રાજકોટ શહેરના બેડી ગામ નજીક દેખાયા જરખના પંજા

રાજકોટ શહેરની નજીક આવેલા બેડી ગામમાં ઝરખ દેખાતા ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરોમાં ભય ફેલાયો છે. અને રાતને બદલે સવારે જ ઈંટો પાડવા નક્કી કર્યું છે. બેડી ગામની નજીક કેશુભાઈના ખેતર પાસે ઈંટોના ભઠ્ઠા ચાલી રહ્યા છે. દરરોજના નિયત સમય મુજબ મજૂરો ૧ વાગ્યે ઈંટો પાડવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન રમેશભાઈ નામના મજૂરે ભઠ્ઠાથી દૂર કશુક દેખાતા ટોર્ચ કરી હતી. અને ત્રણ પશુઓની ચળકતી આંખો દેખાઈ હતી. અને દીપડો હોવાનું કહી બધાને ભાગવા કહ્યું હતું. બધા મજૂરો એક જ ઝૂંપડામાં આખી રાત ભરાઈ રહ્યા હતા. બીજા દિવસે સવારે મજૂરો બહાર આવ્યા હતા. સરપંચે વનવિભાગને દીપડો આવ્યાની જાણ કરતા ટીમ આવી હતી. અને સ્થળ પર સગડ તપાસ્યા હતા. ઈન્ચાર્જ ડીસીએફ પી.ટી. શિયાણીના જણાવ્યા અનુસાર આ ફૂટ પ્રિન્ટ દીપડાના નથી. કારણ કે, તેમાં નહોર દેખાય છે. આવા નહોર વાળા મોટા ફૂટ પ્રિન્ટ ઝરખના હોય છે. આ ઝરખ ક્યાંથી આવ્યા તે અંગે હજુ અસ્પષ્ટતા છે.
રિપોર્ટ દિલીપ પરમાર (રાજકોટ)