જૂનાગઢ જિલ્લામાં મનરેગાના માધ્યમથી રોજગારી મેળવતા 16994 શ્રમિકો
- જિલ્લામાં ૧૬૫ મનરેગાના કામો કાર્યાન્વિત
જૂનાગઢ : ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક રોજગારી આપવા જૂનાગઢ જિલ્લામાં ૧૦૪ ગ્રામ પંચાયતમાં ૧૬૫ મનરેગાના કામો કાર્યરત છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યરત આ કામો થકી દૈનિક ૧૬૯૯૪ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. ઉનાળાના સમયમાં શ્રમિકોને પોતાના ગામમાં સ્થાનિકે રોજગારી મળે તે ખૂબ જરૂરી છે. આ બાબતને ધ્યાને લઇ હાલ જૂનાગઢ જિલ્લામાં મનરેગાના માધ્યમથી ૧૬૯૯૪ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.
છેલ્લા ત્રણેક અઠવાડિયાંથી મનરેગાના કામો શરૂ થયા છે. જિલ્લામાં ૧૨૩ ગામના લોકોને રોજગારી આપવા રૂ.૧૩૨૨.૨૭ લાખના ૧૩૪ નવા કામોને વહિવટી મંજુરી આપવામાં આવી છે. મનરેગાના કાર્યો દ્વારા અત્યાર સુધીમાં ૧,૩૪,૧૧૪ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે. અને રૂ.૧૭૬.૮૧ લાખની ચૂકવણાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રોજગારી મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ મનરેગા યોજના છે.
મનરેગામાં રોજગારી મેળવતા પ્રભાતપુરના શ્રમિકોના પ્રતિભાવ
જૂનાગઢ પાસેના પ્રભાતપુર ગામે છેલ્લા ત્રણ અઠવાડિયાથી તળાવ ઉંડુ કરવાનું કામ ચાલુ છે. અહિં ૧૦૨ ઉપરાંત શ્રમિકો રોજગારી મેળવે છે. ઉનાળાને ધ્યાને લઇ કામનો સમય સવારે ૮ થી બપોરના ૨ કલાક સુધીનો છે. અહિં રોજગારી મેળવતા સંજય મકવાણા અને રવિરાજ મકવાણા એ કહ્યું કે, સ્થાનિકે રોજગારી મેળવવા મનરેગા યોજના ખૂબ ઉપયોગી છે. આવા કામો સતત ચાલુ રહેવા જોઈએ.
લોકડાઉનમાં બેરોજગાર લોકો માટે મનરેગા આશીર્વાદરૂપ છે. લોકડાઉનમાં કોલેજ બંધ હોય સુભાષ ટેક્નિકલ કોલેજમાં એમ.સી.એ. નો અભ્યાસ કરતી રિદ્ધિ ચૌહાણે કહ્યું કે લોકડાઉનમાં રોજગારી મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ હાલ તો મનરેગા યોજના જ છે. મનરેગાના કામો સતત કાર્યરત રહે તે જરૂરી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ