રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા બની રહેલ બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારી E.S.R ની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને આપવામાં રહેલી વિવિધ સુવિધાઓનું માળખું વધુ ને વધુ મજબુત બને તે માટે આવશ્યકતા અનુસાર અલગ-અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. શહેરના વિકાસમાં પીવાના પાણીની સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પીવાના પાણીનું એકત્રીકરણ, શુદ્ધિકરણ અને વિતરણનું સમગ્ર માળખું વધુ મજબુત અને સમૃદ્ધ બને તે માટે હાલ મહાનગરપાલિકા દ્વારા જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે બની રહેલા નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં બની રહેલ નવા E.R.S ની કામગીરી સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આજે તા.૨-૭-૨૦૨૧ ના રોજ વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને એજન્સીના પ્રતિનિધિશ્રીઓને સાથે રાખી આ ત્રણેય પ્રોજેક્ટ્સ સાઈટ્સની મુલાકાત કરી હતી. આ ઉપરાંત રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવા માટે થતી પ્રક્રિયા વિશે પણ કમિશનરશ્રીએ માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરશ્રીએ આ ત્રણેય પ્રોજેક્ટ સાઈટ્સની વિઝિટ કરી કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે આ ત્રણેય પ્રોજેક્ટ ઝડપ ભેર પૂર્ણ કરવા દિવસ રાત કામગીરી આગળ ધપાવવા સૂચના આપી હતી. વોર્ડનં.-૧૦ માં કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત E.R.S ની બાજુમાં, ૩૦ લાખ લિટર કેપેસિટીનાં નવા E.R.S તથા તેને સંલગ્ન ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી E.R.S સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની ૬૫૦ મીટર લંબાઈ M.S પાઈપ લાઈન નાખવાનું કામ હાલ ચાલી રહયું છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ.૪.૪૪ કરોડ છે. આ પ્રોજેક્ટથી વોર્ડનં- ૨, ૭, ૮, ૧૧ અને ૧૨ નાં પાર્ટમાં આશરે ૧.૫૦ લાખ લોકોને તેનો લાભ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી પૂરતા દબાણથી પાણી સુવિધા મળશે. પાણી સ્ટોરેજની કેપેસિટીમાં વધારો થવાથી વધુ વિસ્તાર તેમાં ભવિષ્યમાં સમાવિષ્ઠ થઈ શકે. નવી M.S લાઇન નાખવાથી લાઇન લીકેજનાં પ્રમાણમાં ઘટાડો થશે. જેથી મહાનગરપાલિકાને આર્થિક ફાયદો થશે. સરકારશ્રીની “અમૃત” યોજના અંતર્ગત વેસ્ટ ઝોનનાં મવડી વિસ્તાર વોર્ડનં.૧૨માં જેટકો ચોકડી ખાતે ૫૦ M.L.D ક્ષમતાનો S.C.A.D.A ટેકનોલોજી આધારિત આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંદાજીત રૂ.૪૨.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહયો છે. આ પ્લાન્ટ zero liquid discharge પ્રકારનો બનાવવાનો હોય, જેમાં ફિલ્ટર બેડને બેક-વોશ કરતાં તેમાંથી નીકળતું બેક-વોશનું પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ લેવામાં આવશે. આ પ્લાન્ટ આધુનિક S.C.A.D.A ટેકનોલોજી આધારિત ઓટોમેશન પદ્ધતિથી કાર્યરત રહેશે. તેનો લાભ વોર્ડ-૧૧ તથા ૧૨ નાં વિકાસ પામી રહેલ નવા ભળેલાં મવડી વિસ્તાર તથા ટી.પી. સ્કીમ નં.૨૫,૨૬,૨૭ તેમજ વાવડી વિસ્તારનાં હાલમાં અંદાજીત ૮૦,૦૦૦ શહેરીજનો તથા ભવિષ્યની સને-૨૦૩૨ ની અંદાજીત ગણતરી મુજબ ૨.૪૦ લાખ શહેરીજનોને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાઈપ લાઈન દ્વારા પાણી પુરૂ પાડવાં માટે લાભ મળશે. દરમ્યાન રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કેમ્પસમાં ૫૦ M.L.D ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહયો છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ.૨૯.૭૦ કરોડ જેવો છે. આ પ્લાન્ટ પણ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્રકારનો બની રહયો છે. આ પ્રોજેક્ટ હેઠળ ૩ M.L ક્ષમતાના E.S.R અને ૧૮.૬ M.L ક્ષમતાના G.S.R બની રહયા છે. આ પ્રોજેક્ટથી વોર્ડનં- ૧, ૮, ૯, ૧૦ તથા ૧૩ નાં પાર્ટમાં આશરે ૨.૪૦ લાખ જેટલી વસતિને લાભ થશે. વધુમાં, મ્યુનિ. કમિશનરશ્રીએ રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની શુદ્ધીકરણની પ્રક્રિયા નિહાળી હતી અને કેમિસ્ટ શ્રી એ.બી.જાડેજા પાસેથી પુરક માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં વેક્યુમ ફીડ કલોરીનેશન સિસ્ટમની માહિતીનો પણ સમાવેશ થતો હતો. આ સિસ્ટમ મુજબ V.F.C માં પાણીની મોટર વડે વેક્યુમ ઉત્પન્ન કરી ક્લોરીન ટનરમાંથી ક્લોરીન ગેસ ખેંચવામાં આવે છે. ત્યારબાદ રેગ્યુલેટર વડે મીક્ષિંગ ચેમ્બરમાં પાણી સાથે ક્લોરીન ગેસને મીક્ષ કરી ક્લોરીન વોટર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ પ્રિ-કલોરીનેશન તથા પોસ્ટ કલોરીનેશન માટે કરવામાં આવે છે. વેક્યુમ ઉત્પન્ન થયા બાદ જ ક્લોરીન ટનલમાંથી ક્લોરોન ગેસ આગળ વધારો હોય, ક્લોરીન લીકેજના અકસ્માત નહીવત થવા પામે છે. તેમ છતાં અકસ્માતે ક્લોરીન લીકેજની ઘટના સમયે ઓટો શટ ઓફ વાલ્વ સિસ્ટમ હોવાના કારણે ક્લોરીન ટનલ પરનો વાલ્વ એર મોટર વડે બંધ થઇ જતા ક્લોરીન લીકેજ તુરંત કાબુમાં આવી જાય છે. તદઉપરાંત સ્ક્રબર સિસ્ટમ હોવાના કારણે જે થોડી માત્રામાં ક્લોરીન ગેસ લીકેજ થતો હોય તે સ્ક્રબર સિસ્ટમમાં શોષાઈ જઈને ન્યુટ્રલાઇઝ થઇ જાય છે. આમ, ક્લોરીન લીકેજ સામે ત્રી-સ્તરીય સલામતી ઉપાયોના કારણે કલોરીનેશન પ્રક્રિયા એકદમ સલામત થઇ જાય છે. આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે એડિશનલ સિટી એન્જિનિયરશ્રી શ્રી એમ.આર.કામલિયા, પી.એ. (ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રીઓ શ્રી હિતેશભાઈ ટોળીયા, શ્રી હરેશભાઈ સોંડાગર, શ્રી જગદીશભાઈ શીંગાળા, કેમિસ્ટશ્રી એ.બી.જાડેજા, અને એજન્સીના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.