સબ તીરથ બાર-બાર,ગંગાસાગર એક બાર..

તીર્થયાત્રા..
સબ તીરથ બાર-બાર,ગંગાસાગર એક બાર..
ગંગાસાગરને તમામ તીર્થોના પિતા કહેવામાં આવે છે.અન્ય તીર્થો કરતાં ગંગાસાગરનું મહત્વ વધુ છે એટલે તો જન-સાધારણમાં એક કહેવત પડી ગઇ છે કે સબ તીરથ બાર-બાર,ગંગાસાગર એક બાર..
પવિત્ર ગંગા નદીનો જે સ્થાને સમુદ્ર સાથે સંગમ થાય છે તેને ગંગાસાગર કહેવામાં આવે છે.ગંગા સાગર એક ઘણો જ સુંદર વન-દ્વિપનો સમુહ છે જે બંગાળની દક્ષિણ સીમામાં બંગાળની ખાડીમાં સ્થિત છે.પ્રાચિન સમયમાં તેને પાતાળ લોકના નામથી પણ ઓળખાતો હતો.કલકત્તા જતા યાત્રાળુઓ મોટા ભાગે હોડીમાં બેસીને ગંગાસાગર જાય છે.
મેળાના સમયે અહીયાં ઘણી જ ભીડ થાય છે પરંતુ બાકીના દિવસોમાં ભીડ વગરનું શાંત વાતાવરણ હોય છે.આ તીર્થ સ્થાન સાગર-દ્વિપમાં ફક્ત થોડા સાધુઓ જ નિવાસ કરે છે.આ જગ્યા વનરાજીથી ઢંકાયેલ અને લગભગ જનહીન જોવા મળે છે.આ સાગર દ્વિપમાં જ્યાં ગંગાસાગરનો મેળો ભરાય છે ત્યાંથી એક કિલોમીટર દૂર ઉત્તર દિશામાં વામનખલ સ્થાન ઉપર એક પ્રાચિન મંદિર આવેલું છે.
અત્યારે જે જગ્યાએ ગંગાસાગર મેળો ભરાય છે,અહી પહેલાં ગંગાજી સમુદ્રમાં મળતા હતા પરંતુ હવે ગંગાજીની એક નાની ધારા જ સમુદ્રને મળે છે.અહીયાં સપાટ મેદાન અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ઘનઘોર જંગલ નજરે પડે છે.મકરસંક્રાતિના દિવસે અહીયાં મેળો ભરાય છે તેમાં સમગ્ર દેશમાંથી યાત્રીઓ આવે છે તેની જગ્યા માટે કેટલાય કિમી સુધીના વિસ્તારના જંગલોને કાપવાં પડતાં હોય છે.ખાવા-પીવા માટેની હોટલો,પૂજા-પાઠની સામગ્રી તથા અન્ય સામાનની અનેક દુકાનો ખોલવામાં આવે છે.
અહીં મહર્ષિ કપિલના કોપથી બળી ગયેલા સગર રાજાના સાઠ હજાર પુત્રોનો ભગીરથે ગંગાનું અવતરણ કરાવીને ઉદ્ધાર કર્યો હતો તેથી આ સ્થળમાં ગંગાસ્નાનનું માહાત્મ્ય છે.ટાપુનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે તેથી આ મંદિરની મૂર્તિઓ કલકત્તામાં રાખવામાં આવે છે અને મેળાના સમયે અહી લાવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.આ જ રીતે કાર્તિકી પૂર્ણિમાએ પણ અસંખ્ય શ્રદ્ધાળુ યાત્રિકો ગંગાસ્નાન માટે આવે છે.અહીં આવતા યાત્રિકો મુંડન કરાવીને, સ્નાન કરીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરે છે.
આ વિશે રામાયણમાં કથા આવે છે કે પાતાળ લોકમાં કપિલ મુનિ તપસ્યા કરી રહ્યા હતા તે સમયે અયોધ્યાના સૂર્યવંશી રાજા સગરે એક અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું.તેમના અશ્વમેઘ યજ્ઞથી પોતાનું ઇન્દ્રાસન પચાવી પાડશે તેવા ડરથી ઇન્દ્રે રાક્ષસનું રૂપ ધારણ કરીને યજ્ઞનો અશ્વ ચોરીને પાતાળલોકમાં આવેલા કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો.સગર રાજાની બે પત્નીઓ હતીઃકેશિની અને સુમતિ. કેશિનીના ગર્ભથી અસમંજસ અને સુમતિના ગર્ભથી સાઇઠ હજાર પૂત્રો થયા હતા.અસમંજસ ઘણો જ ઉદ્ધત સ્વભાવનો હતો તેથી તે પ્રજાજનોને ઘણી જ તકલીફ આપતો હતો તેથી સગર રાજાએ તેને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મુક્યો હતો.
અશ્વમેઘનો અશ્વ ચોરાઇ જવાથી સગર રાજાને ઘણી જ ચિંતા થાય છે એટલે તેમને પોતાના સાઇઠ હજાર પૂત્રોને અશ્વને શોધવા મોકલે છે.સાઇઠ હજાર પૂત્રો અશ્વને શોધતાં શોધતાં પાતાળલોકમાં પહોંચી જાય છે.ત્યાં તેમને કપિલ મુનિના આશ્રમમાં યજ્ઞના અશ્વને બાંધેલો જોયો તેથી તેમને કપિલ મુનિને જ ચોર સમજીને તેમનું અપમાન કર્યું.અપમાનિત કપિલ ઋષિએ તમામ બળીને ભસ્મ થઇ જવાનો શ્રાપ આપ્યો. શ્રાપ મળતાં સગર રાજાના સાઇઠ હજાર પૂત્રો બળીને ભસ્મ થઇ જાય છે.
પૂત્રોના આવવામાં વિલંબ થયો હોવાથી સગર રાજા પોતાના પૌત્ર અંશુમાન કે જે અસમંજસનો પૂત્ર હતો તેને શોધવા માટે મોકલે છે.અંશુમાન અશ્વ અને પોતાના કાકાઓને શોધતાં શોધતાં પાતાળ લોકમાં આવે છે કે જ્યાં પોતાના સાઇઠ હજાર કાકાઓને ભસ્મ થયેલા જોઇને તમામ પરિસ્થિતિ સમજી જાય છે.અંશુમાન કપિલ મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કરી લે છે.
કપિલ મુનિ અંશુમાનને અશ્વ લઇ જવાની પરવાનગી આપે છે અને કહે છે કે જો સગર રાજાના કોઇ વંશજ પવિત્ર ગંગાજીને અહી લઇ આવે તો મૃત્યુ પામેલ સગર રાજાના સાઇઠ હજાર પૂત્રોનો ઉદ્ધાર થશે. અંશુમાન અશ્વને લઇને અયોધ્યા આવે છે.યજ્ઞ પુરો થયા પછી રાજા સગરે ત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું અને છેલ્લે પોતાના પૌત્ર અંશુમાનને રાજગાદી સોંપી સ્વર્ગે સિધાવે છે.અંશુમાને ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમને સફળતા ના મળતાં તેમના પૂત્ર દિલીપે લાંબો સમય સુધી તપસ્યા કરી તેમછતાં તેમને પણ સફળતા ના મળી. દિલીપના પૂત્ર ભગીરથે ઘોર તપસ્યા કરી ત્યારે ગંગાજીએ આશ્વાસન આપ્યું કે હું પૃથ્વી ઉપર આવું પરંતુ જ્યારે હું સ્વર્ગલોકમાંથી પૃથ્વી ઉપર આવું તે સમયે મારા પ્રવાહને કોન ઝીલશે? એવો પ્રશ્ન ઉભો કર્યો.
આ કાર્ય માટે રાજા ભગીરથે ભગવાન શિવને ગંગાજીના પ્રવાહને ઝીલવા પ્રસન્ન કર્યા.બહુ અભિમાનથી ઉતરેલા ગંગાજીને ભગવાન શિવે પોતાની જટામાં જ ગુંચવી નાખ્યાં.ભગીરથે ફરીથી તપ કરી ભોળાનાથને પ્રસન્ન કરી ગંગાજીને ભગવાન શિવ પાસેથી મુક્ત કરાવ્યાં.
ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા.ભગીરથે ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા ત્યારે શિવજીએ ગંગાજીને જટામાંથી છુટા કર્યા.ગંગાજી શિવજીના મસ્તકમાંથી સાત સ્ત્રોતોમાં ભૂમિ ઉપર ઉતર્યા. હ્યદિની પાવની અને નલિની નામના ત્રણ પ્રવાહ પૂર્વની તરફ અને સુચક્ષુ-સીતા અને સિંધુ નામના ત્રણ પ્રવાહ પશ્ચિમ તરફ અને અંતિમ એક પ્રવાહ ભગીરથના બતાવેલ માર્ગે વહેવા લાગ્યો.ભગીરથ ગંગાજીની સાથે પગપાળા ચાલી શકે તેમ ન હોવાથી તેમને એક રથ આપવામાં આવ્યો.
ભગીરથ ગંગાજીને લઇને તે જગ્યાએ આવે છે કે જ્યાં તેમના પ્રપિતામહ બળીને ભસ્મ થયા હતા તે સમયે રસ્તામાં જુહૂ મુનિનો આશ્રમ આવે છે અને ગંગાજીના પ્રવાહમાં તે ડૂબી જાય છે તેથી ક્રોધમાં આવી જુહૂ મુનિ સંપૂર્ણ ગંગાજળને પી જાય છે.ભગીરથ અને તમામ દેવતાઓ ચિંતિત થઇ જુહૂ મુનિનું પૂજન કરી ગંગાજી તેમની પૂત્રી છે તેમ કહી ક્ષમાયાચના કરી તેમને પ્રસન્ન કરે છે.ત્યારે જુહૂ મુનિ પોતાના કાનના માર્ગથી ગંગાજીને બહાર વહાવ્યા ત્યારથી ગંગાજી જુહૂસૂતા જાહ્નવી કહેવાયા.ગંગાજી તમામ સાઇઠ હજાર સગર પૂત્રોનો ઉદ્ધાર કરીને સાગરમાં ભળી જાય છે.ભગીરથ દ્વારા ગંગાજીને સ્વર્ગમાં લાવવામાં આવ્યાં તેથી ગંગાજીનું એક નામ ભાગીરથી પડ્યું છે.
પવિત્ર ગંગાજીની પૂર્વભૂમિકા જોઇએ તો ભગવાન નારાયણે વામન અવતાર ધારણ કર્યો અને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે સૌપ્રથમ પૃથ્વીને માપવા પોતાના પગને ઉઠાવ્યો ત્યારે ભગવાનના ચરણ બ્રહ્મલોક સુધી જતાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંના દિવ્યજળથી ભગવાનના ચરણ પખાળ્યા અને ચરણામૃતને પાછું પોતાના કમંડળમાં સ્થાપિત કર્યું એ જ પવિત્ર ગંગાજી કહેવાયા.આવી રીતે ગંગાજી યુગો સુધી બ્રહ્માજીના કમંડલમાં રહ્યા હતા.
જે જગ્યાએ ભગીરથે પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો હતો તે સ્થાન સાગર દ્વીપ કે ગંગા સાગર કહેવાય છે.ગંગાસાગરથી થોડે દૂર કપિલ ઋષિનું ૧૯૭૩માં એક મંદિર બનાવવામાં આવ્યું છે.અહીં કપિલ મુનિની અને ભગીરથ રાજાની પ્રાચીન મૂર્તિઓ છે જેમાં રાજા ભગીરથને પોતાની ગોદમાં લીધેલ છે તેવી ગંગાજીની મૂર્તિ છે અને બીજી બાજુ રાજા સગર તથા ભક્ત હનુમાનજીની મૂર્તિ છે.આ સિવાય અહીયાં સાંખ્યયોગના આચાર્ય ભગવાન કપીલનો આશ્રમ,મહાદેવ મંદિર,યોગેન્દ્ર મઠ,શિવ-શક્તિ મહાનિર્વાણ આશ્રમ તથા ભારત સેવાશ્રમ સંઘનું વિશાળ મંદિર આવેલું છે.
આમ ચાર-ચાર પેઢીની ઘોર તપસ્યાથી અસફળતા મળતાં હાર માન્યા વિના, હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખ્યા તો ભગીરથને સફળતા મળી.વર્તમાન સમયમાં પણ કોઇના દ્વારા અશક્ય લાગતું કામ પૂર્ણ કરવામાં આવે તો તેને ભગીરથ કાર્ય કહેવામાં આવે છે.આવો આજના માનવીઓ જીવનમાં કદાચ નિષ્ફળતા મળે તો ગભરાશો નહી.સખત પરીશ્રમ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે જ છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300