બાતમી આધારે ગુમ થયેલ સોનલબેનને શોધી કાઢતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.
જૂનાગઢ શહેર ખાતે માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે.
તા. 14.03.2020 ના રોજ દિવસ દરમિયાન જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતી સોનલબેન ઉર્ફે સોની નારણભાઇ ભાલીયા ઉવ. 20 રહે. દોલતપરા, કિરીટનગર, જૂનાગઢ ઘરેથી કોઈને કહયા વગર નીકળી ગયેલ હતી. જે અંગે એ ડિવિઝન પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, જૂનાગઢ ડિવિઝન ના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.પી.ગોસાઈ, પો.સ.ઇ. વી.આર.ચાવડા તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, ભાનુભાઈ, રમેશભાઈ, મહિલા પો.કો. સંગીતાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેકનીકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સથી મળેલ બાતમી આધારે ગુમ થયેલ સોનલબેનને શોધી કાઢી, પોતાના પરિવારજનો અવાર નવાર ઠપકો આપતા હોય તથા શાંતિથી રહેવા ના દેતા હોય, પોતાને પોતાના ઘરે નહીં જવાની હઠ પકડી હતી.
પોલીસ દ્વારા ત્રણ કલાક માથાકૂટ કરી, છેલ્લે યુવતી પોતાના બહેન બનેવીના ઘરે જેતપુર જવા તૈયાર થતા, મળી આવેલ યુવતીને સમજાવી, તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવી, ગુમ થયેલ યુવતીને સોંપવામાં આવેલ. પોતાની ગુમ થયેલ દીકરીની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા લોકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ