‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવણી : મહાત્મા મંદિર, ગાંધીનગર

‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવણી : મહાત્મા મંદિર, ગાંધીનગર
:: મુખ્યમંત્રીશ્રી ::
• બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે સમયની માગ
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની રાષ્ટ્રભાષાને વૈશ્વિક ઓળખ અપાવી
• આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને સાથે લઈને દેશને વિકસિત બનાવવાનો છે
‘વિશ્વ માતૃભાષા દિવસ’ની શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ આપીને દરેક રાજ્યની ભાષાને પ્રાધાન્ય આપ્યું છે. દેશનો કોઈપણ નાગરિક આજે પોતાની ભાષામાં રજૂઆત કરી શકે છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આજના માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી શીખવાડવાનો વધુ આગ્રહ રાખતા હોય છે.
અંગ્રેજી કે બીજી કોઈપણ ભાષા શીખવી તે ખોટી બાબત નથી પરંતુ બાળકને ગુજરાતી ભાષાના મહત્વને પણ સમજાવવું જોઈએ. બાળક બીજી ગમે તેટલી ભાષા શીખે પરંતુ તેની માતૃભાષાનું પણ તેટલું જ જ્ઞાન હોવું જરૂરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્ર સાથે આપણી વિરાસતોના સંવર્ધન અને વિકાસની દિશા દર્શાવી છે. તેમના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સાંસ્કૃતિક વિરાસત એવી માતૃભાષાના જતન અને સંવર્ધન માટે સમર્પિત છે. આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને સાથે લઈને આપણે દેશને વિકસિત બનાવવાનો છે.
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની રાષ્ટ્રભાષાને વૈશ્વિક ઓળખ અપાવી છે. દુનિયાના કોઈપણ દેશમાં જઈને પણ તેમણે રાષ્ટ્રભાષામાં સંવાદ કર્યો છે. દુનિયાના કોઈપણ ખૂણે આપણે માતૃભાષામાં વાત કરી શકીએ છીએ તેવી પ્રેરણા તેમણે આપી છે.
આજના યુવાનોમાં સાહિત્ય ક્ષેત્રમાં રસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. આ સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈ સાહિત્ય ક્ષેત્રના મુરબ્બીઓ અને વડીલોની જવાબદારી છે કે, યુવાનોને સાહિત્યનું મહત્વ સમજાવીએ. આજના યુવાનોને સરળતાની સમજાય, તેમને ગમે તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી સાહિત્ય સાથે જોડી શકાય છે.
“વસુધૈવ કુટુમ્બકમ્”ની આપણી સંસ્કૃતિને વળગી રહીને આપણી સંસ્કૃતિનું ગૌરવ ન માત્ર જાળવી રાખવાનું છે પરંતુ તેનું ગૌરવ વધે તે દિશામાં પણ કામ કરવાનું છે. દેશને વિકસિત બનાવવામાં યુવાનોની મહત્વની ભૂમિકા રહેલી છે ત્યારે તેમની તાકાતનો મહત્તમ ઉપયોગ કરીને ભારતને દરેક ક્ષેત્રમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે.
આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સાહિત્યકાર શ્રી બળવંત જાનીને ગુજરાતી ભાષાનો ગૌરવ પુરસ્કાર તથા શ્રી મિલીંદ ગઢવીને યુવા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરીમામય ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, કુલપતિ શ્રી નિરંજન પટેલ, સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ સહિત મોટી સંખ્યામાં સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300