રાજકોટ હાઇવે પર ઉભેલી યુવતીને બાઇકમાં લિફ્ટ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ
- યુવતીની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુન્હો નોંધાયો
ટંકારા : ટંકારાના મિતાણા ચોકડી પાસે રાત્રીની સમયે રાજકોટ જવા માટે વાહનની રાહ જોતી યુવતીને બાઈક પર આવેલા બે શખ્સોએ રાજકોટ જવા માટે બાઇકમાં લિફ્ટ આપવાનું કહીને યુવતીને બેસાડી મિતાણા નજીક લઈ જઈને એક શખ્સે યુવતી સાથે મારકૂટ કરી બળજબરીથી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ ટંકારા પોલીસે યુવતીની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી આ બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મુંબઈની વતની અને હાલ રાજકોટ રહીને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી 28 વર્ષની યુવતી ગત તા.13 ના રોજ ટંકારા કામ અર્થે આવી હતી અને ત્યાં કામ પતાવીને રાત્રીના સમયે પરત રાજકોટ જવા માટે મિતાણા સુધી વાહન મળતા તે મિતાણા ચોકડી પાસે અન્ય વાહનોની રાહ જોતી ઉભી હતી. તે સમયે ડબલ સવાર બાઇકમાં આવેલા બે શખ્સોએ આ યુવતીને રાજકોટ સુધી પોતાના બાઇકમાં લિફ્ટ આપવાનું કહીને બેસાડી હતી.આ બન્ને શખ્સો રાજકોટ લઈ જવાની બદલે યુવતીને બાઇકમાં બેસાડીને મીતાણા ગામની સીમમાં લઈ ગયા હતા. જ્યાં પોત પ્રકાશીને બેમાંથી એક શખ્સે યુવતીને મારકુટ કરી બળજબરીથી યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
આ યુવતી ઉપર એક શખ્સે બળાત્કાર ગુજાર્યા બાદ બન્ને શખ્સો યુવતીને ત્યાં જ મૂકીને બાઈક ઉપર નાસી છૂટ્યા હતા. બાદમાં યુવતી અન્ય વાહન મારફત રાજકોટ પહોંચી હતી. જ્યાં ગઈકાલે યુવતીને દુખાવો ઉપડ્યા બાદ તે રાજકોટમાં ગાયકોનોલોજીસ્ટ પાસે ચેક કરાવતા આખો મામલો બહાર આવ્યો હતો. આથી, ગઈકાલે યુવતીએ હિંમત કરીને આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે મોબાઈલ એપ ટ્રુ કોલરના આધારે બેમાંથી એક શખ્સ ઉર્વેશ હોવાની ઓળખ મળી હતી. હાલ પોલીસે યુવતીની ફરિયાદ પરથી એક શખ્સ સામે દુષ્કર્મ અને બીજા શખ્સ સામે મદદગારીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા તપાસ ચાલવી રહ્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી