મોરબીના ભડિયાદ ગામ પાસે યુવાનની હત્યા : બે શખ્સો સામે ગુનો નોંધાયો

Spread the love
  • હાલ મોરબી તાલુકા પોલીસે હત્યાના બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ભડિયાદ ગામે સીરામીક કારખાના પાસે યુવાનની લાશ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. લાશ ઉપર ઇજાના ચિહ્નનો દેખાતા પોલીસે લાશનું પીએમ કરાવ્યું હતું. જેમાં યુવાનનું માર મારવાથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે યુવાનની હત્યા કરવાના બનાવમાં બે શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 11 વાગ્યાની આસપાસ મોરબીના ભડિયાદ ગામે આવેલ મિલેનિયમ વિટ્રીફાઇડ કારખાનાના ગોડાઉન પાસે ખુલ્લી જગ્યાએ ઢગલા પાસે મનોજભાઈ માધુરસીંગ પરમાર (ઉ.વ. 21) નામના યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં મોરબી તાલુકા પીએસઆઇ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા યુવાનના શરીરના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા.

આથી, પોલીસે આ બનાવનું કારણ જાણવા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી અને પીએમમાં મૃતક યુવાનનું મારવાથી મોત થયું હોવાનું ખુલતા પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં બલરામ રમેશભાઈ આદિવાસી અને રાયસંગ અમરસંગ નામના બે શખ્સોએ આ યુવાનને માર મારીને પતાવી દીધો હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હાલ આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!