કેપિટલ રેલવે સ્ટેશન પાસેનો અંડરપાસ લોકાર્પણ વગર જ લોકોએ ખુલ્લો મુકી દીધો…!

કેપિટલ રેલવે સ્ટેશનને અડીને આવેલો અંડરપાસ મંગળવારથી નાગરિકોએ જાતે ખુલ્લો મુકી દીધો છે. શહેરના ક અને ખ રોડનો જોડતા અંડરપાસ છેલ્લા કેટલાક સમયથી બનીને તૈયાર થઈ ગયો હતો. જોકે કોરોના સહિતના કારણોસર તેનું લોકાર્પણ થઈ રહ્યું ન હતું. જેને પગલે કંટાળેલા લોકોએ જાતે જ અહીં મુકેલી આડોશો કોઈ સમયે હટાવી લેતા અંડરપાસ શરૂ થઈ ગયો હતો. વાવોલ ગામ અને તેને અડીને આવેલી અનેક સોસાયટીના રહીશોને અંડરપાસ બંધ હોવાને પગલે અનેક મુશ્કેલીઓ પડતી હતી.
મહાત્મા મંદિર, સેન્ટ્રલવિસ્ટા ગાર્ડન, સે-16, 17 કે સચિવાયલ સહિતના વિસ્તારોમાં જવા માટે નાગરિકોને વાવોલ ગામના ફાટક કે પછી ખ-5 થઈને જવું પડતું હતું. જોકે હવે ખ રોડને સીધો મહાત્મા મંદિર સાથે જોડતા અંડરપાસથી નાગિરકોને વધારોનો ફેરો બચી જશે. સામાન્ય રીતે વાવોલ ગામને અડીને આવેલ 2 ફાટક અને રોડ નં-5 પાસે રેલવે ફાટકો બંધ હોય ત્યારે નાગરિકો સાથે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પણ મુશ્કેલી પડતી હતી. અંદાજે 45 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું કામ 2017માં શરૂ કરાયું હતું.
મહાત્મા મંદિરથી મહાનુભાવો સીધા રેલવે સ્ટેશન પર બનેલી હોટેલ પર જઈ શકે તે માટે આ અંડરપાસ બનાવાયો છે. છેલ્લા બે એક મહિનાથી અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો હતો પરંતુ લોકાર્પણની રાહ જોવાતી હતી. તંત્ર દ્વારા અહીં પતરાં અને આડશ મુકાઈ હતી, જોકે કંટાળેલા કોઈ નાગરિકે કોઈ સમયે આડશો હટાવી લીધી હોવાનું કહેવાય છે. લોકાર્પણ વગર જ અંડરપાસમાં વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.