મોરબી : પલ્ટી મારી ગયેલી કારમાં રાજકોટના બે પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા હતા

મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બચેલા દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર પડદો પાડવા કરવા કાર ચાલકે સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસ પર પણ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત પ્રાથમિક તબક્કે જ મોરબી પોલીસને જાણ થઈ હતી કે કારમાં સવાર બન્ને આરોપી પોલીસ તંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ જ છે. આમ છતાં મોરબી પોલીસે કાયદો કાયદાનું કામ કરશે જ એવું દ્રઢપણે જણાવી બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ જાંબુડિયા ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે કાળા કલરની એક સ્કોર્પિયો કાર નંબર GJ- 03 L- 4455 પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં દારૂ ભરેલો હોવાથી તેમાંથી રોડ પર દારૂ ઢોળાયો હતો. આ સમગ્ર ઘટના પર પડદો પાડવા કારમાં સવાર બે શખ્સોએ બીજી ઇકો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે, આ સમયે સ્થળ પર એકઠા થયેલા લોકો પર કારમાં સવાર લોકોએ ભારે રોફ જમાવ્યો હતો અને સ્થળ પર આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી. દારૂ ભરેલી કારનો ચાલક અણછાજતું વર્તન કરીને તેમજ રોફ જમાવીને રોડ બ્લોક કરી દેતા ટ્રાફિકજામ પણ થયો હતો.
દારૂ ભરેલી આ કારમાં સવાર રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા રહે. રિબડા અને 28 વર્ષીય પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા રહે. બામણબોરની અટકાયત કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. ઉક્ત બનાવમાં વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 18720 તથા બિયર ટીન 32 કિંમત રૂપિયા 3200 કુલ રૂપિયા 21920 તથા બે મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા 5,46, 920નો મુદ્દામાલ ઝપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરી છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)