ભવનાથમાં ભજન ભક્તિ અને ભોજન નો ત્રિવેણી સંગમ

મહાશિવરાત્રી મેળો-૨૦૨૫
ભજન,ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
હર હર મહાદેવ… સંતો મહંતો, આગેવાનો અને અને ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે ભવનાથના મહાશિવરાત્રીના મેળાનો વિધિવત શુભારંભ
મેળા દરમિયાન લાખો ભાવિક ભક્તો સ્વંયભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવશે
ભવનાથ તળેટી,જૂનાગઢ ખાતે દિગંબર સાધુઓએ ધૂણી ધખાવી, ‘હર હર મહાદેવ’, ‘જય ગિરનારી’નો જયઘોષ
ભવનાથ મંદિર મહંત શ્રી હરિગિરી બાપુ, શ્રી મુક્તાનંદ બાપુ, મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિત સંત મહંતો, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મેળામાં જોડાયેલી સમગ્ર તંત્રની ટીમને સમયસર તૈયારીઓ પૂર્ણ કરવા બદલ શુભકામના પાઠવી
જૂનાગઢ : ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતેથી આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-૨૦૨૫નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
મેળાના શુભારંભ વેળાએ ભવનાથ મંદિર મહંત શ્રી હરિગિરી બાપુ, શ્રી મુક્તાનંદ બાપુ, મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, મહંત શ્રી મહાદેવગિરી, મહેન્દ્રાનંદ બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ સહિત સંત મહંતો, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા,મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડો. ઓમપ્રકાશ, ભગીરથ સિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ભવનાથ મહાદેવની વિધિવત પૂજા આરતી કરી હતી.
હર હર મહાદેવ ના નાદ અને જય ગિરનારીના જયઘોષ સાથે વિધિવત ધ્વજારોહણ સમયે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો,ભાવિક ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.
તા.૨૨ ફેબ્રુઆરી થી ૨૬ ફેબ્રુઆરી શિવરાત્રી મધ્યરાત્રી સુધીના પાંચ દિવસીય આ મેળામાં લાખો ભાવિક ભક્તો મેળામાં સામેલ થશે અને ભક્તિના અનેરા રંગમાં રંગાશે. મેળાના પ્રારંભે સંત સમાગમ અને ભવનાથ મહાદેવના દર્શન કરીને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભવનાથ મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગૂંજી ઉઠ્યુ હતું.
આદ્યાત્મિક, પૌરાણિક દ્રષ્ટિએ મહત્વના આ મેળાના સુચારું આયોજન અને સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ પ્રકારની કુલ ૧૩ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ અને નિયમન સમિતિ,પાણી પુરવઠાની વ્યવસ્થા, સાફ સફાઇ અને કચરાના વ્યવસ્થાપન માટેની વ્યવસ્થા, વીજળી અને ધ્વનિની વ્યવસ્થા સહિતની સમિતિઓનો સમાવેશ થાય છે. ઉપરાંત કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ મેળા દરમિયાન જૂનાગઢ ખાતે ભાવિક ભક્તોને સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, દિગંબર સાધુઓના દર્શન સહિતનો અનેરો આનંદ પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે મહા વદ ૯ (નોમ) ના રોજ હિંદુ સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવતો પૌરાણિક પરંપરાગત મહાશિવરાત્રીનો લોકમેળો યોજાય છે. સર્વને સમાન ગણી સદભાવ સાથે સર્વને સદાવ્રત ભોજનની આ પરંપરા વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને પણ સાર્થક કરે છે. ગુજરાત અને અન્ય રાજ્યો તેમજ વિદેશી યાત્રિકો પણ મેળામાં આવે છે .મેળા દરમિયાન પાંચ દિવસ સુધી દિગંબર સાધુઓ ધૂણી ધખાવે છે. ગિરનાર એક અલૌકિક તીર્થક્ષેત્ર છે, જ્યાં નવ નાથ અને અનેક સિદ્ધ સંત મહાત્મન બિરાજે છે. લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવ અને સંતો મહંતોના દર્શન કરીને ધન્યતા અનુભવે છે,પુણ્યશાળી બને છે.
અહીં વિવિધ અખાડાઓ આવેલ છે, ગિરનાર તળેટી ખાતે હરિહરના નાદ સાથે ભાવિક ભક્તોને પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. પાર્કિંગ વ્યવસ્થા, સાફ સફાઈ સહિતની વ્યવસ્થાઓ, મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા, મેડિકલ તથા એમ્બ્યુલન્સ સેવા, ફાયર ફાઇટર તથા બચાવ ટુકડીઓ સહિતની વ્યવસ્થાઓ થકી મેળામાં આવતા લાખો ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે આ મેળો યોજાઈ રહ્યો છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300