ગાંધીનગર ટીંટોડાના બાપુપુરાની ડો.આર.ડી. ગાર્ડી હાઇસ્કુલમાં શિક્ષિકાએ ઢોર માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી…

Spread the love

સ્કૂલમાં વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે, પરંતુ કેટલીક વખત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા કઠોર સજા આપવામાં આવે છે. ત્યારે આવી ઘણી ઘટનાઓ સર્જાતી હોય છે તે કારણે વિદ્યાર્થી ઘણી વખત ગભરાય જાય છે. ત્યારે આવી જ એક ઘટના ટીંટોડામાં બની છે. જેમાં ટીંટોડાની હાઇસ્કુલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકના રોષનો ભોગ બનવું પડયું છે. એટલું જ નહીં શિક્ષિકાએ સોટી વડે વિદ્યાર્થીને પીઠ ઉપર ઢોર માર મારતાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય બાબતે માર મારવો એ હવે કાયદેસરનો ગુનો ગણવામાં આવે છે. જેને લઇને શિક્ષકોને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, કોઇ પણ બાબતે વિદ્યાર્થીઓને મારવા નહીં તેમ છતાં હજુ પણ ઘણા શિક્ષકો ‘સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ…’ એમ જ માનીને વિદ્યાર્થીઓને સામાન્ય બાબતે પણ ખોટી રીતે મારતાં હોય છે. ગાંધીનગર નજીક આવેલાં ટીંટોડાના બાપુપુરાની ડો.આર. ડી. ગાર્ડી હાઇસ્કુલમાં પણ આવો જ એક બનાવ આજે બન્યો હતો. ત્યારે આ બનાવની વિગત એમ છે કે, ટીંટોડામાં રહેતો બજરંગ કાનાજી ઠાકોર નામનો ધોરણ-૯નો વિદ્યાર્થી આજે હિન્દીના પિરયડ વખતે શાળામાં હતો ત્યારે શિક્ષિકા વસંતીબેન પટેલ ભણાવતાં હતાં. ત્યારે પેન નહીં હોવાના કારણે બજરંગ પોતાની નોટબુકમાં કાંઇ લખતો ન હતો.

આ અંગે વસંતીબેને બજરંગને પુછ્યું હતું કે, કેમ લખતો નથી ? ત્યારે મારી પાસે પેન નથી તેવો જવાબ આપતાં શિક્ષિકા વસંતીબેન રોષે ભરાયા હતાં અને સોટી વડે બજરંગને ખૂબ ઢોર માર માર્યો હતો. પીઠના ભાગમાં ખુબ જ સોટીઓ મારી હોવાના કારણે બજરંગ રડવા લાગ્યો હતો. ત્યારે આ અંગે બજરંગના વાલી તેના કાકાને આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક શાળાએ ધસી આવ્યા હતાં. શિક્ષિકાની સોટીથી પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં બજરંગને સારવાર આપવી પડે તેમ લાગતાં તાત્કાલિક બજરંગને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને મારવો તે અપરાધ છે તેમ છતાં નાની એવી ભુલના કારણે વિદ્યાર્થીને આ ઢોર માર મારનાર શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે તો જોવું જ રહ્યું .

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!