મારૂ ગામ કોરોના મુક્ત ગામ વંથલી તાલુકાના ધંધુસર ગામમાં ૧૦ બેડનુ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું

હાલ ૪ દર્દી સારવાર હેઠળ
જૂનાગઢ :કોરોનાની બીજી લહેરમાં કોવિડ-૧૯નું સૌથી વધુ સંક્રમણ ગામડાઓમાં થયું છે. ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા ગામડાઓને કોરોના મુક્ત કરવા મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન હાથ ધર્યું છે.
મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન સાર્થક કરવા હાલ ધંધુસર ગામના વિવેકાનંદ બાગ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ધંધુસર ગામ ૭૦૦૦ વસ્તી ધરાવે છે. ગામના સરપંચશ્રી અરજણભાઇ દિવરાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોમાં ગામમાં અંદાજે ૩૦૦ જેટલા કોરોનાના કેસ આવ્યા છે. ત્યારે ગામમાં કોરોના સંદર્ભે લોકજાગૃતિ લાવવામાં આવી હતી. ગામમાં ૨૫ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન કરાયું હતું. તેમજ કોવિડ-૧૯ની સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરાવાયું હતું.
અરજણભાઇએ કહ્યું હતું કે, ગામ લોકોના સહયોગથી તેમજ ગામના યુવાનોની મદદથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલ મારૂ ગામ કોરોના મુક્ત અભિયાનને સફળ બનાવવા ગામમાં ૧૦ બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. જેમાં ૪ બેડ ઓક્સીજન સાથે છે. હાલ અહિં ૪ દર્દી સારવાર હેઠળ છે. દર્દીઓને ભોજન, નાસ્તો, દવા સહિતની તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.
અરજણભાઇએ વધુમાં કહયુ કે, ગામડે-ગામડે કોવિડ કેર સેન્ટરની સુવિધા થાય એ જરૂરી છે. જેથી શહેરમાં હોસ્પિટલોમાં લોકોને જવાની હેરાનગતી ન થાય.તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં થી ભારણ પણ ઓછુ થાય. ગામ લોકો એ સાથે મળીને કોરોના સામેની લડાઈમાં જે સરકાર શ્રી ની માર્ગદર્શિકા છે તે મુજબ અમલવારી કરે છે. સાથે જ રસીકરણ માટે ગ્રામજનો એ જાગૃતિ દેખાડી છે. જેના પગલે આવતા દિવસોમાં ધંધુસર ગામ સંપૂર્ણ કોરોના મુકત બનશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ