સીરામીકના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગતા 3 બાળકો દાઝયા

Spread the love
  • પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલી 2 બાળકી અને 1 બાળકની હાલત ગંભીર

મોરબી: મોરબી નજીક આવેલા સિરામિક યુનિટના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે આગ લાગતા શ્રમિકનાં ત્રણ સંતાનો ગંભીર રીતે દાઝી જતાં પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. તાલુકા પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા બંધુનગર ગામ નજીક આવેલ ફોરમ ટાઇલ્સ નામના કારખાનાના લેબર કવાટર્સમાં ગઈકાલે રસોઈ બનાવતા સમયે ક્વાર્ટરમાં આગ લગતા શ્રમિકના ત્રણ સંતાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેય બાળકોને સૌ પ્રથમ સારવાર માટે વાંકનેર હોસ્પિટલે લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસસર મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલા બંધુનગર ગામ પાસે ફોરમ ટાઇલ્સ નામના સિરામિકના કારખાનામાં ગઈકાલે બપોરના ૧૧ વાગ્યાના અરસામાં લેબર ક્વાર્ટરમાં રહેતા મજૂર બામિદેત પંડિતના ત્રણ સંતાનો ક્વાર્ટરની અંદર જ હતા એ દરમ્યાન તેની મોટી પુત્રી 15 વર્ષીય શંકુતલાએ રૂમની અંદર રસોઇ બનાવવા માટે ગેસનો બાટલો ચાલુ કર્યો હતો. એ રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી ત્યારે જ અચાનક કોઇ કારણોસર ગેસના બાટલામાં આગ લાગી હતી. આ સમયે રૂમની અંદર રહેલ શંકુતલા (ઉંમર વ.15), નાનોભાઈ કરુણાશંકર (ઉંમર વ. 7) અને તેની નાની બેન અનુસરી (ઉંમર 5) ગંભીર રીતે દાઝી ગયા હતા.

રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પાડોશમાં રહેતા શ્રમિકોએ દરવાજો તોડીને ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા. ત્રણેય બાળકો ગંભીર રીતે દાઝી ગયા હોય તાત્કાલીક સારવાર માટે તેઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે વાંકાનેર સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે હાલમાં ત્રણેય બાળકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ મકવાણાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Janak Raja

Janak Raja

Right Click Disabled!