અમરાઈવાડીમા ત્રણ પુત્રો અને પત્નીએ પતિને કૂતરા બાંધવાની સાંકળથી બાંધીને માર્યો ઢોરમાર
અમદાવાદ શહેરનાં અમરાઇવાડીમાં પુત્રો રામ નહિ પણ રાવણ સાબિત થયા હોય તેવી ઘટના સામે આવી છે. પિતાએ ગાળો બોલાવાની ના પાડી તો તેના પુત્રો અને પોતાની જ પત્નીએ કૂતરાની સાંકળ બાંધી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અમરાઇ વાડીમાં આવેલી ગુપ્તાની ચાલીમાં રહેતા 43 વર્ષીય દિનેશભાઇ પરમાર છૂટક મજૂરી કામ કરે છે. તેમના ત્રીસેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને સંતાનમાં વિજય, લવલેશ અને ગોપી નામનાં ત્રણ સંતાન છે. તેમની પત્ની સુશીલાબહેન રસોડાનાં કામ કરવા જાય છે. ગઇકાલે દિનેશભાઇ કોઇ મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી આવ્યા ત્યારે તેમની પત્નીએ કહ્યું કે, ક્યાં રખડીને આવ્યા.
આટલું બોલીને તે જેમફાવે તેમ બોલવા લાગી હતી. જે બાદ સુશીલાબહેન અને તેના ત્રણ દીકરાઓ એક થઇ ગયા હતા અને દિનેશભાઇ સાથે ઝઘડો કરી તેમને મારવા લાગ્યા હતા. દિનેશભાઇને ખાટલામાં સુવડાવી તેમના જ પુત્રો અને પત્નીએ કૂતરા બાંધવાની સાંકળથી બાંધીને ઢોર માર માર્યો હતો. ઇજાઓ પહોંચતા આસપાસનાં લોકોએ તેમને મુક્ત કરાવ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. બાદમાં પોલીસને જાણ કરતા અમરાઇવાડી પોલીસ ત્યાં પહોંચી અને દિનેશભાઇની પત્ની તથા ત્રણ પુત્રો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)