સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભારે પવનોના કારણે હજારો વૃક્ષો ધરાશાયી

સોમવારે મોડી સાંજે તાઉતે વાવાઝોડું પ્રચંડ પવનો સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાયું હતું. ઉના, વેરાવળ, જાફરાબાદ અને કોડિનાર જેવાં દરિયાકિનારનાં સ્થળોએ પવનોની ગતિ 130 કિમીની ઝડપને આંબી ગઈ હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં, મોજાઓ 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં. જાફરાબાદમાં કિનારે લાંગરેલી બોટોને પણ તોફાને ચઢેલા દરિયાના પાણીના કારણે નુકસાન થયું હતું. પડી ગયેલાં વૃક્ષોને કારણે સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ જતાં મોડેમોડે સ્થળાંતર કરી રહેલા લોકો અધવચ્ચે ફસાઇ ગયા હતા. હજુ એક દિવસ સતત ભારે પવનો ફૂંકાવાની આગાહી છે. તકેદારીના પગલે સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો બંધ કરાયો.