લીંબડીની ધો. 9ની વિદ્યાર્થિનીને જાખણનો યુવક ભગાડી ગયો…
સગીર સંતાનોના હાથમાં મોબાઈલ ફોન પકડાવી દેતા માતા-પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો લીંબડીમાં બન્યો છે. કૂમળું માનસ ધરાવતાં સગીર બાળકો પર મોબાઈલ ફોનની પડતી અવળી અસરોના ઉદાહરણ કિસ્સામાં લીંબડી શહેરમાં રહેતું શિક્ષક દંપતિની 13 વર્ષ અને 5 માસની સગીરને જાખણ ગામનો તમને યુવાન લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે. 13 વર્ષની સગીરાને યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તેવો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે જે આજના સાંપ્રત સમાજ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.
લીંબડી શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી સોસાયટીમાં શિક્ષક દંપતિ બે બાળકો સાથે રહે છે. જેમાં મોટી પુત્રીની ઉંમર 13 વર્ષ અને 5 મહિના અને પુત્રની ઉંમર 9 વર્ષ છે. સગીરા ધોરણ-9માં લીંબડીની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તા.5 ફેબ્રુઆરીએ નિત્યક્રમ મુજબ બન્ને બાળકોને શાળાએ મોકલી માતા-પિતા બે અલગ અલગ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા નીકળી જાય છે.
લીંબડીની ખાનગી શાળામાં ધો-9ની પ્રીલીમનરી ટેસ્ટ ચાલતી હોવાથી પુત્રી 9 વાગ્યે છૂટી જતા તેના શિક્ષક પિતા તેને બાઈક પર ઘરે લઈ આવ્યા હતા. દંપતિ સવારે 10:15 કલાકે નોકરી માટે નીકળી ગયા હતા. સાંજે સગીરાના માતા ઘરે પહોંચ્યા પણ પુત્રી કયાં જોવા મળી નહીં આ અંગે તેમના પતિને જાણ કરી હતી. બન્નેએ આજુબાજુ રહેતા પાડોશીમાં તપાસ કરી પરંતુ પુત્રીની કોઈ ભાળ મળી નહોતી.
શિક્ષક દંપતિએ આ અંગે સગીરાના મિત્રોની પુછપરછ કરી તો જાણવા મળ્યું કે તેને જાખણ ગામના યુવાન સાથે પ્રેમ સંબંધ છે. દંપતિએ તેમના પુત્રને પુછ્યું તો 9 વર્ષના બાળકે ચોંકાવનારો કિસ્સો જાહેર કર્યો હતો. તેને જણાવ્યું હતું કે તમે નોકરીએ જાવ પછી એક છોકરો બાઈક લઈને આપણાં ઘરે અવારનવાર આવતો હતો. દીદી (સગીરા) સાથે વાત કરતો. દીદી પણ તેની સાથે “મોબાઈલ” પર વાત કરતી. દીદીએ મને કહેલું કે તે જાખણ ગામનો છે.
પુત્રની વાત સાંભળી શિક્ષક દંપતિના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ઘરે પડેલો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં બી નંબરથી સેવ કરેલો એક અજાણ્યો નંબર મળી આવ્યો હતો. તે નંબરનો ફોન બંધ આવ્યો હતો. ફોન જાખણ ગામના સંકેત હસમુખભાઈ કોળીનો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા સંકેત પણ ઘરે નહીં હોવાનું સામે આવ્યું હતું. 13 વર્ષની સગીરાના પિતાએ લીંબડી પોલીસ મથકે સંકેત હસમુખભાઈ કોળી પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)