની નજરે ટોચે જળવાઈ રહ્યું છે.
વાસ્વતી કુમારી, બેઈજિંગમાં 20 વર્ષથી રહેતા ભારતીય બાબતોના જાણકાર.
Source: Divya Bhaskar