હોળાષ્ટક પૂર્વે વાતાવરણમાં આવ્યો પલ્ટો : ત્રણ ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ

હોળાષ્ટક પૂર્વે વાતાવરણમાં આવ્યો પલ્ટો : ત્રણ ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ
Spread the love

રાજયભરમાં હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ વચ્ચે મિશ્ર ઋતુનો દૌર ચાલી રહ્યો છે. હોળાષ્ટક પૂર્વે અચાનકથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે ત્યારે હાલ ત્રણેય ઋતુનો અહેસાસ થતો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા ચાર દિવસથી લઘુતમ અને મહતમ તાપમાનમા સામાન્ય વધારા-ઘટાડા સાથે સવારે અને રાત્રે ફુલ ગુલાબી ઠંડી અને ગરમીનો માહોલ જળવાઇ રહ્યો છે.
રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટન ડિસ્ટબન્સના લીધે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું.

૨૪ કલાકમાં જ ઋતુનાં ત્રિવિધ રંગો જોવા મળ્યા હતા. આ દરમિયાન અનેક વિસ્તારોમાં વહેલી સવારે ૬૫ થી ૮૦ ટકા ભેજ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને રોડ-રસ્તા પર ઝાકળવર્ષા ફરી વળી હતી. આજે વહેલી સવારે રાજકોટમાં ઝાકળવર્ષા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. પોરબંદર, ભુજ, કંડલા, અમરેલી સહિત ઠેર-ઠેર આવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ હજુ આજે આખો દિવસ વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે વાતાવરણ વાદળીયું રહેશે તેમજ અમદાવાદ, બરોડા અને સુરત સહિતનાં શહેરોમાં માવઠુ પડે તેવી શકયતા સેવાઈ રહી છે. હજુ આગામી બે અઠવાડિયા એટલે કે હોળી-ધુળેટી સુધી મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે.

હાલ રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે રાજયભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને લઈને જગનો તાત ચિંતામાં મુકાયો છે. ખાસ તો રવિ પાક અને કેરીના પાકને વાદળછાયા વાતાવરણનાં કારણે નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ છે જોકે બપોર થવાની સાથે જ અસહય ગરમી થતા લોકો પરેશાનીમાં મુકાયા છે અને શરદી, તાવ સહિતની બિમારીઓ ઘર કરી ગઈ છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૮.૮ ડીગ્રી અને મહતમ તાપમાન ૩૫ ડિગ્રી ઉપર પહોંચ્યું હતું જોકે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સોમવાર બાદ ગરમીનું પ્રમાણ ૨ થી ૩ ડિગ્રી વધશે અને હોળી-ધુળેટી સુધી લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી શકયતા જોવા મળી રહી છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

IMG-20200229-WA0026.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!