નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC)ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC)ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ
નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC)ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં અધિકારીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ આપી સાકરથી મોઢું મીઠું કરાવીને શ્રેષ્ઠ દેખાવની શુભેચ્છા પાઠવી
આજથી પ્રારંભાયેલી બોર્ડની બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરની શાળાઓમાં નોંધાયેલા કુલ- ૧૫,૩૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧ મી માર્ચથી નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે ધોરણ-૧૦ના પરીક્ષાર્થીઓને રાજપીપલાની એમ.આર. વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, જાયન્ટ્સ ગૃપ ઓફ રાજપીપલાના પ્રમુખ તેજસ ગાંધી, પૂર્વ પ્રમુખ રૂપલબેન દોશી સહિત સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારઓ, શાળાના સ્ટાફગણ વગેરેએ પણ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, આજથી બોર્ડની પરીક્ષાની શરૂ થઈ છે. પરીક્ષાના પ્રારંભે બાળકોનું મનોબળ વધારવા માટે તેમને શુભેચ્છા પાઠવી છે. નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને પાણીની વ્યવસ્થા, તમામ કેન્દ્રોમાં ચોખ્ખા ટોયલેટ, આરોગ્યની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ વખતે રિઝલ્ટ પણ ખૂબ સારું રહેશે તેવી આશા પણ કલેક્ટરએ વ્યક્ત કરી હતી.વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે એમ.આર. વિદ્યાલયમાં ઊભા કરાયેલા સીસીટીવી કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યું હતું.
નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૧૪૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૩૦ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૨૨ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪,૮૯૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેના માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૫૨ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ રાજપીપલા અને શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે કેન્દ્રો છે. જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા કેન્દ્ર ખાતે ૨૩ બ્લોક મળી કુલ ૬૬ બ્લોકમાં ૧,૨૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની આ જાહેર પરીક્ષા માટે સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં હથિયારધારી પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પુરતી દવાઓની પણ સુવિધા કરવામાં આવી છે.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300