મકાન પચાવી પાડવા મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ સેક્ટર-24માં 32 વર્ષે મકાન પચાવી પાડવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે ફાળવેલા મકાનમાં 1989થી એક શખ્સે ગેરકાયદે કબ્જો કરી લીધો હોવાનો દાવો કરાયો છે. કલેક્ટર કચેરીમાં અરજી બાદ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધવાના આદેશ થતાં સે-21 પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
87 વર્ષીય દલીચંદ સુખલાલ મહેતા(રહે-પ્રેમરસ સોસા. ખાનપુર)એ આ અંગે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 1978માં ગુજરાત હાઉસિંગ બોર્ડના ડ્રોમાં સે-24 ડબલ ડેકર મકાન નં-453 તેમને લાગ્યું હતુ. જેની લોન કરાવીને તેના હપ્તા તેઓ ભરતા હતા, તેઓ અમદાવાદ ખાતે રહેતાં હોવાથી અહીં ઘર બંધ રાખ્યું હતું.
14 ડિસેમ્બર 1989માં તેમના પર ગુજરાત હાઉસિંગ બોર્ડનો પત્ર આવ્યો હતો, જેમાં તેઓને મળેલું મકાન કમરૂદ્દીન ફજલુદ્દીન કુરેશીને અનઅધિકૃત રીતે વેચી મારવા બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. તેઓ મકાન કોઈને પણ વેંચ્યુ ન હોવાનો જવાબ રજૂ કરીને ઘરે જઈ તપાસ કરતાં ઘરમાં ખુલ્લુ હતું. દલીચંદ મહેતાએ કમરૂદ્દીનને ઘર ખાલી કરી દેવા કહીંને તે સમયે પોલીસને જાણ કરી હતી. જોકે તેણે ઘર ખાલી ન કરીને 1991માં કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને પછી વીડ્રો કરી લીધો હતો.
ત્યારબાદ તેણે 1998માં ફરી દાવો કરતાં કોર્ટે દાવો કાઢી નાખ્યો હતો. જેની સામે તેણે ડીસ્ટ્રીક કોર્ટમાં 2019માં દાખલ કરતાં ત્યાંથી પણ દાવો કાઢી નખાયો હતો. આ કેસમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે ફાળવેલા મકાનમાં 1989થી એક શખ્સે ગેરકાયદે કબ્જો કરી લીધો હોવાનો દાવો કરવામા આવ્યો છે ત્યારે હવે આ મામલે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનુ રહ્યું.