આજની સંવેદના : પિડીતો કે નામ…

આજની સંવેદના : પિડીતો કે નામ…
Spread the love

શામળ નાઈ, દિયોદર

રકતપિતગ્રસ્ત અને મંદબુદ્ધિ  વાળા એકને સાચવવો મુશ્કેલ હોય ત્યારે આ ટ્રસ્ટ આટલા બધા લોકોને કેવી રીતે સાચવતું હશે ?

‘ કયારેક કોઈની લાચારીમાં જીવવાનું થાય ત્યારે તે એના માટે ખુબ કષ્ટવાળું જીવન બની રહે છે. પણ મજબુરી હોવાથી તેનાથી કંઈપણ થઈ શકતું નથી.’ આ વાકય લખવાની જરૂરીયાત એમ ઊભી થઈ કે થોડા દિવસ પહેલાં ગુરૂપૂર્ણિમાના રૂડા અવસરે હિંમતનગર જિલ્લાના રામપુરા ગામે જવાનું થયું. ગુરુપૂર્ણિમા મહોત્સવ રંગેચંગે મણાવ્યા પછી હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે, રાજેન્દ્રનગર ચોકડી ઉપર આવેલ સહયોગ  કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની મુલાકાત લેવા ગયા. આખી જીંદગીની આ એવી મુલાકાત હતી કે, જેને જીવનભર ભૂલી શકાય તેમ નથી.

જ્યારે આપણા ઘરે આપણું જ સંતાન કોઈક ગંભીર બીમારીનો ભોગ બને ત્યારે આપણે જ મોં ફેરવી લેતાના હોઈએ છીએ. હા કોઈક એવા સંવેદનાને સમજે તેવા હોય પણ ગણ્યાગાંઠયા. પરંતુ અહીં કેટલાય બાળકોને સેવા અપાઈ રહી છે. એમાં પછી તે બાળક હોય, મોટા હોય, સ્રી કે પુરૂષ હોય તેની સંભાળ વિશેષ રીતે આપવામાં આવી રહી છે.

આ સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં તમામ પ્રકારના વિકલાંગો જેવા કે તદન અપંગ, અર્ધઅપંગ, રકતપિતગ્રસ્તો, મંદબુદ્ધિ વાળા (ઓટીસ્ટીક,માઈલ્ડ મોડરેટ, પ્રોફાઈડ) માટે નિવાસી સુશ્રુષા અને તાલીમ કેન્દ્ર તથા રકતપિતગ્રસ્તોના સંતાનો માટે છાત્રાલયની સુવિધા છે જે વિકલાંગોની ગુજરાતની સૌથી મોટી રેસીડેન્શિયલ સંસ્થા તરીકે જાણીતી છે. જેમાં નિરાધાર લોકો આશરો લઈ રહ્યા છે.માત્ર આશરો લઈ રહ્યા એવું નથી. આવા લોકો પુનઃ સામાન્ય જીવન જીવી શકે તેવી તાલીમ અહીંના સ્ટાફમિત્રો દ્વારા અપાય છે.

સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટ માટે માઢીવાળા શ્રી રામુભાઈ પટેલે સામે ચાલીને વિના શરતે ૩૧.૭પ એકર જમીન દાનમાં આપી. ત્યારે ઘડીક પળ આપણને જરૂર થાય  કે આવા પણ દાનવીર હજુ આ ધરા ઉપરથી ઓછા થયા નથી. તા.૧૪-૯-૧૯૮૮ ના રોજ સૌ પ્રથમ આ કેન્દ્રમાં ર૦ રકતપિતગ્રસ્તો અને ૬ બાળકોને નવી જીંદગીના શ્વાસ લેવાનો પ્રારંભ કર્યો ત્યારથી આજ સુધી કેટલાય લોકો આ ટ્રસ્ટના આશરા નીચે જીવન જીવી રહ્યા છે.

” અય દિલ મુઝે ઐસી જગા લે ચલ..

જહાં કોઈ ના હો, અપના પરાયા મહેરબાં કોઈ ન હો..

જા કર નહીં… ખો જાઉં મેં,  નીંદ આયે ઔર સો જાઉં મૈ…

દુનિયા મુઝે ઢુંઢે મગર, મેરા નિશાં કોઈ ના હો..”

પંક્તિઓ રકતપિતગ્રસ્ત રોગવાળા લોકો વાગોળતાં હોય અને કહી રહ્યા હોય છે કે હવે એક જ આશરો ઈશ્વરનો છે. કુટુંબ પણ સાચવવા તૈયાર નથી. સમાજ પણ અવગણના કરે છે ત્યારે આવા લોકોની પડખે આ સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટ આવ્યું છે.

સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટની મુલાકાત લીધી ત્યારે અનાયાસે શબ્દો સરી પડયા કે ‘મંદિરો ઘણા જોયા, તીર્થો પણ ઘણા જોયા પરંતુ આવું પરમ પુનિત તીર્થ આજે પહેલી વખત જોયું’. જ્યારે એક મંદબુદ્ધિ બાળકને સાચવવા માબાપ તથા સગા પણ મોં ફેરવી લેતા હોય  છે ત્યારે કેટલાય વર્ષથી અવીરતપણે સેવા કરનાર ને સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી સુરેશભાઈ સોની તથા તેમની તમામ ટીમને આ ક્ષણે સલામ. તેમનો મો.નં. ૯૮રપ૦૧૧૧૮પ છે.

” ૧૯૯૪ માં સરકારી સંસ્થાવાળા ૧૪-૧૬ વર્ષની મંદબુદ્ધિ વાળી ગભરૂ એક યુવતીને સગર્ભાવસ્થામાં જ અહીં મુકી ગયેલા. તે સમયની તે ભારે ચીડીયાપણાવાળી નખ્ખોરીયા ભરતી, ગાળો દેતી અને આજે એ યુવતી ‘જેશ્રીકૃષ્ણ’ બોલતી થઈ..

મંદબુદ્ધિ વાળી આવી બહેનો અહીં રહીને યથાબુઘ્ઘિ તાલીમ લઈ રહી છે. ભાઈઓ અને બહેનોમાંથી કેટલાયના વાલીવારસોની તો કોઈ જાણ જ નથી.

મંદબુદ્ધિ વાળા પોતાને માટે અને પોતાના સ્વજનો માટે જીંદગીભર સમસ્યાઓ વધારતા રહે છે. નિષ્ઠુર સમાજ એમની હાંંસી કરી ચીઢવીને ગાંડપણ તરફ ધકેલે છે. માતા પિતા ન ચેનથી જીવી શકે, ન મરી શકે. તેમને સ્પીચથેરાપી, વર્તન સુધારણા, વોકેશનલ ટ્રેનીંગ વગેરે  જેવી તાલીમ અપાય છે. ગીત, સંગીત, રમતગમત જેવી વિશિષ્ટ તાલીમ પણ આપવામાં આવે છે.

વધુમાં આ ટ્રસ્ટમાં જુદા જુદા નગરોમાં કોલોનીઓમાં રહેતા ભિક્ષુકો કે છુટક મજુરી કરતા રકતપિત ગ્રસ્તોનાં તથા ગરીબ માબાપના બાળકો અહીં રહીને સર્વાંગી વિકાસ કરે છે. ટ્રસ્ટ તેમને મફત રહેવાની, શિક્ષણની, ભોજનની, ટયુશનની સેવાઓ આપે છે. અહીં રમતગમત, પ્રવાસ, સાંસ્કૃતિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ નિયમિત થાય છે.

અમને એ દિવસે વિશાળ જગ્યામાં બનાવેલી આ ટ્રસ્ટની મુલાકાત કરાવવામાં સહભાગી થયેલ એ કર્મચારી જ્યારે અમને ફરી ફરીને બધું બતાવી રહ્યો હતો ત્યારે અમારા માણસોમાંથી કેટલાકની આંખો ભીની થઈ ગઈ હતી. એ દ્રશ્યો જ એવા હતા કે અનાયાસે એ લાગણીસભર દ્રશ્યોથી આપણું હૃદય દ્રવી ઉઠે… અને એમાંય એક અર્ધપાગલ અને રોગથી પીડાતી એ યુવતીએ અમારી સાથે રહેલ એક ભાઈનો હાથ પકડીને પોતાના માથા ઉપર મુકયો અને ‘બાપા..’ શબ્દ બોલી ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ ઘડીકપળ સ્તબ્ધ થઈ ગયા. પાગલ કે રોગગ્રસ્ત થયા તો શુ થયું ! પ્રેમ, હુંફ, લાગણીને કોણ રોકી શકે ! ઘરવાળા પણ એમને સ્વીકારવા તૈયાર નથી ત્યારે આવનાર દરેક મુલાકાતીઓમાં તેને માવતર દેખાય છે અને એ ક્ષણે અનાયાસે બોલી જવાયું હતું કે, એક માણસને સાચવવો મુશ્કેલ હોય ત્યારે આ ટ્રસ્ટ આ રકતપિતગ્રસ્ત અને મંદબુદ્ધિ વાળા લોકોને કેવી રીતે સાચવતા હશે ? ખરેખર દાન આપવું હોય તો અહીં જ અપાય.

મોટો ડાયરો હોય ત્યાં પૈસાની રેલમછેલ થાય ઘડીક પળમાં લાખો રૂપિયાનો ઢગલો થઈ જાય છે પણ ઈશ્વરે આપ્યું હોય તો થોડાક રૂપિયા આવી સંસ્થાઓમાં આપીએ.. જેથી ત્યાં સેવા લઈ રહેલા બાળકો તો રાજી થશે પણ ઉપરવાળો પણ હરખ અનુભવશે.

અમારી સાથે રહેલા બે ચાર જણે તો એ જ દિવસે નિર્ણય કરી લીધો કે દાન કરવું તો આવા લોકો માટે.. નહીંતર ગમે ત્યાં સંપત્તિ દાનમાં આપવાથી શું ફાયદો ? અહીં રૂપિયા આવશે તો રકતપિતગ્રસ્તો અને મંદબુદ્ધિ વાળા લોકો સારી સેવા મેળવી શકશે.

આ ટ્રસ્ટમાં અમે એવા પણ લોકો  જોયાં કે બંને પતિ પત્ની પણ આ રોગથી પીડાતા હોય.. રકતપિતગ્રસ્ત રોગમાં હાથ પગની આંગળી જ ખરી પડી હોય તો એ બિચારા કામ કેવી રીતે કરી શકે…?  કામ કરવાની હામ હૈયામાં ઘણી છે પણ કંઈક આધાર તો જોઈએ ને કે જેનાથી કામ થઈ શકે.

અમે  આ ટ્રસ્ટની મુલાકાત લીધી ત્યારે તા.૧૬-૭-૧૯ હતી. આ દિવસે રકતપિતગ્રસ્તોની સંખ્યા ર૪૯, વિકલાંગોની સંખ્યા રર, અન્ય બિમારી ર, સામાજીક સમસ્યાવાળા ૬, મંદબુદ્ધિ વાળામાં ભાઈઓ રપ૦ અને બહેનો ૧૮૧, પાંજરાપોળમાં અશકત  ગાયો ૩૪ હતી.

અમને પણ એ મુલાકાત કર્યા બાદ મનમાં ઊંડે ઊંડે જરૂર થયું કે તીર્થોમાં ઘણા ફર્યા.. પ્રવાસો પણ ઘણા કર્યા..

જાત્રાઓ અને પીકનીકો પણ કરી.. પરંતુ એકાદ વાર અહીંનું દ્રશ્ય ન જોઈએ ત્યાં સુધી બીજુબધું નકામું..

અને અંતમાં,

આ ધરા ઉપર ઘણાય એવા માણસો હશે કે જેઓનો આધાર ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજું કશું નથી.. આવા લોકોની મદદે કંઈક આવીએ ત્યારે જ અંતરનો ખરો આનંદ પ્રાપ્ત થાય છે..

  • પ્રવીણ નાઈ (રતનગઢ) ની કલમે…
Avatar

Admin

Right Click Disabled!