સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.
નવીવાડીમાં શ્રદ્ધાંજલી સંત સમારોહ યોજાયો
ઉઠો-જાગો અને આત્મકલ્યાણકારી શ્રેષ્ઠ વચનોને સાંભળીને,જાણીને લક્ષ્યની પ્રાપ્તિ માટે આગળ વધો.આપણે આધ્યાત્મિક વિષયમાં સૂઇ રહ્યા હોઇએ તો તેનાથી આગળ વધીએ.અમારે વિચારવું જોઇએ કે પાપીથી અધિક પાપી પણ જો હોય અને આજે જ મરણ પામનાર હોય તો તેનું ૫ણ કલ્યાણ થઇ શકતું હોય તો ૫છી અમારી પાસે તો હજુ ઘણો સમય છે,તેમ છતાં જો અમે પોતાનું આત્મકલ્યાણ નહી કરીએ તો અમારા જેવો મૂર્ખ બીજો કોઇ નથી.અમે નહી માનીએ તો શાસ્ત્રો અને સંતોને તો કોઇ નુકશાન થવાનું નથી,નુકશાન તો અમારૂં જ થવાનું છે.સાચા સાધુ હરિગુરૂના ભક્ત(સંત) એક જ વાત સમજાવે છે કે જ્ઞાનવાન વ્યક્તિ ૫ણ જો ભક્તિ છોડી દે તો પુનઃ માયામાં ગોથાં ખાય છે,ડુબવા લાગે છે. માટે હરિ પરમાત્માની ભક્તિ કરી લઇએ.જેના ફળ સ્વરૂપે આપણા દિલનું દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર..વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે.જો કોઇ અત્યંત દુરાચારી ૫ણ અનન્ય ભક્ત બનીને મને ભજે છે તો તેને સાધુ જ માનવા યોગ્ય છે કેમકે તેણે ખૂબ સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે,એ સત્વરે એ જ ક્ષણે ધર્માત્મા થઇ જાય છે અને સદા રહેનારી પરમશાંતિને પામે છે.
સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.
ઉપરોક્ત ઉદગાર નવીવાડી ખાતે શ્રી સુભકસિંહ સોલંકીના ધર્મપત્ની અ.સૌ.જ્યોત્સનાબેનની દ્વિતિય પુણ્યતિથિ નિમિત્તે આયોજીત સંત સંમેલનમાં ગોધરાથી પધારેલ સંત નિરંકારી મિશનના વિદ્વાન પ્રચારક પ.પૂ.વિદ્યાબહેનજીએ વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમનું મંચ સંચાલન શ્રી વિનોદભાઇ માછી નિરંકારીએ કર્યું હતું. ગોધરાથી પધારેલ મહા.કાનજીભાઇ કહ્યું હતું કે સત્સંગ વિના વિવેક આવતો નથી અને પ્રભુની કૃપા વિના સત્સંગ મળતો નથી.ગુરૂ કર્યા પછી પણ શિષ્યનું જીવન ના સુધરે તો વાંક ગુરૂનો નહી પણ શિષ્યનો છે. નાવ પાણીમાં રહે તો વાંધો નહી પણ જ્યારે નાવમાં પાણી આવી જાય છે ત્યારે સંકટ ઉભુ થાય છે તેમ સંસારમાં રહીએ તેનો વાંધો નથી પણ મનમાં સંસાર આવી જાય છે ત્યારે બંધન થાય છે.બ્રહ્મદર્શન ૫છી જ્ઞાની ભક્તનો તમામમાં સમભાવ થઇ જાય છે.જેના લીધે તે જાણી જોઇને પોતાના તરફથી કોઇપણ એવું કાર્ય કરતો નથી જેનાથી તેનો કોઇ દ્વેષ કરે,તેથી બીજા લોકો ૫ણ તેને દુઃખ ૫હોચાડનારી કોઇપણ ચેષ્ટા કરતા નથી.
મનુષ્યના ઘડપણનો સહારો પૂત્ર નહી પરંતુ પૂત્રવધુ હોય છે જે સાસુ-સસરાની પૂત્રથી વધું સેવા કરે છે તેવા મહા.સુભકસિંહની બે પૂત્રવધૂઓ હેતલબા તથા કુંતાબાએ પોતાની સાસુ સ્વ.જ્યોત્સનાબેનના શ્રદ્ધાંજલી સમારોહમાં વિશેષ પધારેલ પૂ.વિદ્યાબેનનું ફુલહાર અને દુપટ્ટો પહેરાવી સ્વાગત કર્યું હતું.સ્થાનિક ભક્તો શ્રી અર્જુનસિંહ, દિનેશજી, ભારતસિંહ, કાંકણપુરના કંચનભાઇ, અમૃતબેન તથા વીરપુરથી પધારેલ નિર્મલાબેન તથા રાધાબેને સુંદર ભક્તિ રચનાઓનું ગાયન કરી મંત્રમુગ્ધ કર્યા હતા.
મહા.શ્રી ભૂપતસિંહજીએ ભક્ત નરસિંહ મહેતાના પદ અખિલ બ્રહ્માંડમાં એક તૂં શ્રીહરી જુજવે રૂપે અનંત ભાસે,દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું,પાણી તું, ભૂમિ તું ભૂધરા,વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનક કુંડલ વિષે ભેદ ન હોયે,ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,અંતે તો હેમનું હેમ હોયે…વિશે વિસ્તૃત સમજુતી આપી હતી.વીરપુરથી પધારેલ મહા.દિલિપભાઇ કહ્યું કે આત્મ કલ્યાણ માટે ભક્તિ કરવાની છે.મનુષ્ય શરીર સંસાર સાગર પાર કરવા નાવ સમાન છે.આ જીવનમાં પ્રભુને સામેલ કરવાના છે,સેવા-સુમિરણ-સત્સંગને જીવનનું અંગ બનાવીએ કેમકે મનુષ્ય જન્મએ છેલ્લો ફેરો છે આ તક ચુક્યા તો લક્ષચૌરાશી યોનિ નક્કી છે.ગોધરાથી પધારેલ ઇશ્વરભાઇ સેવકાનીએ કહ્યું હતું કે રાજા હોય કે રંક જે જન્મ્યા છે તેનું મૃત્યુ નક્કી છે.મૃત્યુ પહેલાં અમરતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લઇએ.મોટી મોટી વાતો કરીશું પણ તે અનુસાર કર્મ નહી હોય તો તેની કોઇ કિંમત નથી.આત્મા જ્યારે પોતાનું અલગ અસ્તિત્વ નથી-એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કે અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્યક્તિત્વ રહેતું નથી તેને જ મોક્ષ કહેવામાં આવે છે.
ખડોદીના મહા.જગદીશજીએ કહ્યું હતું કે આપણા મનને આપણે જ બોધ આપવો પડશે.આ માર્ગ એકલાનો છે.સાવધાન રહેજો.સંસારનો સંયોગ એ વિયોગ માટે જ હોય છે માટે આપણે સતત ભક્તિ કરીશું તો પરમાત્માના નામનો આપણને આધાર મળશે.મૃત્યુ સમયે જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે.અંતકાળે યમદુતો તેને રડાવતા નથી પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી.યમદૂત તેને મારતા નથી પણ ઘરની મમતા તેને મારે છે અને રડાવે છે.જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે છતાં વિવેક રહેતો નથી.છેલ્લે કાર્યક્રમના આયોજક શ્રી સુભકસિંહ સોલંકીએ આવેલ તમામ સંતો-ભક્તોનો આભાર વ્યક્ત કરતાં આર્શિવાદ માંગ્યા હતા કે અમારો સમગ્ર પરીવાર સેવા સુમિરણ સત્સંગમાં જોડાયેલ રહે.જીવનના અંત સમય સુધી પ્રભુ નામ સુમિરણમાં મન લાગેલું રહે અને આ રીતે અમારો આલોક અને પરલોક સુખી થાય.
રીપોર્ટઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300