મોરબી જિલ્લો બન્યાને 6 વર્ષથી વધુ સમય થવા છતાં હવામાન વિભાગની કચેરી હજુ હવામાં
- હવામાન કચેરી કાર્યરત ન થતા ઠંડી અને ગરમીના તાપમાનની માહિતીનો અભાવ
મોરબી : મોરબી જિલ્લો બન્યો એને 6 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. પણ ખરેખર તો આ જિલ્લો ખાલી નામનો જ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જિલ્લા માટે અતિ મહત્વની હવામાન વિભાગની ઓફિસ હજુ સુધી કાર્યરત ન થતા લોકોને ઠંડી અને ગરમીના તાપમાન વિશે સાચી માહિતી જ મળતી નથી. મોરબીમાં કેટલી ઠંડી પડી તેની માહિતી જ મળતી હોવાથી લોકો મુંઝવણમાં મુકાઈ જાય છે. હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે અને મોરબી જિલ્લામાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પણ મોરબી જિલ્લામાં તાપમાનનો પારો કેટલો નીચે ગગડયો તેની કશી જ જાણકારી મળતી નથી.
કારણ કે મોરબી જિલ્લામાં હજુ સુધી હવામાન વિભાગની ઓફિસ જ કાર્યરત થઈ જ નથી. પરિણામે લોકોને ઠંડી અને ગરમીના તાપમાન વિશે માહિતી મળતી નથી. હાલ શિયાળામાં સરેરાશ 8 થી 9 ડીગ્રી સુધી ઠંડી પડી રહી છે એવું ગૂગલમાં દર્શાવે છે. પણ ઠંડીની સાચી વિગતો હવામાન વિભાગ પાસેથી જ મળતી હોય છે. મોરબીમાં હવામાન વિભાગની કચેરી કાર્યરત ન થવાથી મોરબીમાં ઠંડી અને ગરમી ઉપરાંત હવામાનની કેવી સ્થિતિ તે અંગે માહિતી મળતી નથી. અગાઉ આ બાબતે અનેક રજુઆત થઈ છે પણ હજુ આ દિશામાં નક્કર કાર્યવાહી થઈ નથી. તેથી, મોરબીમાં તાકીદે હવામાન કચેરી શરૂ થાય તેવી લોકોએ માંગ ઉઠાવી છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)