હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનારી ગેંગનો પર્દાફાશ

ગાંધીનગર અડાલજ સરખેજ હાઇવે ઉપર વાહન ચાલકોને પોલીસ તરીકેની ઓળખ આપી વાહન ચાલકને કમરના ભાગથી ઊંચો કરી ધાકધમકી આપીને લૂંટ કરતી ગેંગને ઝડપી લઈ બે મહિના અગાઉ થયેલી હાઇવે લૂંટ નાં ગુનાનો અડાલજ પોલીસે પર્દાફાશ કરી રોકડ રકમ, મોબાઈલ ફોન, સીએનજી રીક્ષા સહિત આશરે એક લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સરખેજ હાઇવે રોડ પર વાહન ચાલકોને પોલીસની ઓળખ આપી છેલ્લા ઘણા સમયથી રોકડ રકમની લૂંટ કરવાની ઘટનાઓ બનવા પામી હતી. જેનાં પગલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ પોલીસ વડા મયુર ચાવડા ધ્વારા હાઇવે લૂંટ નાં ગુનાનું ડિરેક્શન કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અન્વયે આજથી બે મહિના અગાઉ અડાલજ પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટ નાં ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ ની મદદથી તપાસનો દોર હાથ ધર્યો હતો.
ત્યારે ગઈકાલે પી.એસ.આઈ એમ. જે. શિંદે સ્ટાફના માણસો સાથે લૂંટનાં ગુનાનું પગેરૂ શોધવા અડાલજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ અમરતભાઈ ગાંડાભાઈ તેમજ કોન્સ્ટેબલ આશીષકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે,લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાતું નંબર પ્લેટ વિનાનું જ્યુપિટર તેમજ સીએનજી રીક્ષા ઝૂંડાલ થી અન્નપૂર્ણા સર્કલ તરફ ના રોડ પરથી પસાર થવાની છે. જેનાં પગલે પોલીસે આ વિસ્તારને કોર્ડન કરીને બાતમી મુજબ નાં વાહનો સાથે લુટારુ ટોળકીને ઝડપી લીધી હતી.