મહાશિવરાત્રીનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે

મહાશિવરાત્રીનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.
દર વર્ષે મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૫ને બુધવારના રોજ આવે છે.મહાશિવરાત્રીનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે.શિવએ જ્ઞાનના દેવ છે.તેમના મસ્તકમાંથી સદાય જ્ઞાનગંગા વહે છે.મહાશિવરાત્રી ના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરીવર્તનની પૌરાણિક કથા સર્વવિદિત છે.પૂર્વ સમયમાં ગુરૂદ્રુહ નામનો બળવાન,નિર્દય તથા હંમેશાં ક્રૂરકર્મો કરનાર એક પારધિ પોતાના કુટુંબ સાથે રહેતો હતો.તે દરરોજ વનમાં જઇને પશુઓનો શિકાર તથા ચોરી કરતો હતો.તેને બાલ્યાવસ્થાથી ક્યારેય કોઇ શુભ કર્મ કર્યું નહોતું.એકવાર મહાશિવરાત્રીનો ઉત્તમ દિવસ આવ્યો પરંતુ આ દુષ્ટાત્માને તેનું જ્ઞાન નહોતું.તેના માતા-પિતા,પત્ની અને બાળકો ભૂખથી પિડીત થઇને તેની પાસે ભોજનની માંગણી કરતાં તે ધનુષ્ય-બાણ લઇને મૃગોને મારવા માટે વનમાં જાય છે પરંતુ આખા વનમાં ફરવા છતાં કોઇ શિકાર મળતો નથી અને સૂર્યાસ્ત થઇ જાય છે.
હવે હું શું કરૂં? અને ક્યાં જાઉં? મારા ઘરડા માતા-પિતા,પત્ની અને બાળકો ભૂખથી વ્યાકૂળ છે એટલે કંઇક તો લઇને જવું જ પડશે આવું વિચારીને તે એક જળાશય પાસે જાય છે અને ત્યાં બનેલા ઘાટ ઉપર જઇને બેસે છે અને વિચારે છે કે અહીયાં કોઇક પ્રાણી તો જળ પીવા માટે આવશે ત્યારે તેને મારીને આનંદ પૂર્વક ઘેર જઇશ.આવું વિચારીને તે નજીક આવેલ બિલિના વૃક્ષ ઉપર ચઢીને બેસે છે.રાત્રીના પહેલા પ્રહર માં તરસથી વ્યાકુળ બનેલી એક હરણી ત્યાં આવે છે.તેને જોઇને તે પ્રસન્ન થઇ હરણીને મારવા માટે ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે.આમ કરવા જતાં બિલિના વૃક્ષની નીચે આવેલા શિવલિંગ ઉપર સાથે લાવેલ પાણીમાંથી કેટલુંક પાણી અને કેટલાંક બિલિપત્ર તૂટીને નીચેના શિવલિંગ ઉપર પડે છે જેથી પ્રથમ પ્રહરની શિવ-પૂજા આપોઆપ થઇ જાય છે જેની મહિમાથી તેના પાપ નષ્ટ થઇ જાય છે.
પારધિના શબ્દ સાંભળીને ભયથી વ્યાકુળ હરણી પારઘિને જોઇને કહે છે કે હે પારધિ ! તમે શું કરવા ઇચ્છો છો? તે મને સત્ય કહો.ત્યારે પારધિ કહે છે કે આજે મારો આખો પરીવાર ભૂખથી વ્યાકુળ છે,હું તને મારીને તેમને તૃપ્ત કરીશ.પારધિના આવા દારૂણ વચનો સાંભળીને હરણી કહે છે કે જો મારા અનર્થકારી દેહના માંસથી તમોને સુખ પ્રાપ્ત થતું હોય તો તેનાથી અધિક પુણ્ય ક્યું હોઇ શકે ! પરંતુ હું તમોને એક વિનંતી કરૂં છું કે મારા બચ્ચાઓ આશ્રમમાં છે તેમને મારી બહેન કે મારા સ્વામીને સોંપીને હું પાછી આવી જઇશ. હે વનેચર ! તમે મારી વાતને સત્ય માનો.હું અવશ્ય પાછી આવીશ તેમાં શંકા નથી. સત્યથી જ આ પૃથ્વી ટકેલી છે,સત્યથી જ સમુદ્ર તથા સત્યથી જ જલની ધારાઓ વહે છે,તમામ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે.હરણીનાં આવાં વચનો કહેવા છતાં પારધિને વિશ્વાસ આવતો નથી તેથી હરણી ભયભીત થઇને પુનઃ કહે છે કે હે પારધિ ! મારી વાતને સત્ય માનો.હું ઘેર ગયા પછી પાછી ના આવું તો વેદવિક્રયી બ્રાહ્મણ તથા સંન્ધ્યા ઉપાસનાહીન બ્રાહ્મણને,પોતાના સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સ્ત્રીને જે પાપ લાગે,કૃતઘ્નને જે પાપ લાગે,શિવ-વિમુખને જે પાપ લાગે,ધર્મનું ઉલ્લંઘન કરનારને જે પાપ લાગે, વિશ્વાસઘાતી તથા છળ-કપટ કરનારને જે પાપ લાગે તે તમામ પાપ મને લાગે.આવા અનેક પ્રકારના શપથ લીધા પછી પારધિને વિશ્વાસ આવે છે અને હરણીને ઘેર જવાની રજા આપે છે.હરણી પ્રસન્ન થઇને પાણી પી પોતાના સ્થાન ઉપર ચાલી જાય છે.બીજી તરફ પારધિનો પહેલો પ્રહર જાગીને પસાર થાય છે. બીજા પ્રહરમાં પહેલાં આવેલ હરણીની બહેન ઉત્કંઠાપૂર્વક પોતાની બહેનને શોધતી શોધતી આવી પહોંચે છે.તેને જોઇને પારધિ ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે તે સમયે પહેલાંની જેમજ જળ અને બિલિપત્ર શિવલિંગ ઉપર પડે છે જેનાથી અનાયાસે સદાશિવની બીજા પ્રહરની પૂજા થઇ જાય છે.આવેલ હરણી કહે છે કે હે વનેચર ! આ શું કરી રહ્યા છો? પારધિએ પહેલી હરણીને કહ્યું હતું તે પ્રયોજન કહે છે ત્યારે હરણી કહે છે કે હું ધન્ય છું,આજે મારા દેહ ધારણ કરવાનું સફળ થયું છે કારણ કે આ અનિત્ય શરીરથી ઉપકાર થશે પરંતુ મારાં બચ્ચાં ઘેર એકલાં છે તેમને હું મારા સ્વામીને સોંપીને પાછી આવીશ.પારધિ કહે છે કે હું તારી વાત માનતો નથી અને તને મારી જ નાખીશ ત્યારે હરણી ભગવાન વિષ્ણુના શપથ લઇને કહે છે કે મારી વાત સાંભળો.જો હું પાછી ના આવું તો પોતાની વાતથી વિચલિત થનારના સુકૃત્ય નાશ પામે છે અથવા જે મનુષ્ય પોતાની વિવાહિત પત્નીને છોડીને બીજી સ્ત્રી સાથે સમાગમ કરે છે,જે વેદધર્મનું ઉલ્લંઘન કરીને મનમાન્યા માર્ગ ઉપર ચાલે છે,વિષ્ણુ ભક્ત હોવા છતાં શિવની નિંદા કરે છે,જે આપેલ વચનનું પાલન કરતો નથી..તેને જે પાપ લાગે તે મને લાગે.
હરણીના આવાં વચનો સાંભળીને પ્રસન્ન થઇને પારધિ તેને ઘેર જવાની પરવાનગી આપે છે.આમ પારધિનો બીજો પ્રહર જાગીને પસાર થયો અને ત્રીજા પ્રહરની શરૂઆત થઇ તે સમયે એક મૃગ પાણી પીવા માટે સરોવર તરફ આવે છે.આવા પુષ્ઠ મૃગને જોઇને પ્રસન્ન થઇને પારધિ તેને મારવા ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે તે સમયે પહેલાંની જેમ પ્રારબ્ધવશ કેટલાક બિલિપત્ર શિવલિંગ ઉપર પડે છે તેથી અનાયાસે ત્રીજા પ્રહરની શિવપૂજા થઇ જાય છે.પારધિને જોઇને મૃગ કહે છે કે હે વનચર ! આ શું કરો છો? ત્યારે પારધિ કહે છે કે હું મારા કુટુંબીઓના માટે તારો વધ કરીશ.આવું સાંભળીને પ્રસન્નચિત્ત થઇ મૃગ કહે છે કે હું ધન્ય છું કે મારૂં પૃષ્ઠ શરીર છે જેનાથી તમારી તૃપ્તિ થશે.જેનું શરીર પરોપકારમાં વપરાય તે જ સફળ છે.જેનામાં સામર્થ્ય છે તે ઉપકાર નથી કરતો તે મર્યા પછી નરકમાં જાય છે પરંતુ હું મારા બાળકોને તેની માતાને સુપ્રત કરીને તેમને ધીરજ આપીને હું પાછો આવીશ.ત્યારે પારધિ કહે છે કે જે જે અહીયાં આવ્યાં તે તમામ તારી જેમ જ ચાલ્યાં ગયાં છે પરંતુ તે પૈકી કોઇ હજું સુધી પાછાં આવ્યાં નથી.તું પણ સંકટમાંથી બચવા જુઠું બોલીને જતો રહીશ તો મારો નિર્વાહ કેવી રીતે થશે?
હરણ કહે છે કે મારી વાતને સત્ય માનો કેમકે હું જુઠું બોલતો નથી.સમગ્ર ચરાચર બ્રહ્માંડ સત્યથી પ્રતિષ્ઠિત છે.જેની વાણી મિથ્યા હોય છે તેનું પુણ્ય નષ્ટ થાય છે.હે પારધિ ! તમે મારી સત્ય પ્રતિજ્ઞા સાંભળો.હું પાછો ના આવું તો સંન્ધ્યાકાળમાં મૈથુન કરવાથી,શિવરાત્રીના દિવસે ભોજન કરવાથી,ખોટી સાક્ષી પુરવાથી,અભક્ષ્ય ભક્ષણથી જે પાપ લાગે છે તે પાપ મને લાગે.આવાં વચનો સાંભળી પારધિએ તેને જવાની પરવાનગી આપતાં તે પાણી પી રવાના થાય છે.ત્યારબાદ તમામ હરણો આશ્રમમાં જઇને એકબીજાને મળીને બનેલ ઘટનાની ચર્ચા કરી વચન-પાલન કરવા પારધિ પાસે જવાની તૈયારી કરે છે ત્યારે બાળકો પણ જવા માટે તૈયાર થાય છે.તમામ હરણો પરીવાર સહિત આવેલાં જોઇને પારધિ હર્ષિત થઇને ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે તે સમયે શિવલિંગ ઉપર જળ અને બિલિપત્ર પડે છે જેનાથી ચોથા પ્રહરની શિવપૂજા થઇ જાય છે..આખા દિવસનો ઉપવાસ,રાતભરનું જાગરણ અને બિલિપત્રો તોડી તોડીને નીચે નાખવાથી બિલિવૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયાસે થયેલ પૂજનથી તેના તમામ પાપો નષ્ટ થઇ જાય છે.સવાર થતાં જ હરણાંઓને સહકુટુંબ પાછાં આવેલાં જોઇને તેનું હ્રદય પિગળી જાય છે.બે પગનો માનવ ચાર પગના પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે છે.તે સમયે હરણાં કહે છે કે હે પારધિ ! હવે તમે અમારી ઉપર કૃપા કરીને અમારા શરીરને સાર્થક કરો.હરણાંની વાત સાંભળીને તેને ઘણી જ નવાઇ લાગે છે.શિવપૂજાના પ્રભાવથી તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થાય છે.જ્ઞાનરહિત મૃગો ધન્ય છે,તે પરમ સન્માનનીય છે કે જે પોતાના શરીરથી પરોપકાર કરવા તત્પર છે.
મેં મનુષ્ય જન્મ પામીને પણ શું ફળ પ્રાપ્ત કર્યું? મેં બીજાના શરીરોને પીડા આપીને મારા શરીરનું પાલન કર્યું છે.દરરોજ મેં અનેક પાપો કરીને મારા કુટુંબીજનોનું પોષણ કર્યું છે.આવાં અનેક પાપોના કારણે આગળ મારી શું ગતિ થશે? મારા જીવનને ધિક્કાર છે.આવુ જ્ઞાન થતાં પારધિએ ધનુષ્ય ઉપરથી બાણ ઉતારી મૃગોને કહે છે કે તમે બધાં ધન્ય છો હવે તમે જાઓ.પારધિના આમ કહેવાથી ભગવાન શંકરે પ્રસન્ન થઇને પોતાના લોકપૂજીત ઉત્તમ સ્વરૂપનાં દર્શન કરાવી તેને સ્પર્શ કરી કહ્યું કે હે પારધિ ! હું તારા વ્રતથી પ્રસન્ન છું તમે વરદાન માંગો.ભગવાન શિવના સ્વરૂપના દર્શન કરીને પારધિ કહે છે કે મેં આજે સર્વકંઇ પ્રાપ્ત કરી લીધું છે આમ કહી ભગવાનના શ્રીચરણોમાં મસ્તક નમાવી ક્ષણભરમાં કૃતાર્થ થઇ ગયો.
ભગવાન શિવે પ્રસન્નચિત્ત થઇ તેને ગુહ નામ આપીને વરદાન આપ્યું કે હવે તમે શ્રૃંગવેરપુરને પોતાની રાજધાની બનાવી દિવ્ય સુખોનો ઉપભોગ કરો.ત્યાં અક્ષયરૂપથી તમારા વંશની વૃદ્ધિ થશે.દેવતાઓ પણ તમારી પ્રશંસા કરશે.તમારા ઘેર સાક્ષાત ભગવાન શ્રીરામચંદ્રજી પધારશે,તમારી સાથે મિત્રતા કરશે અને તમે દુર્લભ મોક્ષને પ્રાપ્ત થશો.બીજી તરફ તમામ મૃગો ભગવાન શિવના દર્શન કરીને,તેમને પ્રણામ કરીને મૃગયોનિમાંથી મુક્ત થઇ સ્વર્ગલોકમાં ગયાં.ત્યારથી ભગવાન શિવ અર્બુદાપર્વત ઉપર વ્યાઘેશ્વર નામથી પ્રસિદ્ધ થયા જેમના દર્શન તથા પૂજનથી મોક્ષ મળે છે.અજ્ઞાનતાવશ શિવવ્રત કરવાથી પારધીને સાયુજ્ય મુક્તિ મળી હતી તો જે ભક્તિભાવથી યુક્ત મનુષ્ય શુભ સાયુજ્ય મુક્તિ મેળવે છે તેમાં શંકા નથી. (શિવમહાપુરાણમાંથી સાભાર)
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300