કોંગ્રેસના પૂર્વ 5 ધારાસભ્યોના કેસરિયા, કમલમ ખાતે ઉત્સવનો માહોલ
ગુજરાતનાં રાજકારણમાં ખૂબ મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાંથી રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપનારા 8 ધારાસભ્યો પૈકીનાં 5 ધારાસભ્યોએ ભાજપની કમલમ ખાતેની ઓફિસે ભગવો ધારણ કર્યો છે. જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જીતુ વાઘાણીની હાજરીમાં કોગ્રેસનાં 8 પૈકીનાં 5 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. આ ધારાસભ્યોમાંથી અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીનાં પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણનાં પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયાનો સમાવેશ થાય છે.
અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જોડાયા BJPમાં
અબડાસાની બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાં બાદ હવે પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાશે. આ દરમિયાન તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “વિકાસ રાહ માટે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. હું સરપંચ હતો ત્યારથી જ ભાજપ સાથે હતો. શક્તિસિંહ અને સમાજને કારણે હું કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ વિપક્ષ તરીકે વિસ્તારનો વિકાસ શક્ય ન હતો. ત્યારે હવે ભાજપમાં જોડાવવા જઈ રહ્યો છું. અબડાસા બેઠકની પેટા ચૂંટણીમાં હું ભાજપમાંથી જ લડવાનો છું. આ પેટા ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે.”
પૂર્વ MLA જેવી કાકડિયાનું નિવેદન
આ મામલે કૉંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું હતું કે, “હું આજે કમલમમાં જવાનો છું. મારા મતવિસ્તારનાં તમામ કામ હું પૂર્ણ કરવા માટેનો વિશ્વાસ અપાવું છું. મારી સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ભાજપમાં જોડાઈને હું મારા વિસ્તારનાં જે કઇ પણ અધૂરા કામ છે તે પૂર્ણ કરીશ.”
આ પૂર્વ ધારાસભ્યોનાં નામ પર અટકળો
આજે જે પૂર્વ ધારાસભ્યોનાં નામ સામે નથી આવ્યાં તેમાંનાં લીંબડીનાં સોમા ગાંડા પટેલ, ગઢડાનાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂ, ડાંગનાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજુ પ્રવેશોત્સવમાં સામે નથી આવ્યું. જેને લઇને આ ધારાસભ્યોને ભાજપ પેટાચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે એક મોટો સવાલ છે.
5 ધારાસભ્યોને વિધાનસભામાં ટિકિટ મળશે
ભાજપ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યોમાંથી માત્ર 5 ધારાસભ્યોને વિધાનસભાની પેટાચૂંટણીની ટિકિટ આપશે. જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીનાં પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણનાં પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયાનાં નામનો સમાવેશ થાય છે.
કોંગ્રેસનાં 8 ધારાસભ્યોએ આપ્યાં રાજીનામા
1. મોરબી – બ્રિજેશ મેરજા
2. કપરાડા – જીતુભાઈ ચૌધરી
3. કરજણ – અક્ષય પટેલ
4. ધારી – જે.વી.કાકડિયા
5. લીંબડી – સોમા પટેલ
6. અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા
7. ગઢડા – પ્રવિણ મારૂ
8. ડાંગ – મંગળ ગાવિત
જાણો કયા-કયા ધારાસભ્યો કેસરિયો ધારણ કરશે?
1. પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય, અબડાસા
2. અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય, કરજણ
3. બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય, મોરબી
4. જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય, ધારી
5. જીતુ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય, કપરાડા
રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)