બોરસદ : વ્યાખ્યાનમાળા અંતર્ગત સર્જનાત્મકતા કાર્યશાળાનું આયોજન કરાયું.

વ્યાખ્યાનમાળા અંતર્ગત સર્જનાત્મકતા કાર્યશાળાનું આયોજન કરાયું.
તારીખ 17/01/2024 બુધવારના રોજ શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં સ્વ. કાંતાબેન રામભાઈ પટેલ વ્યાખ્યાનમાળા અંતર્ગત રાજ્ય કક્ષાની સર્જનાત્મકતા કાર્યશાળાનું આયોજન કરાયું. જેમાં તજજ્ઞ તરીકે જાણીતા કટાર લેખક શ્રી દેવલ શાસ્ત્રી તથા ઉભરતા નવલકથાકાર શ્રી હિરેનભાઈ દેસાઈએ સર્જનાત્મકતા, સાહિત્યના વિવિધ સ્વરૂપો, નવલકથાના ઘટકો તથા નોબેલ પુરસ્કૃત કૃતિના લક્ષણો વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડયું હતું. કાર્યશાળાના પ્રથમ સેશનમાં ગાંધીયુગની કૃતિઓ, સર્જકનું લેખન પાછળનું પ્રયોજન તથા કૃતિનો મૂળભૂત હેતુ કેવી રીતે ઉજાગર થાય છે તે વળામણા, જુમો ભિસ્તી, પોસ્ટ ઓફિસ…જેવી ટૂંકી વાર્તાઓના દ્વારા સ્પષ્ટતા કરી તથા એન્તઑન ચેકોવ, લિયો ટોલ્સટોય, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, રા. વિ. પાઠક તથા ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાહિત્યકારોની કૃતિઓ સમય અનુસાર સમાજ સંદેશ આપવામાં કેવી રીતે સફળ થઈ છે તેની વિશદ્ તલસ્પર્શી ચર્ચા કરી હતી. દ્વિતીય સેશનમાં સહભાગીઓને અને છ જૂથમાં વિભાજીત કર્યા હતા. પ્રત્યેક જૂથે સ્વયં સ્ક્રીપ્ટ તૈયાર કરીને નાટક મંચસ્થ કર્યું હતું.
પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઇનામથી પુરસ્કૃત કર્યા હતા. કાર્યક્રમના અંતે વિવિધ કોલેજોમાંથી આવેલા 81 સહભાગી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત માતૃવંદના વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી. સરસ્વતી વંદના બાદ પ્રશિક્ષણાર્થી શિલ્પાબેન ઠાકોરે સર્વને ભક્તિમય બનાવી દીધા હતા. દીપ પ્રાગટ્ય બાદ કાર્યશાળાના માર્ગદર્શક એવા સંસ્થાના સંવાહકશ્રી ડૉ. જે. કે. તલાટીએ સર્વ મહાનુભાવોનો સવિશેષ પરિચય આપીને શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ પટેલનું પુષ્પગુચ્છથી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. શાળાના કન્વીનર તરીકે ડૉ. રાંભીબેન બાપોદરા તથા કાર્યક્રમના સંચાલક તરીકે ડૉ. હરિશ્ચંદ્ર રાઠોડેસુંદર ભૂમિકા અદા કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300