રાજકોટ : બાઇક પર માસ્ક પહેર્યા વગર નીકળનારને પોલીસે અટકાવતા શખ્સે ધમાલ મચાવી

રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસે આ મામલે હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ખીહડીયાની ફરિયાદ પરથી કૌશલ રમેશભાઇ મછોયા રહે. કનકનગર શેરીનં.૬ ની સામે ફરજમાં રૂકાવટ, ધમકી સહિતની કમલ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, શૈલેષભાઇ અન્ય પોલીસ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ અને ટ્રાફિક બ્રિગેડ સહિતની સાથે સાંજે લોધાવડ પોલીસ ચોકી પાસે રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળનાર સામે કાર્યવાહી કરતા હતા. તે સમયે બાઇક પર નીકળેલા આરોપી કૌશલ અને તેની સાથેની એક યુવતીને માસ્ક પહેર્યા વગર નીકળતા અટકાવ્યા હતા. જેથી આરોપી તેનું બાઇક સાઇડમાં પાર્ક કરી પોલીસ સ્ટાફ પાસે આવતા તેને માસ્કનો રૂ.૨૦૦ દંડ ભરવો પડશે.
તેમ કહેતા આરોપીએ ‘મારી પાસે માસ્ક કે રૂમાલ નથી તો મારે શું કરવું, હું મારા પહેરેલા શર્ટને કાઢી માસ્ક તરીકે મોઢા ઉપર બાંધી લઉ’ કહી જાહેર રોડ ઉપર ધમાલ મચાવી શટના બટન ખોલવા લાગ્યો હતો. જેથી પોલીસે આમ કરવાની ના પાડતા રોડ ઉપર જ આરોપી ગાળો બોલી બુમાબુમ કરવા લાગ્યો હતો. તેમજ પોલીસ સ્ટાફને જોઇ લઇ જાનથી મારી નાખીશ જણાવી ધમકી આપવા લાગ્યો હતો. આથી પોલીસે તેને ચોકીમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને તેના હાથમાં રહેલી કોઇ વસ્તુ પોલીસમેનના માથે કપાળના ભાગે મારી દેતાં ઇજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. એટલું જ નહીં કાનના પાસે નખના ઉઝરડાથી પણ ઇજા કરતા અન્ય પોલીસ સ્ટાફે તેને ખુરશી પર બેસાડી દીધા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)