અંદાજપત્રની સમાન્ય ચર્ચામાં સહભાગી થતા નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા

અંદાજપત્રની સમાન્ય ચર્ચામાં સહભાગી થતા નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા
Spread the love

અંદાજપત્રની સમાન્ય ચર્ચામાં સહભાગી થતા
નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા

:મંત્રી શ્રી કુંવરજી બાવળિયા:

 ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિનો સર્વાંગીણ વિકાસ એજ અમારું લક્ષ્ય
 વિકસીત ભારત માટે ગુજરાત સરકારે ‘વિકસીત ગુજરાત-૨૦૪૭’નો રોડમેપ તૈયાર કર્યો
 આ બજેટમાં ગરીબો માટે ૩ લાખથી વધારે આવાસો પુરા પાડવાનું આયોજન
 ગુજરાતની ૩૬ ટકા યુવા વસ્તી, જે રાજ્યનાં વિકાસ માટે મહત્વની શક્તિ

વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની ત્રીજા અને અંતિમ દિવસની સમાન્ય ચર્ચામાં સહભાગી થતા નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ GYAN એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ અમારું લક્ષ્ય છે. ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા પ્રદાન કરી વધુ વેગવાન બનાવવા અને વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણના ધ્યેય સાથે રાજ્યના સર્વાંગીણ વિકાસનો આલેખ રજૂ કરતું ૨૦૨૫નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિકાસના પાંચ સ્તંભ એવા સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને વરેલું રૂ.૩.૭૦ લાખ કરોડનું રાજ્યનાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ ગુજરાતના વિકાસવૈભવને નવી ઊંચાઈએ પ્રસ્થાપિત કરશે. વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતનાં ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત-૨૦૪૭ નો રોડમેપ તૈયાર કર્યો છે.

મંત્રીશ્રી કુંવરજીભાઈએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, આ બજેટમાં ગરીબો માટે ૩ લાખ થી વધારે આવાસો પુરા પાડવાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી પૈષ્ટિક અલ્પાહાર યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, બેંકેબલ યોજના, વનબંધુ કલ્યાણ-૨ વગેરે જેવી યોજના માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. યુવાશક્તિને નવી તક અને નવી ઉડાન માટે અમારી સરકારે ચિંતા કરી છે. ગુજરાતની ૩૬ ટકા વસ્તી યુવા છે, જે રાજ્યનાં વિકાસ માટે મહત્વની શક્તિ છે. યુવાનો માટે શિક્ષણ, રોજગારી અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને તેમનાં સ્વપ્નોને ઉંચી ઉડાન આપવી એ અમારી સરકારનું પ્રાથમિક લક્ષ્ય છે. યુવાઓને શિક્ષણ માટે વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ, આધુનિક ઉદ્યોગની જરૂરીયાત મુજબ તાલીમ આપવા આઈ.ટી.આઈ. સંસ્થાઓનું અપગ્રેડેશન, આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ લેબોરેટરીની સ્થાપના, આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ સુવિધાઓ વાળા સ્પોર્ટસ એન્ક્લેવ અને કોમ્પલેક્ષ, આઈ-હબની સ્થાપના, કુટીર ઉદ્યોગ માટે વાજપાઈ બેંકેબલ યોજના માટે લોન અને સબસીડી વગેરે માટે અમારી સરકાર દ્વારા માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે તેમ,મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે અન્નદાતાનાં સંદર્ભમાં કહ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણમાં અન્નદાતાની ઉન્નતી એ જ સમાજનો સાચો વિકાસ છે. આપણાં દેશમાં કૃષિ એ માત્ર આર્થિક પ્રવૃત્તિ જ નહીં પણ ‘પ્રકૃતિની આરાધના અને ધરતીમાતાની વંદના’ કીસાન સુર્યોદય યોજના, કીસાન ક્રેડીટ કાર્ડની ધીરાણની મર્યાદામાં વધારો, પ્રાકૃતિક કૃષિ, આધુનિક ઓજારોની ખરીદી, માળખાકીય સુવિધાઓ અને અન્ય ખેડૂત કલ્યાણકારી યોજનાઓ માટે અમારી સરકાર દ્વારા માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ નારીશક્તિ અંગે કહ્યું હતું કે, ગુજરાતની મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે બદલાતા વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મીલાવી આત્મવિશ્વાસ સાથે રાજ્યની અને દેશની વિકાસયાત્રામાં ભાગ લઇ રહી છે. નમોલક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, પોષણસુધા યોજના, ટેક હોમ રાશન, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના વગેરે માટે અમારી સરકાર દ્વારા માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

અમારી સરકારે વણથંભી વિકાસયાત્રા માટે આવશ્યક પાંચ સ્તંભ એવા – સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ભાર મુક્યો છે. જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ.૬,૮૦૭ કરોડ જેટલી માતબર રકમની વિસ્તૃત જોગવાઈ કરાઈ છે, કે જેમાં પી.એમ. યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના, ગણવેશ સહાય, લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાનાં માટે સહાય, સરસ્વતી સાધના યોજના, લોન પર વ્યાજ સબસીડી જેવી અનેકવિધ જોગવાઈઓ કરી છે તેમ, મંત્રી શ્રી કુંવરજીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ.૫,૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક ઉત્કર્ષ, આર્થિક ઉત્કર્ષ અને સામાજિક ઉત્કર્ષ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓને સમાવવામાં આવી છે. જ્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૨,૭૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં શ્રમિક બસેરા યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, બાંધકામ શ્રમિકોને કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સીટી, ધન્વંતરી આરોગ્ય યોજના અને અનેક શ્રમિક કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.૫૯,૯૯૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ લેબની સ્થાપના, મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.૨૩,૩૮૫ કરોડની જોગવાઈ કરાઈ છે. વર્ષ ૨૦૨૩-૨૪નાં નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુડ હેલ્થ એન્ડ વેલ બીઈંગમાં ગુજરાતે દેશનાં તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ગૌરવ સમાન છે.

તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઈ રહી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષાને લગતી બાબતનાં વિભાગ માટે કુલ રૂ.૨,૭૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં NFSA રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ અને ચણાનાં વિતરણ, નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતાં કુટુંબોને અનાજ પુરું પાડવું, ડબલ ફોર્ટીફાઈડ મીઠાંનાં વિતરણ અને ગોડાઉનોનાં બાંધકામ માટે જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત શ્રી અન્ન (મિલેટ)નાં વપરાશને પ્રોત્સાહન આપવા ખેડૂતોને પ્રોત્સાહન બોનસ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે NFSA રેશનકાર્ડ વિનાના ગરીબોને પણ અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન અંતર્ગત અન્ન સુરક્ષાનો લાભ આપવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આંતર માળખાકિય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ કાર્યરત છે. આ વિભાગો માટે રાજ્ય સરકારે અંદાજપત્રમાં માતબર રકમ ફાળવી છે.

તેમણે કહ્યું હતું કે, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે રૂ.૨૫,૬૪૧ કરોડની જે પૈકી જળસંપત્તિ પ્રભાગ માટે કુલ રૂ.૧૩,૩૬૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વિભાગ અંતર્ગત સુજલામ્ સુફલામ્ પાઈપલાઈન યોજના, સૌની યોજના, કચ્છ માટેની યોજના, સુક્ષ્મ સિંચાઈનાં ઉપયોગ માટે જોગવાઈ કરવામાં આવી છે.

હયાત સિંચાઈ માળખાનાં વિસ્તરણ, સુધારણા અને આધુનીકિકરણ, ચેકડેમના બાંધકામ, ઉદ્ વહન સિંચાઈ યોજના, ડેમ સેફ્ટી, વિયર બેરેજનું બાંધકામ, ભાડભૂત યોજના જેવી યોજનાઓ માટે અમારી સરકાર દ્વારા માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. તે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. આદિવાસી વિસ્તારનો સમાવેશ કરતી ડાંગ જૂથ પાણી પુરવઠા યોજના, ઢાંકી થી માળીયા, ઢાંકીથી નાવડા અને ધરાઈ ભેંસાણ બલ્ક પાઈપલાઈન યોજના, ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનિટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઈમ મોનિટરીંગ માટે વોટર ફ્લો મિટર અને ઓનલાઈન ક્વોલીટી એનાલાઈઝર, પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી માટે નવીન પ્રયોગશાળાઓની સ્થાપના, ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓનાં સૂચારૂ મરામત્ત અને નિભાવણી માટે માતબર રકમની જોગવાઈ કરાઈ છે.

તેમણે કહ્યું હતું કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.૪,૨૮૩ કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.૨,૫૩૫ કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ.૧૧,૭૦૬ કરોડ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.૨૨,૪૯૮ કરોડ, ગૃહ વિભાગ માટે રૂ.૧૨,૬૫૯ કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ.૬,૭૫૧ કરોડ અને ક્લાઈમેટ ચેન્જ માટે પણ કુલ રૂ.૪૧૯ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ-આર્થિક વિકાસ માટે કામ કરી રહી છે. ખેડૂતોને વીજ સહાય, કૃષિ યાંત્રિકી કરણ, વિવિધ ઓજારોની ખરીદી, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, નેનો ખાતરનાં વપરાશને પ્રોત્સાહન, ડીઝીટલ ક્રોપ સર્વે, ખેડૂત સુવિધા રથ, મેગા ફુડ પાર્કનું નિર્માણ, પ્રાકૃતિક કૃષિ, કૃષિ શિક્ષણ, બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, ગ્રીનગ્રોથ સંબંધિત વિવિધ વિભાગોમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો સમાવેશ થાય છે. જેમાં કિસાન સૂર્યોદય યોજના, ઈલેક્ટ્રીક વ્હીકલ માટે ચાર્જીંગ સ્ટેશન, સ્માર્ટ મિટર યોજના, પી.એમ. કુસુમ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીજીનાં મિશન લાઈફ (લાઈફસ્ટાઈલ ફોર એનવાયરમેન્ટ)નાં વિચારને સાકાર કરી પર્યાવરણનાં વિકાસ માટે વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ.૩,૧૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, કે જેમાં સામાજિક વનીકરણ, વન્ય પ્રાણીની વ્યવસ્થા, ટકાઉ વન વ્યવસ્થાપન માટે પ્રોજેક્ટ, હરિતવન પથ, દરિયા કાંઠાને ગ્રીનવોલ થકી સુરક્ષિત કરવા માટે ’મિષ્ટી’ કાર્યક્રમની જોગવાઈ કરવામાં આવી છે.

તાજેતરમાં વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન ગીર સોમનાથ ખાતે વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત વાઈલ્ડલાઈફની બેઠક યોજીને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનની ચિંતા કરી હતી.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે જન સામાન્યની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીને સુશાસનની જે આગવી કેડી કંડારી છે તેનાથી, ગુજરાત દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. પાછલા બે દાયકાથી પણ વધારે સમયની રાજ્યની વિકાસયાત્રાએ ગુજરાતને દેશનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યું છે. ગુજરાત જન-કલ્યાણકારી સેવાઓના પ્રદાનમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત અનેકવિધ ક્ષેત્રોમાં દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણે નવા પ્રકલ્પો-નવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય. માનવ વિકાસ-જન સુખાકારીના તમામ પાસાંઓમાં ગુજરાત અન્ય રાજ્યોને રાહ ચીંધી શકે તેટલું સક્ષમ અને આદર્શ રાજ્ય બન્યું છે. ગુજરાતને છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી ‘ડબલ એન્જિન’ ની સરકારનો લાભ મળી રહ્યો છે. નાના-મોટા દરેક વર્ગની દરકાર લઇ ગુજરાત સરકાર સૌના ઉત્કર્ષ અને આર્થિક-સામાજિક ઉન્નતિ માટે કાર્યરત છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમારી સરકારે વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્યની પંચશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્ય સરકારનાં પંચામૃત વિકાસકામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે. પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે. સાથે સાથે દરેક ક્ષેત્રમાં છેવાડાના માનવીની ચિંતા કરી છે અને તે અંગે પગલાં લીધા છે. વિકાસ કામોના પરિણામ સ્વરૂપે તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં અમારા પક્ષને મતદારોએ સત્તાનું સુકાન સોંપ્યું છે.

મંત્રીશ્રી કુંવરજીએ કહ્યું હતું કે, રાજ્યની જનતાએ વિકાસલક્ષી કામો કરતી અમારી સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” થકી આજે ગુજરાતની વિકાસયાત્રા ઊંચા શિખર પર પહોંચી છે જે સૌ ગુજરાતીઓના પરિશ્રમને આભારી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!