મોરબીમાં સરેઆમ થયેલી હત્યાનો આરોપી પેરોલ પર છૂટીને ફરાર
- રાજકોટની મધ્યસ્થ જેલમાં રહેલા આરોપીના પેરોલ પુરા થયા બાદ હાજર ન થયો
મોરબી : ગત મેં માસમાં નટરાજ ફાટક પાસે ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યામાં સંડોવાયેલો આરોપી રાજકોટની મધ્યસ્થ જેલમાંથી પેરોલ મેળવી પેરોલ પુરી થવા છતાં હાજર ન થતા પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. ગયા વર્ષે મેં માસમાં મોરબી શહેરના નટરાજ ફાટક પાસે ધ્રુવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજા નામના ટ્રાવેલ્સના ધંધાર્થીની તેના જ બે ભત્રીજાઓ સહિત અન્ય શખ્સોએ જાહેરમાં બેરહેમી પૂર્વક હત્યા કરી હતી. જે તે સમયે હત્યાના આરોપીઓની ધરપકડ કરી ફરિયાદીની રજૂઆતના આધારે રાજકોટની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યા હતા.
આ દરમ્યાન હત્યાના મુખ્ય આરોપી મૂળ સરવડના અને હાલ ગ્રીનચોક પાસે રહેતા જયરાજસિંહ વિજયસિંહ જાડેજાએ ત્રણ દિવસના પેરોલ મેળવ્યા હતા. જો કે ત્રણ દિવસના પેરોલ પુરા થયા બાદ આરોપી જેલમાં હાજર ન થતા પોલીસે આરોપી વિરુદ્ધ પેરોલ જમ્પ કરવાનો ગુન્હો નોંધવાની તજવીદ આદરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે ટ્રાવેલ્સના ધંધાકીય કારણોસર આરોપીએ અન્ય સાગરીતો સાથે મળી તેના સગા કાકાનું ઢીમ ઢાળી દીધું હતું. જે તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ હવાલે કર્યા હતા.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી