ગાંધીનગર ખાતે ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરાશે

કેન્દ્ર સરકારની મહત્વની સ્કીમ “ખેલો ઇન્ડિયા” અંતર્ગત સ્પોર્ટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લાકક્ષાએ “ખેલો ઇન્ડિયા સેન્ટર”(KIC’s) શરૂ કરવામાં આવનારી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ “ખેલો ઇન્ડિયા સેન્ટર (KIC’s)” શરૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રત્યેક રમત દિઠ એક વખત મળવાપાત્ર શરૂઆતની રૂ.5 લાખ સહાય અપાશે.
જિલ્લા રમત ગમત અધિકારી એમ.એ.ચૌધરીએ જણાવ્યું છે કે, “ખેલોઇન્ડિયા સેન્ટર”(KIC’s) માં તાલીમ માટે ઓલમ્પીક- 2024 ને ધ્યાને લઇ 14 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ “ખેલો ઇન્ડિયા સેન્ટર”(KIC’s) માં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દિઠ ઓછામાં ઓછા 30 તાલીમાર્થીઓને લાભ મેળવી શકશે. “ખેલો ઇન્ડિયા સેન્ટર”(KIC’s) માટે પ્રત્યેક રમત દિઠ 1 વખત મળવાપાત્ર શરૂઆતની સહાય રૂ.5 લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદવેતન, નવા રમતના સાધનો ખરીદી કરવા, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દિઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.5 લાખ રહેશે.