દંડમાં રકઝક: શહેરમાં લાગેલાં સ્પિડ લિમિટના બોર્ડ વિવાદનું કારણ

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાગેલી સ્પીડ લિમિટના બોર્ડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યા છે. ફરતા થયેલા મેસેજમાં સ્પીડ લિમિટમાં ટ્રાફિક વ્યવસ્થા કે રોડ સેફ્ટિને પ્રાથમિકતા અપાઈ ન હોવાનો આક્ષેપો થયા છે.
મળેલી માહિતી પ્રમાણે, જિલ્લા ટ્રાફિક પોલીસે સરકારના સપ્ટેમ્બર-2019ના પરીપત્ર મુજબ નક્કી થયેલી સ્પીડ લિમિટના બોર્ડ તૈયાર કરી જે-તે સમયે નક્કી કરેલી કેટલીક જગ્યાઓ પર બોર્ડ લગાવાયા હતા. કોરોનાકાળ બાદ ટ્રાફિક પોલીસે સ્પીડ ગનથી મેમોની કામગીરી તેજ બનાવી હતી. જેને પગલે અનેક સ્થળે વાહનચાલકો સ્પીડ લિમિટ અંગે ખબર જ ન હોવાનું કહીં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યાના બનાવો પણ બન્યા હતા.
જેને પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના દરેક રસ્તા પર અનેક જગ્યાએ ગતિ મર્યાદાના બોર્ડ મારી દેવાયા છે. તેમજ ઠેર-ઠેર લાગેલા બોર્ડને પગલે સ્પીડ લિમિટનો મુદ્દો સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સામાન્ય રીતે કાર કરતાં બસની સ્પીડ લિમિટ હંમેશા ઓછી રખાય છે પણ અહીં ઊંધું છે. જેમાં પ્રાઇવેટ કારની સ્પીડ 40 રખાઈ છે જ્યારે એ જ કાર ટેક્સી થઇ જાય ત્યારે સ્પીડ 50ની કરવાની છૂટ છે.