પોતાના કર્તવ્ય પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારીક ભોગોને ભોગવવામાં નથી

ગીતામૃતમ્..
પોતાના કર્તવ્ય પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારીક ભોગોને ભોગવવામાં નથી.
ભગવાન અર્જુનનો ભય દૂર કરવા માટે ક્ષાત્રધર્મ સમજાવતાં ગીતા(૨/૩૧)માં કહે છે કે..
સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છે્યોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે
સ્વધર્મને(પોતાના ક્ષાત્રધર્મને) જોતાં પણ તારે વિકંપિત એટલે કે કર્તવ્ય-કર્મથી વિચલિત ન થવું જોઇએ કેમકે ધર્મયુક્ત યુદ્ધથી વધીને ક્ષત્રિયના માટે બીજું કોઇ કલ્યાણકારી કર્મ નથી.ભગવાન અર્જુનને અનેક રીતે યુદ્ધ કરવા સમજાવે છે.પ્રથમ આધ્યાત્મિક રીતે આત્માની અજર-અમરતા બતાવી સમજાવ્યું, હવે લૌકિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે.
આત્મા સ્વંય પરમાત્માનો અંશ છે.જ્યારે એ શરીરની સાથે તાદાત્મય કરી લે છે ત્યારે પોતે પોતાને જે કંઇ માનતો હોય તેનું કર્તવ્ય કર્મ સ્વ-ધર્મ કહેવાય છે.ધર્મમય યુદ્ધથી વધારે મોટું ક્ષત્રિયના માટે બીજું કોઇ કલ્યાણકારક કર્મ નથી,એવી જ રીતે બ્રાહ્મણ-વૈશ્ય અને શૂદ્રના માટે પણ પોતપોતાના કર્તવ્યનું અનુષ્ઠાન કરવા સિવાય બીજું કોઇ કલ્યાણકારી કર્મ નથી.દેહ-દેહીના વિવેકથી જે તત્વની પ્રાપ્તિ થાય છે તે જ તત્વ દેહના સદઉપયોગથી,સ્વધર્મના પાલનથી પણ પ્રાપ્ત થઇ શકે છે.વિવેકમાં જાણવું મુખ્ય હોય છે અને સ્વ- ધર્મપાલનમાં કરવું મુખ્ય હોય છે.મનુષ્ય પરમાત્મા તત્વને જાણવા ઇચ્છે છે પરંતુ તીક્ષ્ણ બુદ્ધિ અને દ્રઢ વૈરાગ્ય ના હોવાના કારણે જ્ઞાનયોગથી ન જાણી શકે તો તે કર્મયોગથી પરમાત્મા તત્વને જાણી શકે છે કારણ કે જ્ઞાનયોગથી જે અનુભવ થાય છે,તે જ કર્મયોગથી પણ થઇ શકે છે.અર્જુન ક્ષત્રિય હોવાથી ક્ષાત્રધર્મની વાત કરી છે.વાસ્તવમાં અહી ક્ષાત્રધર્મ ચારેય વર્ણોનો ઉપલક્ષણ છે.તેથી બ્રાહ્મણ વગેરે અન્ય વર્ણોએ પણ અહી પોતપોતાનો ધર્મ (કર્તવ્ય) સમજી લેવો જોઇએ.સ્વાર્થ-અભિમાન અને ફળેચ્છાનો ત્યાગ કરીને બીજાના હિતના માટે કર્મ કરવું એ સ્વધર્મ છે.સ્વધર્મનું પાલન એ જ કર્મયોગ છે.આ વાતને વધુ દ્રઢ કરતાં ગીતા(૨/૩૨)માં કહે છે કે..
હે પાર્થ ! પોતાની મેળે જ પ્રાપ્ત થયેલાં ખુલ્લાં સ્વર્ગના દ્વાર જેવાં આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ પામે છે.ગયા શ્ર્લોકમાં ક્ષત્રિયધર્મ વિશે વાત કરી,હવે આ શ્ર્લોકમાં તેના પરિણામ અને કારણની વાત કરે છે.ઇચ્છાના ત્રણ સ્તર છે.ઈચ્છા-સદઈચ્છા અને યદૃચ્છા.ઇચ્છા એટલે માત્ર ભૌતિક ઈચ્છા,સદઈચ્છા એટલે ભૌતિક નહિ તેવી સારી ઈચ્છા અને યદૃચ્છા એટલે ઈશ્વરીય સંકેત..પોતાના કર્તવ્ય પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારીક ભોગોને ભોગવવામાં નથી.સાંસારીક ભોગોનું સુખ તો પશુ-પક્ષીઓને પણ મળે છે માટે જેમને કર્તવ્યપાલનનો અવસર પ્રાપ્ત થયો છે તેમને મોટા ભાગ્યશાળી માનવા જોઇએ.
યુદ્ધ નહી કરવાથી કંઇ હાની થશે? એનું વર્ણન કરતાં ભગવાન ગીતા(૨/૩૩-૩૬)માં કહે છે કે હવે જો તૂં આ ધર્મયુક્ત યુદ્ધ નહી કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પ્રાપ્ત થઇશ..તથા બધા લોકો પણ તારી સદા રહેનારી અપકીર્તિ કહેશે એટલે કે તારી નિંદા કરશે.ગૌરવશાળી પુરૂષ માટે આપકીર્તિ મરણથી પણ વધારે દુઃખદાયી હોય છે..તથા મહારથીઓ તને ભયના કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે.જેમની ધારણામાં તૂં બહુ સન્માનિત થઇ ચુક્યો છે તેમની દ્રષ્ટિમાં તૂં તુચ્છતાને પ્રાપ્ત થઇ જઇશ..તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતાં તને ઘણાં બધાં ન કહેવા જેવાં વચનો પણ કહેશે,એનાથી વધારે દુઃખની વાત બીજી શું હશે? જો યુદ્ધમાં તૂં માર્યો જઇશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે અને જીતી જઇશ તો ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે યુદ્ધ માટે નિશ્ચય કરીને ઉભો થા.
ધર્મયુક્ત સંગ્રામ એટલે નીતિયુક્ત સંગ્રામ,ધર્મયુક્ત સંગ્રામ એટલે જવાબદારીપૂર્વકનો સંઘર્ષ અને ધર્મયુક્ત સંગ્રામ એટલે મર્યાદાપૂર્વક સંઘર્ષ.જે વિચારો મારી આધ્યાત્મિક સજાગતા દ્રઢ કરે તે ધર્મયુક્ત સંગ્રામ.જ્યારે જ્યારે આપણે આવો સંઘર્ષ કરતા નથી ત્યારે આપણું ચરિત્ર અપકીર્તિવાળું અને પાપી બને છે તેમ ભગવાન કહે છે.ધર્મો નિભાવવા માટે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે જેને આચારસંહિતા કહેવાય છે.આ આચારસંહિતા પ્રમાણે જો જીવન ના જીવીએ તો આપણને અપયશ મળે છે અને પાપ એટલે કે તેનું પરિણામ ભોગવવું પડે છે.આપણી જવાબદારીથી ભાગવાના બદલે તેનો હિંમતથી સામનો કરવો જોઈએ અને એનું સતત પાલન કરવું જોઈએ જેથી આપણને તેનો યશ મળે.જવાબદારીથી કે ફરજથી ભાગવું જોઈએ નહિ કારણ કે મારી જવાબદારીથી ભાગવું તે મને અપયશ આપનારૂં છે.
કૃષ્ણ ઉંડા માનસશાસ્ત્રથી પરીચિત છે.શ્ર્લોક(૨/૩૩)માં કહ્યું કે ધર્મયુક્ત યુદ્ધ નહિ કરે તો અપકીર્તિ મેળવશે અને તેથી આવી અપકીર્તિ એ મોટા લોકો માટે મરણ જેવી જ છે તેમ કહે છે.માણસ પોતે સાચો છે તે સાબિત કરવા નીચતાની હદ પાર કરી દે છે.મને મળેલો અપયશ સહન કરવો એ નાનીસુની વાત નથી. જે અર્જુને કોઈ દિવસ અપયશ મેળવ્યો જ નથી તે અર્જુનને ભગવાન કહે છે કે તેણે અપયશથી બચવું જોઈએ.જો કે ભગવાનનાં કામમાં નિમિત્ત બનવું છે તે ભાવના ઉભી થવી જોઈએ પછી ભલે અપકીર્તિ મળે. જીવનમાં શ્રેષ્ઠ તત્વ કીર્તિ છે.બધાને કીર્તિ મળતી નથી.કીર્તિ પાંચ રીતે મળતી હોય છે.સદાચારી જીવનથી, દાનથી,વિદ્યાથી,ધર્મયુદ્ધથી અને સેવાથી..
મહાભારતમાં એક પ્રસંગ આવે છે.ભીષ્મનાં બાણ રોકાતા નથી અને દિવસો વિતવા લાગે છે.આ વખતે યુધિષ્ઠિર અર્જુનનાં ગાંડીવ ધનુષ્યનું અપમાન કરે છે અને અર્જુન યુધિષ્ઠિરને મારી નાખવાં આવે છે એ વખતે ભગવાન કૃષ્ણ રસ્તો કાઢે છે કે મોટા લોકોની નિંદા કરવી તે તેનાં માટે મરણ સમાન છે તેથી યુધિષ્ઠિરની નિંદા કરવાનું કહે છે.આ જોઈએ તો ખ્યાલ આવે કે મોટા લોકો માટે અપકીર્તિ એ મરણ સમાન છે.આપણે પણ સમાજનાં પ્રતિષ્ઠિત વ્યક્તિને હણવા માટે અક્ષમ હોઈએ ત્યારે તેની નિંદા કરવાનું શરૂ કરીએ છીએ.આ માણસની માનસિકતા છે.સમાજમાં અફવાઓ ફેલાવીને પ્રભાવી વ્યક્તિને ખલાસ કરીએ છીએ.આમ ભગવાન અપકીર્તિ ન થાય તે માટે અર્જુનને યુદ્ધ કરવા પ્રેરે છે.ખરેખર આ અલૌકિક સંબંધ આપણા ધ્યાનમાં આવવો જોઈએ.ભગવાન મારા-તમારા જેવા લોકોના વિકાસમાં રસ લે છે.
ગઈ કાલ સુધી હરામખોરી કરતો માણસ લગ્ન થાય એટલે પત્નીનાં કહેવાથી પોતાનો રસ્તો બદલી સુધરી જાય છે.છોકરીને આંબળા જેવા ખાટા પદાર્થો ખાવાનો ચટકો હોય,ખાટી છાશ ખુબ ભાવતી હોય, એટલી ભાવે કે અનેક લોકોનાં કહેવા છતાં તે સમજે નહિ અને ખાવાનું ચાલુ રાખે,પછી તેનાં લગ્ન થાય, એક બાળક થાય,બાળકને શરદી થાય અને તે સમયે ર્ડાકટર કહે કે ખાટું ખાશો તો બાળકને શરદી મટશે નહિ,એ જ સેકન્ડે તે માની જાય છે,છાશ ખાવાની બંધ થઈ જાય કારણ કે તેને બાળકનાં ઉત્કર્ષમાં રસ છે, બાળકની કીર્તિમાં રસ છે.
જે લોકોને મારા વિકાસમાં કે મારા ઉત્કર્ષમાં રસ નથી તે તો હંમેશા નિંદા કરવાના જ.આપણે ખુબ મહેનત કરવા છતાંય જો અસફળ થતા હોઈએ,તેવા સમયે બધા જ લોકો આપણી ટીખળી કરશે,હેરાન કરશે,ચીડવશે.જ્યારે આપણને ન ગમતું આપણા વિરોધીઓ કહે તો આપણને ખુબ દુ:ખ થાય છે.વિરોધી એટલે જેને મારા વિકાસમાં રસ નથી તે.વિકાસ ઘણાં પ્રકારનાં છે,તેમાંથી કોઈને કોઈ બાબત માટે આપણને જે પરેશાન કરે છે તે બધા વિરોધી કહેવાય.અર્જુનનો સ્વધર્મ ભગવાન જગાડે છે.મહાન બનવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે તે સમજાવે છે.ધ્યેયચ્યૂય,પથચ્યૂત અને ધર્મચ્યૂત થવાને બદલે કાર્યરત રહેવું જોઈએ તો જ પ્રસિદ્ધિ અને કીર્તિ મળશે તેમ ભગવાન કહે છે.
ધર્મનું પાલન કરવાથી લોક-પરલોક બંન્ને સુધરી જાય છે.કર્તવ્યનું પાલન અને અકર્તવ્યનો ત્યાગ કરવાથી આલોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને પરલોક પણ સુધરી જાય છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300